પ્રજ્ઞા વશી
વિવિધ પ્રકારના સમારોહમાં જવાનું થતું હોય છે. ક્યારેક હાસ્યના કાર્યક્રમમાં તો ક્યારેક કવિતા પઠન કે વક્તા તરીકે પણ જવાનું થાય છે. ઉંમર સાથે દરેકને શારીરિક તેમજ માનસિક બીમારી આવે જ છે એ સ્વીકારવું અઘરું છે, પણ આ રમાએ સ્વીકાર્યું નથી!
હમણાં એક લગ્ન પ્રસંગે જવાનું થયું. સામેથી આવતા માનવસમૂહમાંથી એક ભાઈએ આવીને પૂછ્યું, ‘કેમ છો, રમાબહેન? મજામાં ને?’
મને એ ભાઈની ઓળખાણ પડી નહોતી, પણ મેં તરત કહ્યું, ‘કેમ નહીં ઓળખાણ પડી! તમે કેમ છો?’
મારી સાથે અમારા પતિદેવ પણ હતા અને મારા માટે અજનબી એવા એ ભાઈ મારા પતિદેવના મિત્ર હતા. બંનેએ ભેટીને ખુશી વ્યક્ત કરી. આમ તો મારા પતિદેવ મૌન બાબા, પરંતુ ટીખળખોરી માં નંબર વન, એમણે મિત્રને કહ્યું, ‘અમારાં ધર્મપત્નીને તમારી ઓળખાણ પડી છે એમ કહીને છટકી ગયાં લાગે છે. જરા એમને પૂછ કે તારું નામ શું છે?’
એટલે મારી બત્તી ચમકી કે પતિદેવ આજે મારી પરીક્ષા કરી રહ્યા છે. પેલા ભાઈ કે જેનું નામ હું સદંતર ભૂલી ગઈ હતી, એમણે પૂછ્યું, ‘ભાભી, મારું નામ શું છે? કે પછી મને સાવ નામ સહિત જ ભૂલી ગયાં?’
અમારી આસપાસ અમે કુલ ત્રણ જ હતાં. એટલે લાજ બચાવવા દ્રૌપદીની જેમ હાકલ પણ કોને કરું? મેં થોડો સમય લીધો એટલે એ ભાઈ ફરી બોલ્યા, ‘જોયું? સાવ જ ભૂલી ગયાં લાગો છો...’
મેં ન છૂટકે કહ્યું, ‘અ... અ... અ... એ તો એમ છે કે આજકાલ મને સ્મૃતિભ્રમ જેવું થયું લાગે છે અને પાછા અમારા પતિદેવને આજે મશ્કરી કરવા કોઈ હજી સુધી મળ્યું નથી.’
પેલા ભાઈ મારી અવઢવ સમજી ગયા અને બોલ્યા, ‘તમારા પિયરનો પડોશી ભુલાભાઈ ઉર્ફે ભૂલો. આમાં તમારો વાંક નથી. બાપાએ નામ જ ભૂલો પાડેલું, એટલે તમે ભૂલી ગયાં.’
આ વાત અમે બરાબર યાદ રાખી હતી. ભલે દ્રૌપદી ચીરહરણવાળી વાત ભૂલી ગઈ હશે, પણ મેં મારી આ મશ્કરી યાદ રાખેલી.
એકવાર ફરી લગ્ન પ્રસંગે જવાનું થયું. સામેથી અમારી સ્કૂલમાં ભણતી સખીઓનું વૃંદ ભેટી ગયું. પતિદેવને એમનાં સગાંવહાલાં ભેટી ગયાં. ત્યાં ફરી અમારી સ્મૃતિએ ટકોરા માર્યા.
મેં મારી પ્રિય સખીને કહ્યું, ‘ચાલ, તને મારા પતિદેવ સાથે ઓળખાણ કરાવું, પણ પહેલાં એમને પૂછજે કે મારી ઓળખાણ પડી? એ કહેશે, ’ના, નથી પડી.’ તો તારે કહેવાનું, ‘કેમ? યાદ કરો... યાદ કરો...’ ફરી ના કહે તો કહેવાનું, ‘બહુ જલદી યાદશક્તિ ચાલી ગઈ? આજકાલ સ્મૃતિભ્રમના ઘણા કિસ્સા બહાર આવ્યા છે.’ એમ થોડી મશ્કરી કરવાની છે. જસ્ટ નાટક!’
