નવી દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પ્રસંગે પીએમ મોદી ભારત મંડપમથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે 12 વર્ષમાં દેશ કોંગ્રેસના કૂચક્રથી આઝાદ થયો છે. કોંગ્રેસે દેશને લાચાર બનાવી દીધો હતો. તેમજ કોંગ્રેસે પોતાની નિષ્ફળતાનું કલંક હિંદુઓ પર લગાવ્યું હતું.
એનડીએ પરિવારે લોકોના વિશ્વાસને ટકાવી રાખ્યો
પીએમ મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસે લોકોને કહ્યું વિકાસ ધીરે ધીરે થાય છે અને તેને હિંદુ વિકાસ દર કહેવામાં આવતો હતો. તેમણે કહ્યું કે જ્યારે વર્ષ 2014માં એનડીએ જીત્યું ત્યારે મે કહ્યું હતું કે દેશના સામાન્ય નાગરિક માટે એક નવી આશાનો જન્મ થયો છે. આ વિશ્વાસને ટકાવી રાખીને એનડીએ પરિવારે રાષ્ટ્રના વિશ્વાસને સતત મજબૂત બનાવ્યો છે.
સરકાર સાચા ઇરાદા સાથે કાર્ય કરે છે ત્યારે ઝડપી વિકાસ થાય છે
દેશના લોકોએ પ્રથમ વાર જોયું છે કે જ્યારે સરકાર સાચા ઇરાદા સાથે કાર્ય કરે છે ત્યારે ઝડપી વિકાસ થાય છે. એનડીએ શાસનના આ 12 વર્ષ દરમિયાન 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે તે દર્શાવે છે કે આપણી નીતિઓ યોગ્ય માર્ગ પર છે.
દરેક નાગરિક 'વિકસિત ભારતનું સ્વપ્ન જોવે છે
પીએમ મોદીએ જણાવ્યું હતું કે આજે દેશનો દરેક નાગરિક 'વિકસિત ભારતનું સ્વપ્ન જોવે છે. આ દેશના દરેક વ્યક્તિનું સ્વપ્ન બની ગયું છે. આપણે તેને સાકાર કરવા માટે દરેક ક્ષણ સમર્પિત કરવી જોઈએ. એનડીએના 12 વર્ષના કાર્યકાળની એક સફળતા એ છે કે દેશ કોંગ્રેસના કૂચક્રથી આઝાદ થયો છે.
એનડીએ સરકારની રચના થતાં દેશનું ભાગ્ય ફરી બદલાઈ ગયું
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, જ્યારે કેન્દ્રમાં અટલજીની સરકાર સત્તામાં આવી ત્યારે આપણને વિકાસ કાર્યો કેવી રીતે ઝડપથી થાય તેની ઝલક મળી. જોકે વર્ષ 2004 માં દેશ અસ્થિરતાના વમળમાં ફસાઈ ગયો. કોંગ્રેસે દેશને એક પછી એક કરોડોના કૌભાંડોમાં ખેંચી લીધો. પરંતુ વર્ષ 2014 માં એનડીએ સરકારની રચના થતાં દેશનું ભાગ્ય ફરી બદલાઈ ગયું.
ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પ્રથમ ક્રમે
પીએમ મોદીએ જણાવ્યું કે વર્ષ 2014 માં ફક્ત પાંચ શહેરોમાં મેટ્રો હતી. જ્યારે વર્ષ 2026 સુધીમાં 20 થી વધુ શહેરોમાં મેટ્રો સિસ્ટમ હશે. દેશ ઘણો આગળ વધી ગયો છે. વર્ષ 2014 માં દેશમાં ફક્ત 25 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ હતા. જ્યારે આજે એક અબજથી વધુ યુઝર્સ ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. આજે ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પ્રથમ ક્રમે છે અને સ્થાનિક સ્તરે ૩૩ કરોડથી વધુ મોબાઇલ હેન્ડસેટનું ઉત્પાદન કરે છે.