Sun Sep 27 2026

Logo

પીએમ મોદીને બાળપણમાં શેનો હતો શોખ ? કોણ છે તેમના રાજકીય ગુરુ

2026-09-17 08:51:39
Author: Mayur Patel
પીએમ મોદીને બાળપણમાં શેનો હતો શોખ ? કોણ છે તેમના રાજકીય ગુરુ

અમદાવાદઃ પીએમ મોદીનો આજે 76મો જન્મદિન છે. જેને લઈ ગુજરાત સહિત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગરમાં દામોદરદાસ મૂળચંદ મોદી અને હીરાબેનના ઘરે થયો હતો. નરેન્દ્ર મોદી 5 ભાઈ-બહેનોમાં બીજા ક્રમનું સંતાન છે.  નરેન્દ્ર મોદીના પિતાની રેલવે સ્ટેશન પર ચાની દુકાન હતી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમણે સ્ટેશન પરથી પસાર થતા સૈનિકોને ચા પીવડાવી હતી.

પીએમ મોદીને બાળપણમાં શેનો શોખ હતો.

નરેન્દ્ર મોદી બાળપણમાં સામાન્ય બાળકો કરતાં સાવ અલગ હતા. નરેન્દ્ર મોદી વડનગરની ભગવતાચાર્ય નારાયણાચાર્ય શાળામાં ભણતા હતા. તેઓ શાળામાં એક સામાન્ય વિદ્યાર્થી હતા.  તેમને બાળપણમાં એક્ટિંગનો શોખ હતો. નરેન્દ્ર મોદી બાળપણમાં શાળામાં એક્ટિંગ, વાદ-વિવાદ અને નાટકોમાં ભાગ લેતા તથા ઇનામો જીતતા હતા. તેઓ એનસીસીમાં પણ જોડાયા હતા. 

એકવાર તેઓ શર્મિષ્ઠા તળાવમાંથી મગરનું બચ્ચું પકડીને ઘરે લઈ આવ્યા હતા. માતાના સમજાવ્યા બાદ તેઓ તેને ફરી તળાવમાં મૂકી આવ્યા હતા.નાની ઉંમરમાં તેમના લગ્ન જશોદાબેન ચીમનલાલ સાથે થયા હતા, પરંતુ ત્યારબાદ પારિવારિક કારણોસર તેમણે વર્ષ 1967માં ઘર છોડીને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો.

કોણ છે તેમના રાજકીય ગુરુ

લાલકૃષ્ણ અડવાણીને નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુ માનવામાં આવે છે. 1990ના દાયકામાં નરેન્દ્ર મોદીએ અડવાણીની સોમનાથથી અયોધ્યા રથયાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નરેન્દ્ર મોદી સ્વભાવથી આશાવાદી વ્યક્તિ છે. એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે, લોકોને અડધો ગ્લાસ પાણીથી ભરેલો દેખાય છે, પરંતુ મને અડધો ગ્લાસ પાણી અને અડધો હવાથી ભરેલો દેખાય છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે પ્રવાસીઓને આકર્ષવા માટે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. અમિતાભ બચ્ચને આના બદલામાં એક પણ રૂપિયો લીધો નહોતો. આ ઉપરાંત નરેન્દ્ર મોદી પતંગ ચગાવવાના શોખીન છે. રાજકારણના આકાશની જેમ તેઓ પતંગબાજીમાં પણ સારા પતંગબાજોના પેચ કાપી નાખે છે.

અમેરિકાએ વિઝા આપવાની પાડી હતી ના

ગુજરાત રમખાણોના ડાઘને કારણે વર્ષ 2005માં અમેરિકાએ મોદીને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. 

ગુજરાતમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ નરેન્દ્ર મોદીના વિરોધી હતા, જેમાંના એક ઝફર સરેશવાલા હતા જેઓ મોદી મુખ્યમંત્રી બન્યા પછી લંડન ચાલ્યા ગયા અને તેમની વિરુદ્ધ પ્રચાર કર્યો. પાછળથી જ્યારે તેઓ મોદીને મળ્યા ત્યારે તેમના નજીકના બની ગયા. મોદી વડાપ્રધાન બન્યા બાદ તેઓ તેમના પ્રશંસક બન્યા.

નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ સોશિયલ મીડિયાનો ઘણો ઉપયોગ કર્યો હતો. તેમણે 'સેન્ટર ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સ' નામની એક પ્રચાર સમિતિ બનાવી હતી, જેના હાથમાં પ્રચારની સંપૂર્ણ કમાન હતી. વડાપ્રધાન બન્યા પછી લોકોમાં મોદી પ્રત્યે રસ જાગ્યો અને બે મહિનામાં તેમના પર 40થી વધુ જીવનચરિત્રો બહાર આવ્યા હતા. આ ઉપરાંત બોલિવૂડ અને રમતગમત જગતના ઘણા મોટા સિતારાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક છે.

નરેન્દ્ર મોદીએ અમેરિકામાં મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશન્સ સંબંધિત ત્રણ મહિનાનો કોર્સ કર્યો છે. સંઘના પ્રચારકોને દાઢી રાખવાની મંજૂરી નહોતી, પરંતુ નરેન્દ્ર મોદી અન્ય પ્રચારકોથી વિપરીત દાઢી રાખતા અને તેને ટ્રીમ પણ કરાવતા હતા. નરેન્દ્ર મોદી અમદાવાદ સંઘ મુખ્યાલયમાં સાફ-સફાઈ, ચા બનાવવી અને વડીલ નેતાઓના કપડાં ધોવા જેવા તમામ નાના કામો કરતા હતા.



મોદીએ શીખ સરદારનો વેશ ધારણ કર્યો હતો

ભારતના રાજકીય ઇતિહાસના કાળા દિવસ તરીકે ઓળખાતી કટોકટી દરમિયાન નરેન્દ્ર મોદી શીખ સરદારનો વેશ ધારણ કરીને અઢી વર્ષ સુધી પોલીસને થાપ આપતા રહ્યા હતા.  નરેન્દ્ર મોદીએ સંઘમાં કુર્તાની બાય ટૂંકી કરાવી લીધી હતી જેથી તે વધારે ખરાબ ન થાય, જે વર્તમાન સમયમાં 'મોદી કુર્તા' બ્રાન્ડ બની ગઈ છે. આ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. મોદી મહાન વિચારક અને યુવા દાર્શનિક સંત સ્વામી વિવેકાનંદથી ખૂબ પ્રભાવિત છે. તેમણે ગુજરાતમાં 'વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા' કાઢી હતી.

પીએમ મોદીએ પોતાના જીવનથી અન્ય લોકો માટે પ્રેરણાની ભાવના જગાડી છે. તેઓ શુદ્ધ શાકાહારી છે અને અન્ય કોઈ પણ રાજનેતા કરતાં ઘણા વધુ ફિટ છે. મોદી યોગ કરે છે અને તેમની દિનચર્યા અત્યંત વ્યસ્ત હોવા છતાં તેઓ થાકતા નથી. આ બાબત પણ જનતાને યોગ કરવા માટે પ્રેરિત કરે છે. મોદીના પ્રયાસોને લીધે જ યોગને વિશ્વમાં આટલો મોટો દરજ્જો મળી શક્યો છે.