સખી શાણી સતેજ હતી. એટલે કહે, ‘કેમ? કોઈ હિસાબ ચૂકતે કરવાની લાગે છે!’
ટીખળ કરવામાં માહિર સખીએ પતિદેવના ખભા ઉપર ધબ્બો મારીને કહ્યું, ‘કેમ, કંઈ ઓળખાણ પડી કે નહીં? જૂનાં સગાંવહાલાંને આમ ભૂલી જવાનું?’
સ્મૃતિને પ્રદીપ્ત કરતા પતિદેવે અ... અ... અ...નો ઉદ્ગાર કરી કહ્યું, ‘યાદ તો આવે છે. પણ ક્યાં... ક્યારે... અને નામ...’
સખીએ તરત ગંભીર બનીને કહ્યું, ‘મને તો ખાતરી જ હતી કે ભાઈ ભૂલી જ ગયા હશે. આજકાલ પુરુષો નવી આવે એટલે જૂનીને ભૂલી જાય. નામ સુધ્ધાં પણ તમારી જેમ ભૂલી જાય. સૌથી વધુ દુ:ખ મને આજે થયું. બોલ રમા... તું આને નથી ઓળખતી, પણ મેં તો બાંકડે બેસીને જીવનનાં અનેક સપનાંઓ આની સાથે જોયાં હતાં. ગાંધીબાગમાં બાપુના સોગંદ ખાઈને... કેટલા પત્રો લખ્યા... ફોન કર્યા...’
‘પણ બહેન, મારી વાત સાંભળો.’ પતિદેવે આર્દ્ર સ્વરે કહ્યું, ‘આ મારી પત્ની છે અને એને ખબર જ છે કે મારો ભૂતકાળ સાવ ચોખ્ખો છે.’
‘એવું તમારું કહેવું છે. મારી પાસે તો પુરાવા સુધ્ધાં છે. ઘરે જઈને પુરાવા લઈને સીધી તમારા ઘરના સરનામે આવું?’
મને ખબર નહોતી કે આ એકાકી ટાઇપ મશ્કરીની લંબાઈ ત્રિઅંકી નાટકમાં પરિવર્તિત થશે! પતિદેવને ગૂંચવાયેલા જોઈને મેં સખીને કહ્યું, ‘બહેન, આ ખરેખર મારા પતિ છે. એ ખૂબ ભોળા, નિર્દોષ અને ક્લિનચીટ છે.’
‘બસ, બહુ થયું! ભોળા અને નિર્દોષ તો તમે જ છો. જીવનમાં લોકો જે દેખાડે એનાથી ઊલટું જ કરતા હોય છે. ગાંધીબાગના બાંકડે અને બાપુનાં ચરણે જાતજાતનાં સપનાં અને સોગંદ ખાધાં હોય એવા પુરુષો પર ભરોસો કરવો? તું છેતરાય છે! પ્રૂફ જોઈએ તો મારી બીજી સખીઓનું ટોળું ઊભું જ છે.’
પતિદેવે મારો હાથ પકડી કહ્યું, ‘આ મારે ગળે પડે છે. તું સાચું માનીશ નહીં.’
અંતે મેં આજીજી કરતાં કહ્યું, ‘હું બધું ભૂલી જાઉં તે પહેલાં તારું નાટક બંધ કર અને મારી સખી હોવાના નાતે તારી સાચી ઓળખાણ આપ.’
‘જીજાજી, મહાભારત થઈ જાય એ પહેલાં નાટક ટૂંકાવી દઉં છું. હું વર્ષા... રમાની સખી અને તમારો કાળ...! સ્કૂલની સખી, પણ કૃષ્ણ બનીને સહાય કરવા આવી હતી. તમે એકાદ વાર તો વસ્ત્રાહરણનો સીન ઊભો કર્યો જ હશે. નહીંતર મારી સખી આવું નાટક મારી પાસે કરાવે નહીં. ખરું ને?’
પતિદેવ હસી પડ્યા, ‘સાચે જ મારી રમાની સ્મૃતિ અકબંધ છે એનો પુરાવો અને એની યુક્તિ માટે બંનેને મારા તરફથી ડિનર... ખરેખર સમય બળવાન છે અને સ્મૃતિ પણ બળવાન છે! પણ મને આ નાટક અને નાટકની ભજવનાર પણ ગમી ગઈ છે હોં!’