મુંબઈ: રાજ્ય સરકારે નર્સરીથી પહેલા ધોરણ સુધીના પ્રવેશ માટે વયમર્યાદા નક્કી કરી છે. તે મુજબ ૨૦૨૭-૨૮ના શૈક્ષણિક વર્ષથી નર્સરીમાં પ્રવેશ મેળવવા માટે બાળકોની ઉંમર ત્રણ વર્ષ પૂરી હોવી આવશ્યક રહેશે. વિવિધ શિક્ષણ બોર્ડની શાળાઓમાં પ્રવેશના નિયમો એકસમાન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા નિયમ અનુસાર, ૩૦ જૂન ૨૦૨૭ સુધીમાં ત્રણ વર્ષ પૂરાં કરનારાં બાળકોને ૨૦૨૭-૨૮ ના શૈક્ષણિક વર્ષમાં નર્સરીમાં પ્રવેશ મળી શકશે. ત્યાર પછીના ધોરણો માટે પણ તબક્કાવાર વયમર્યાદા લાગુ થશે. અત્યાર સુધી રાજ્ય બોર્ડ, સીબીએસસી, આયસીએસસી અને આઇબી બોર્ડની શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે વયમર્યાદા અલગ-અલગ હતી.
પ્રી-પ્રાયમરી ક્લાસ માટે પણ વયમર્યાદા માટે એકસમાન નિયમો ન હોવાને કારણે શાળા મુજબ પ્રવેશ પ્રક્રિયામાં તફાવત હતો. તેના લીધે વાલીઓમાં પણ મૂંઝવણનો માહોલ હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા બાળકની ઉંમર છ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તેવી ભલામણ કરવામાં આવી છે. આ માપદંડો સાથે સુસંગત રહીને રાજ્યમાં પ્રવેશના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં નર્સરીથી પહેલા ધોરણ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર વયમર્યાદાના નવા માપદંડો લાગુ થશે નહીં. માન્યતા પ્રાપ્ત શાળામાંથી પાછલો વર્ગ પાસ કરીને આગળના ધોરણમાં જતા નિયમિત વિદ્યાર્થીઓને પણ આ માપદંડોમાંથી મુક્તિ મળશે.
નવા નિયમોનો અમલ કેવી રીતે કરવો તે અંગે સંબંધિત અધિકારીઓને આગળની માર્ગદર્શિકા તૈયાર કરવા માટે જણાવાયું છે. ૨૦૨૭-૨૮થી શરૂ થતા આ ફેરફારોને કારણે પ્રવેશ માટેની વય નક્કી થશે અને વિવિધ શાળાઓના નિયમોમાં એકરૂપતા આવવાની અપેક્ષા છે.