Sun Jun 21 2026

Logo

વરસાદની હાજરીથી બફારો ઓછો: મુંબઈગરાઓએ હાશકારો અનુભવ્યો

2026-06-21 18:57:55
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: ચોમાસાના આગમનમાં થયેલા વિલંબને કારણે ભારે ઊકળાટ સહેવા મજબૂર મુંબઈગરાઓએ રવિવારે થોડો હાશકારો અનુભવ્યો હતો. સવારના સમયે વરસેલા હળવાથી મધ્યમ વરસાદને કારણે ગરમી અને અસહ્ય ભેજવાળા વાતાવરણમાંથી થોડી રાહત મળી હતી.ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં નૈર્ઋત્યનું ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ હોવાનો સંકેત આપ્યો છે.

મહિનાની શરૂઆતમાં ચોમાસું દક્ષિણ કોંકણ પહોંચી ગયું હતું, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે તેની આગળની ગતિ થંભી ગઈ હતી.જોકે રવિવારની સવારે મુંબઈના અનેક ભાગોમાં વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું હતું તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનને કારણે ગરમીમાંથી થોડી રાહત મળી હોવાનું અનુભવાયું હતું.મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર ઘાટકોપરની રમાબાઈ મહાપાલિકા સ્કૂલમાં સવારે છથી સાત વાગ્યા દરમિયાન સૌથી વધુ 24 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ ચેમ્બુર ફાયર સ્ટેશનમાં 20 મિ.મી. અને માનખુર્દ ફાયર સ્ટેશનમાં 16 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી.

ત્યાર બાદ સવારે સાતથી આઠ વાગ્યા દરમિયાન વરલી સીફેસ મ્યુનિસિપલ સ્કૂલ અને સાવિત્રીબાઈ ફુલે મ્યુનિસિપલ સ્કૂલમાં પચીસ-પચીસ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જે શહેરનો સૌથી વધુ હતો. એ સિવાય લોઅર પરેલમાં જી-સાઉથ વૉર્ડ ઑફિસમાં 21 મિ.મી. અને વરલી ફાયર સ્ટેશન ખાતે 17 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી.શહેરમાં ક્યાંય પાણી ભરાવાની સ્થિતિ કે વરસાદ સંબંધી ઘટનાઓ નોંધાઈ નહોતી, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન નાશિક જિલ્લાના ઈગતપુરી તાલુકામાં શનિવારની સાંજે વરસાદે જોર પકડ્યું હતું. જોકે થોડો સમય વરસ્યા પછી વરસાદે પોરો ખાધો હતો. વાશિમ અને માલેગાંવ તાલુકામાં પણ અનેક ઠેકાણે ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી.