મુંબઈઃ ‘મુંબઈ સમાચાર’ દ્વારા આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહના પાંચમા દિવસે ભક્તિ અને આસ્થા સાથે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. જાણે વૃંદાવનમાં વિવાહ થતા હોય એવો માહોલ જોવા મળ્યો. પૂજ્ય ભાઈશ્રીના મુખે તુલસી વિવાહનો મહિમા સાંભળવાનો લહાવો ચૂકવા ના માગતા હોય એમ ભાવિકો એ શ્રદ્ધાથી કથાનું રસપાન કર્યું હતું. માતૃભાષાના આ ઉત્સવમાં મૈથિલી ઠાકુરે કૃષ્ણગીત લલકારીને બોરીવલીને બ્રજધામ બનાવી દીધું હતું. હિન્દી સિવાય પણ ઘણી-બધી ભાષાઓને પોતાનો કંઠ આપીને મૈથિલીએ શબ્દોને ખરા અર્થમાં સૂર આપ્યા છે.
ભાષા અને સંસ્કૃતિ પર શું બોલ્યા મૈથિલી
મુંબઈ આવેલા સૌથી યુવા અને ઝેન-ઝી નેતા મૈથિલી ઠાકુરે જણાવ્યું હતું કે, મેં પહેલાવાર કથા સાથે માતૃભાષાનો આ કોન્સેપ્ટ જોયો છે, જેમાં સંસ્કૃતિ સાથે ધર્મને કેન્દ્રમાં રાખીને વાત કરવામાં આવી રહી છે. ભક્તિની સાથે ભાષાને અહીં મોટું સ્થાન મળ્યું છે. હું એવું માનું છું કે, કોઈ પણ સંસ્કૃતિને બચાવવા માટે ભાષાએ પહેલું પગથીયું છે. ભાષા બચશે તો સંસ્કૃતિ બચશે. વિદેશની ધરતી પર કોઈ સ્વદેશી માણસ મળે તો એની સાથે ક્નેક્ટ થવાનું પ્રથમ માધ્યમ ભાષા છે. આવી માતૃભાષા ભાગવત સપ્તાહમાં આવવું એ મારા માટે ખરેખર સૌભાગ્યની વાત છે.
ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ
હું જે પણ રાજ્યમાં જાવ અને ત્યાંના લોકોને એમની ભાષામાં વાત કરતા સાંભળ્યું ત્યારે એમ થાય કે, એમની ભાષા હું બોલું તો કેટલું સારૂ રહે, કાશ..એની અને એમના જેવી ભાષા હું બોલી શકતી. પણ ભાષાને બોલવી અને શીખવી એ કંઈ સરળ નથી. ગીતના માધ્યમથી મેં ભાષા સાથે નાતો જોડી દીધો. નાનપણથી જ ગાવાનો શોખ એટલે એ સમયથી રીયાલિટી શૉમાં પ્રયાસ કર્યા. એ શૉમાં સિલેક્શન થાય તો મુંબઈ આવવું પડે, નાનપણમાં ખૂબ મુંબઈ આવવાનું થયું અને મુંબઈ ફરવાનું પણ થયું. મરાઠી ભાષા મને સાંભળવામાં ખૂબ સારી લાગતી હતી. પછી સંતવાણી, મરાઠી ભાષાના બીજા સોંગ, સાંભળવાનું શરૂ કર્યું. હું સમજી શકતી હતી કે, ગીતમાં શું કહેવા માગે છે પણ બોલતા આવડતું ન હતું. બસ એ ક્રમમાં મેં મારી જાતને ઢાળી અને ગાવાનું શરૂ કર્યું.
માતા પિતાના આશીર્વાદથી શક્ય બન્યું
સાત વર્ષ સુધી હું મારા દાદા-દાદી સાથે રહેતી હતી. એમણે મારામાં એક સંસ્કારોનું સિંચન કર્યું છે. અભ્યાસ પણ કર્યો અને સંગીતમાં પણ ધ્યાન આપ્યું. પિતાજી પછી દિલ્હી લઈને આવ્યા અને ત્યાં આગળનો અભ્યાસ પૂરો કર્યો. અહીંયા દિલ્હીમાં એક સામાન્ય જીવન હતું. એ સમયે બધી વસ્તુઓ તો પોસાય એવી ન હતી પણ સપના જોવાનું ત્યારથી મેં શરૂ કર્યું. પ્રભુના આશીર્વાદથી આ બધુ ગોઠવાતું ગયું અને જે મળ્યું ન હતું એ પછીથી મળતું ગયું. માતા-પિતાના આશીર્વાદ અહીં જ કામ આવ્યા છે. મારા પિતાનો મારી જર્નીમાં ઘણો મોટો ફાળો રહ્યો છે.
ભજન સિવાય પણ ગાયુ
મૈથિલીએ ન માત્ર ભજન પણ હિન્દી સિનેમામાં ઘણા સારા હિન્દી ગીતોને પણ કંઠી આપ્યો છે. શંકર તેરી જટા સે, મેરે ભોલે જેવા ભજનોની સાથે યા રબ્બા જેવા હિન્દી ગીતને પણ પોતાનો કંઠ આપ્યો છે. મૈથિલીએ આ મુલાકાતમાં કહ્યું હતું કે, મને ગુજરાતી ગીત પણ એટલા જ સારા આવડે છે. પોતાની વાત કરતા તેમણે એક ગુજરાતી ગીત પણ લલકાર્યું હતું. મૈથિલીની સંગીત સફર નાનપણમાં ભજન સાથે શરૂ થઈ હતી. એ સમયે ધાર્મિક પ્રસંગોમાં તેમણે ગીતથી શરૂઆત કરી હતી. અયોધ્યામાં જ્યારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો એ સમયે એનું રામ આયેંગે ગીત સૌથી વધારે ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્લે થનારૂ ગીત રહ્યું હતું.