Wed Apr 22 2026

Logo

સુરતમાં લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થયેલી ટાંકી બનાવનાર એજન્સીને  ₹83 લાખ ચૂકવાઈ પણ ગયા!

2026-03-14 15:44:32
Author: Devayat Khatana
Article Image

સુરતઃ ગુજરાતમાં થોડા દિવસ પહેલા ભ્રષ્ટાચારના મુદ્દે એક વિવાદ છેડાયો હતો અને તે મુદ્દો સુરતના માંડવી તાલુકાના અરેઠ-તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણ પામેલી વિશાળ ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થવા સાથે જોડાયેલો હતો. અ મુદ્દે આજે વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યોએ સરકારને સવાલ કર્યા હતા. જેના જવાબમાં ચોકાવનારા ખુલાસા થયા હતા. 

સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના અંગે વિધાનસભામાં મહત્વની વિગતો રજૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે આ ટાંકીના નિર્માણનું કામ મે. જયંતી સુપર કન્સટ્રક્શન પ્રાઇવેટ લિમીટેડ, મહેસાણા (72%) અને જે.વી. મે. બાબુભાઈ અંબાલાલ પટેલ, મહેસાણા (28%) ની સંયુક્ત ભાગીદારી વાળી એજન્સીને સોંપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે 10 ઓગસ્ટ 2022 ના રોજ એલ.ઓ.આઈ. આપીને અંદાજે ₹94.84 લાખના ખર્ચે કામગીરી સોંપાઈ હતી.

ટાંકીના નિર્માણ અને તેની ગુણવત્તા બાબતે વિવિધ નિષ્ણાતો દ્વારા તપાસ અહેવાલો સોંપવામાં આવ્યા છે. કોંક્રીટ મટીરીયલ અંગેનો તપાસ અહેવાલ SVNIT દ્વારા 29 જાન્યુઆરી 2026 ના રોજ અને GERI દ્વારા 31 જાન્યુઆરી 2026 ના રોજ સરકારને સુપરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ટાંકીનું નિર્માણ શરૂ કરતા પહેલા સોઈલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલબ્ધ રેકોર્ડ મુજબ જમીનની સોઈલ બેરીંગ કેપેસીટી (SBC) 18.91 ટન/મી.² મળી હતી. હાલ સોઈલ સેમ્પલ પરિક્ષણની કામગીરી પ્રગતિમાં છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નાણાકીય વિગતો મુજબ, આ કામગીરી માટે એજન્સીને અત્યાર સુધીમાં કુલ ₹83,45,920 નું ચૂકવણું કરવામાં આવ્યું છે. આ રકમ ચાર અલગ-અલગ રનિંગ બિલો દ્વારા ચૂકવવામાં આવી હતી, જેમાં સૌથી છેલ્લું આઠમું બિલ 5 નવેમ્બર 2025 ના રોજ ₹42,03,820 નું ચૂકવાયું હતું. ટાંકી તૂટવાની આ ઘટનાને લઈને વિપક્ષી ધારાસભ્યો દ્વારા પણ સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યા હતા અને તેના પગલે આ સમગ્ર વિગતો જાહેર કરવામાં આવી હતી.