Wed Jun 10 2026

Logo

મુંબઈ-પુણે મિસિંગ લિંક: દર વર્ષે ₹272 કરોડની થશે બચત, જાણો કઈ રીતે?

2026-06-09 20:06:41
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: દેશમાં હાલમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવા ઈંધણો પર ગંભીર કટોકટી ઊભી થઈ છે, જેના લીધે દેશ પર આયાતનું ભારણ પણ વધ્યું છે. આવા સમયમાં ઇંધણની બચત માટે નાના-મોટા તમામ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પહેલી મેથી શરૂ કરવામાં આવેલી 'મુંબઈ-પુણે મિસિંગ લિંક' ઇંધણ બચાવવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપશે. મુંબઈ-પુણે એક્સેસ કંટ્રોલ હાઇવે પર શરૂ કરવામાં આવેલી આ બહુઉદ્દેશી કનેક્ટિંગ લિંકના કારણે દર વર્ષે અંદાજે ૨.૭ કરોડ લીટર ફ્યુઅલની બચત થશે.

આ સંપૂર્ણ મિસિંગ લિંક કોરિડોર કાર્યરત થતાં દર વર્ષે આશરે ૨૭૨ કરોડ રૂપિયાના ઇંધણની સંભવિત બચત થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કનેક્ટિંગ લિંક શરૂ થતા પહેલા અને પછી મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર એક વિશેષ સર્વે કરવામાં આવ્યો હતો.

વાહનોની ગતિ વધી અને સમય ઘટ્યો

આ કનેક્ટિંગ લિંક પરથી પસાર થનારી બસોના ઇંધણ વપરાશમાં સરેરાશ ૨૪ ટકા જેટલો મોટો સુધારો (બચત) નોંધાયો હતો. આ ઉપરાંત, ટ્રકોની સરેરાશ ઝડપમાં ૧૮ ટકાથી વધુનો વધારો થશે. જ્યારે બીજી તરફ, ત્રણ-એક્સલ (Three-Axle)વાળા વાહનો દ્વારા આ અંતર ૨૦ ટકા જેટલા ઓછા સમયમાં પૂરું કરવામાં આવ્યું હતું. ઇંધણના ઓછા વપરાશને કારણે આ મિસિંગ લિંક દ્વારા દર વર્ષે ૬૪,૯૦૫ મેટ્રિક ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જન રોકી શકાશે, જે પર્યાવરણ માટે મોટી રાહત છે.

આ લિંક ખુલ્યા બાદ મુંબઈ-પુણે કોરિડોર પર કમર્શિયલ વાહનોના પરફોર્મન્સનો એક એનાલિસિસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે કોરિડોરમાં વાહનોની સુગમ અવરજવરને કારણે વાર્ષિક ૨.૭ કરોડ લીટર ઇંધણની બચત સાથે ફ્યુઅલ પાછળ થતા ખર્ચમાં અંદાજે ૨૭૨ કરોડ રૂપિયાનો ઘટાડો થશે.

સર્વેમાં ૧,૮૪૯ વાહનો ટ્રેક કરાયા

આ રિપોર્ટ મુજબ થ્રી-એક્સલ ગાડીઓમાં મુસાફરીના સમયમાં સૌથી વધુ ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે બસોમાં દરેક ટ્રિપ દીઠ ઇંધણના વપરાશમાં ૨૪ ટકાની બચત થઈ હતી. મલ્ટિ-એક્સલ ટ્રકોની સ્પીડ, ટ્રાવેલ ટાઇમ અને ઇંધણના ઉપયોગમાં પણ સકારાત્મક બદલાવ આવ્યો છે. 

આ વિશ્લેષણમાં બસો, એમસીવી (MCV) ટ્રકો, ૩-એક્સલ ગાડીઓ અને મલ્ટિ-એક્સલ ટ્રકો સહિત ૧,૮૪૯ અનોખા (Unique) કમર્શિયલ વાહનોને ટ્રેક કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત મુંબઈ-પુણે કોરિડોરના ઘાટ સેક્શનમાંથી ૨,૨૦૦થી વધુ ટ્રિપ્સ કવર કરવામાં આવી હતી.

એન્જિનિયરિંગની અદભુત અજાયબી

મુંબઈ-પુણે વચ્ચેની મુસાફરીને રોમાંચક બનાવે તેવો ૧૩.૩ કિલોમીટર લાંબો અને દેશનો સૌથી ઊંચો (૧૮૦ મીટર) કેબલ-સ્ટે બ્રિજ (Cable-Stayed Bridge) આ કનેક્ટિંગ લિંક પર બનાવવામાં આવ્યો છે. સહ્યાદ્રીના બે વિશાળ પર્વતો વચ્ચે બનેલો આ કેબલ-સ્ટે બ્રિજ આધુનિક એન્જિનિયરિંગનું એક શાનદાર મોડેલ છે, જે દુર્ગમ પહાડોને જોડીને મુસાફરીને અત્યંત સરળ બનાવે છે.