Tue Sep 08 2026

Logo

રસ્તે ચાલતી મહિલાઓ સાથે શરમજનક કૃત્ય કરનારો પકડાયો

2026-04-04 21:12:42
રસ્તે ચાલતી મહિલાઓ સાથે શરમજનક કૃત્ય કરનારો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિકૃત મનોવૃત્તિને સંતોષવા રસ્તે ચાલતી મહિલાઓ સાથે કથિત શરમજનક કૃત્ય કરી સ્કૂટર પર ફરાર થઈ જનારા યુવકને પોલીસે પકડી પાડ્યો હતો.બાંગુર નગર પોલીસે શનિવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મુખ્તાર નાસીર ખાન (25) તરીકે થઈ હતી. ગોરેગામમાં આરે કોલોની વિસ્તારના મયૂરનગર ખાતે રહેતા ખાનને કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી તેના સફેદ રંગના સ્કૂટર પર ફરતો હતો. સૂમસામ માર્ગ પરથી એકલી પસાર થતી મહિલાઓને જોઈ તેમને ટાર્ગેટ કરતો. તક ઝડપી મહિલાની નજીક જઈને તેમનો વિનયભંગ કરી આરોપી ફરાર થઈ જતો હતો.ગોરેગામ પશ્ર્ચિમમાં આવેલા ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબ સામેના માર્ગ પરથી 30 માર્ચની રાતે મલાડમાં રહેતી મહિલા ચાલતી જઈ રહી હતી. મહિલા સાથે શરમજનક કૃત્ય કરી ફરાર થઈ ગયેલા આરોપી વિરુદ્ધ બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન આવી જ ઘટના અન્ય મહિલાઓ સાથે થઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં દેખાતા સ્કૂટરને ટ્રેસ કરવામાં આવ્યું હતું. ફૂટેજને આધારે જ પોલીસ આરે કોલોની સુધી પહોંચી હતી. આખરે મયૂર નગરમાંથી મળી આવેલા સ્કૂટર પાસે પોલીસે છટકું ગોઠવ્યું હતું. બે દિવસ પછી સ્કૂટર નજીક આવેલા આરોપીને તાબામાં લેવાયો હતો. તેણે માત્ર મોજ ખાતર આવું કર્યું હોવાનો દાવો કર્યો હતો. આરોપીના પકડાવાથી બાંગુર નગર અને સમતા નગર પોલીસમાં નોંધાયેલા ત્રણ ગુના ઉકેલાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.