ભુજઃ કચ્છ પંથકમાં માત્ર બે દિવસમાં સાર્વત્રિક મેઘમહેર વરસાવ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ દરમિયાન જિલ્લામાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની નવી આગાહી જારી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં આગળ વધી ચૂકેલી વરસાદી સિસ્ટમ ‘યુ-ટર્ન’ લઈને ફરી કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠા તરફ વળે તેવી પણ પ્રબળ શક્યતા વ્યક્ત કરાઈ છે.
મંગળવારે બપોર બાદથી કચ્છમાં વરસાદનું જોર ઘટ્યું હતું અને બુધવારે છૂટાછવાયા ઝરમર છાંટા સિવાય મોટાભાગના વિસ્તારોમાં સૂર્યપ્રકાશ સાથે ઉઘાડ નીકળ્યો હતો. હવામાન કેન્દ્રના સાત દિવસના વર્તારા મુજબ, અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રના અડીને આવેલા વિસ્તારોમાં કેન્દ્રિત થયેલું હવાનું હળવું દબાણ પાછું વળીને દરિયાકાંઠાના વિસ્તારો તરફ આવી રહ્યું છે.
જોકે, હવામાન નિષ્ણાતોના તારણ મુજબ આ સિસ્ટમ હવે ઘણી નબળી પડી ચૂકી હોવાથી અગાઉ જેવો સાર્વત્રિક કે અનરાધાર વરસાદ વરસવાની શક્યતા નહિવત્ છે. તેમ છતાં, ગુરુ અને શુક્રવારે કચ્છના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ બે દિવસીય સ્પેલ બાદ જિલ્લાભરમાં ફરીથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂપ-છાંવનો મિશ્ર માહોલ સર્જાવાની સંભાવના દર્શાવાઈ છે.
(ઉત્સવ વૈદ્ય)