Sun Jun 28 2026

Logo

ફોકસ: મિની બાલ્કનો મૉન્સૂન ગાર્ડન લીલીછમ સુખી દુનિયા

2026-06-28 08:40:00
Author: Anu R
Article Image

 

 

 

- અનુ આર.

 

ચોમાસાની ઋતુ પ્રકૃતિના સૌથી સુંદર રૂપોમાંની એક છે. વરસાદના પહેલા ટીપાં માત્ર ધરતીને જ નહીં પણ મનને પણ તાજગીથી ભરી દે છે. આ એ જ સમય હોય છે, જ્યારે છોડ ખૂબ ઝડપથી વધે છે અને ગાર્ડનિંગનો શોખ ધરાવનારાઓને આ ઋતુ નવી પાંખો આપે છે. જોકે, શહેરોમાં રહેતી મોટાભાગની મહિલાઓ સામે સૌથી મોટી સમસ્યા કિચન ગાર્ડન માટે જગ્યાનો અભાવ છે, કારણ કે આજકાલ બગીચાની સુવિધા થોડા લોકો પાસે જ હોય છે. સવાલ એ છે કે શું જેમના આંગણામાં કે ઘરમાં કિચન ગાર્ડન માટે જગ્યા નથી, તેઓ આ ચોમાસાની રોમાંચક ઋતુ સાથે પોતાનો કોઈ સંબંધ ન જોડે? ના, એવું નથી. આ ઋતુમાં પ્રકૃતિ સાથે જોડાવા માટે બાલ્કની પણ એક સરળ માધ્યમ બની શકે છે.

 

વાસ્તવમાં આ જ વિચારે આજકાલ મોટા શહેરોમાં ‘મિની બાલ્કની મૉન્સૂન ગાર્ડન’ નો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જ્યાં એક નાની બાલ્કનીને પણ કેટલાક કુંડા, હેંગિંગ પ્લાન્ટ્સ અને મોસમી શાકભાજીઓ દ્વારા એક સુંદર લીલીછમ દુનિયામાં બદલી શકાય છે. આ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતું, પરંતુ માનસિક શાંતિ, તાજી હવા અને તાજા ખોરાકનો સ્ત્રોત પણ બને છે. સૌથી મોટી વાત તો એ છે કે એક નાની જગ્યામાં આ વિચારના પ્રતાપે કોઈ પણ વ્યક્તિ હરિયાળીના સપના જોઈ શકે છે. કારણ કે લોકો અવારનવાર એવું વિચારતા હોય છે કે ગાર્ડનિંગ માત્ર તેમના નસીબમાં જ હોય છે, જેમની પાસે ઘરમાં બગીચા માટેની જગ્યા હોય છે. પરંતુ આધુનિક શહેરી જીવન શૈલીએ આ માન્યતાને બદલી નાખી છે. આજે એક નાની બાલ્કની પણ ફૂલો, ઔષધીય છોડ અને શાકભાજીઓથી ભરાઈને એક સુંદર બગીચાનું સ્વરૂપ લઈ શકે છે. ચોમાસું આ સપનાને સાકાર કરવા માટે સૌથી ઉત્તમ ઋતુ છે.

 

આ ઋતુમાં છોડની બહુ વધારે સંભાળ પણ રાખવી પડતી નથી અને તે કોઈ પણ વધારાના પ્રયત્ન વગર ખૂબ જ આસાનીથી ઊગી પણ જાય છે. પરંતુ સવાલ એ છે કે તમારી આ નાની દુનિયાને આનંદદાયક બનાવવા માટે કયા છોડ લગાવવા? જો તમે પહેલીવાર તમારી નાની બાલ્કનીને મોન્સૂન ગાર્ડનમાં બદલી રહ્યા છો, તો એવા છોડ પસંદ કરો જેની સંભાળ રાખવી ખૂબ જ સરળ હોય. દાખલા તરીકે તુલસી, ફુદીનો, કોથમીર, લીલા મરચાં, મીઠો લીમડો આ બધા એવા છોડ છે, જે ચોમાસાના દિવસોમાં ખૂબ જ સારી રીતે ઊગી જાય છે અને તે માત્ર બાલ્કનીની હરિયાળીમાં જ વધારો નથી કરતા, પરંતુ તમારા રસોડામાં નવા-નવા સ્વાદનો પણ ઉમેરો કરે છે. આમાં એક કાંકરે બે પક્ષી જેવું થાય છે. ઘરની તાજગીમાં ચાર ચાંદ લાગી જાય છે અને ખાવાનો સ્વાદ વધી જાય છે. જ્યાં સુધી ફૂલોની વાત છે, તો આ ઋતુમાં ગલગોટો, ઝીનિયા, બાલસમ અને બારમાસી ખૂબ સારી રીતે વિકસે છે. તેના રંગબેરંગી ફૂલોના કારણે બાલ્કનીમાં પતંગિયા અને મધમાખીઓનો ગુંજારવ પણ સાંભળવા મળે છે.

 

આજકાલ નાની બાલ્કનીઓમાં વધારે છોડ લગાવવા માટે ‘વર્ટિકલ ગાર્ડન’ એક ઉત્તમ વિકલ્પ છે. આમાં છોડને દીવાલો, સ્ટેન્ડ અથવા લટકતા કુંડાઓમાં લગાવવામાં આવે છે. આ ટેક્નિકમાં છોડ જગ્યા ખૂબ જ ઓછી રોકે છે. જૂના પ્લાસ્ટિકના ક્ધટેનર, બોટલો અને લાકડાના બોક્સનો રચનાત્મક ઉપયોગ પણ વર્ટિકલ ગાર્ડન સ્ટેન્ડ તરીકે કરી શકાય છે. આજકાલ ચોમાસામાં છોડને વરસાદના પાણીનો લાભ મળે છે. વરસાદના પાણીમાં એક કુદરતી ફળદ્રુપતા હોય છે. તેથી છોડ માત્ર લીલાછમ જ નથી રહેતા, ઝડપથી વધે પણ છે. જો કે, સતત વરસાદ પડવાને કારણે જો છોડના કુંડામાં વધારાનું પાણી એકઠું થઈ જાય, તો તેને તરત જ બહાર કાઢી નાખવું જોઈએ, નહીં તો છોડને નુકસાન થાય છે. કુંડામાં સતત પાણી ભરાયેલું રહેવાથી છોડ સડી જાય છે.

 

પરંતુ આજકાલ લોકો પાસે બાગકામનું જનરલ નોલેજ પુષ્કળ છે, કારણ કે સોશિયલ મીડિયાના કારણે તે ચારેય તરફથી મળી રહે છે. આ જ કારણ છે કે આજકાલ મહિલાઓ પોતાના મોન્સૂન બાલ્કની ગાર્ડનમાં માત્ર સુશોભનના છોડ જ નથી લગાવતી, પરંતુ આ મિની ગાર્ડનને ઓર્ગેનિક શાકભાજી અને ઔષધીય છોડનો સ્ત્રોત પણ બનાવી દે છે. સાથે જ રસોડામાંથી નીકળતા જૈવિક કચરામાંથી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે, જેનાથી છોડને ભરપૂર પોષણ મળે છે અને ઘરના કચરાનો પુન:ઉપયોગ પણ શક્ય બને છે. પર્યાવરણ સંરક્ષણની દિશામાં આ પણ એક નાનું પરંતુ જરૂરી પગલું છે. પરંતુ સૌથી મોટો ફાયદો તો આ નાના એવા મોન્સૂન ગાર્ડન દ્વારા આપણા માનસિક સ્વાસ્થ્યને થાય છે. કોઈએ બિલકુલ સાચું જ કહ્યું છે કે બાગકામ એ માત્ર છોડ ઉગાડવાનું કામ નથી, પરંતુ માનસિક તણાવ ઓછો કરવાનું અને માનસિક શાંતિ મેળવવાનું એક માધ્યમ પણ છે. તેથી બાલ્કનીના આ મિની મોન્સૂન ગાર્ડનને માત્ર હરિયાળી અને શાકભાજીના ફાયદાની નજરથી જ ન જુઓ, પણ માનસિક સ્વાસ્થ્ય સુધારવાની તેની ક્ષમતા માટે પણ ધ્યાનમાં લો.

 

આ નાનકડો બગીચો આપણા મનને પ્રસન્ન રાખે છે, આપણા વિચારોને સકારાત્મક બનાવે છે અને આપણને તાજગી આપે છે. વાસ્તવમાં આ મૉન્સૂન મિની બાલ્કની ગાર્ડન કુદરતી આનંદ માટે થેરાપી જેવો અનુભવ આપે છે... અને સૌથી મોટી વાત એ છે કે આના કારણે ઘર વધારે સુંદર દેખાય છે. ઘરમાં છોડની મીઠી-મીઠી સુગંધ આવે છે અને ચોમાસાની ઋતુને યાદગાર બનાવી દે છે. સૌથી મોટી વાત એ છે કે આ નાનકડો એટલે કે મિની બાલ્કની ગાર્ડન આપણા ઘરના તાપમાનને એકથી બે ડિગ્રી ઓછું કરી દે છે. સાથે જ આસપાસના વાતાવરણને આંખો માટે નયનરમ્ય બનાવી દે છે. એટલા માટે જ કહેવાય છે કે ચોમાસાની ઋતુ માત્ર વરસાદનો આનંદ માણવાની ઋતુ નથી પરંતુ હરિયાળીને પોતાના ઘરે આવકારવાની ઋતુ પણ છે.

 

મિની બાલ્કની મૉન્સૂન ગાર્ડન આ દિશામાં એક સરળ, સસ્તો અને અસરકારક ઉપાય છે. થોડું આયોજન, થોડો ઉત્સાહ, થોડા કુંડા અને છોડ પ્રત્યેનો પ્રેમ માત્ર આપણી બાલ્કનીને જ જીવંત નથી કરતો, આપણી દુનિયાને પણ ખુશીઓથી ભરી દે છે. તેથી તમે પણ ચોમાસાની ઋતુમાં તમારા ઘરમાં એક મિની બાલ્કની મૉન્સૂન ગાર્ડન ચોક્કસ બનાવો અને તેના ભરપૂર ફાયદા લો.