Wed Jun 17 2026

Logo

ગુજરાત બજેટઃ આ 6 શહેરોમાં જીએસટી બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા

2026-02-18 16:16:58
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું.   આર્થિક વિકાસને વેગ આપવા માટે, રાજ્ય સરકાર “નેક્સ્ટ-જનન” GST 2.0 સુધારાઓ અમલમાં મૂકી રહી છે. આ ફેરફારો દ્વારા ગુજરાતના નાગરિકોને એક જ વર્ષમાં અંદાજે ₹11,000 કરોડની ટેક્સ રાહત મળવાની અપેક્ષા છે.  વધુ 6 શહેરોમાં GST બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેવાઓ મળશે. નોંધણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે, રાજ્ય સરકાર બાયોમેટ્રિક અને દસ્તાવેજ ચકાસણીની સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. જામનગરમાં સફળ શરૂઆત બાદ, હવે આ સેવાઓ આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ અને પાટણમાં પણ શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત વ્યવસાયોમાં રોકડ પ્રવાહ  જળવાઈ રહે તે માટે, સરકાર હવે માત્ર સાત દિવસમાં ટેક્સની રકમના 80% પ્રોવિઝનલ રિફંડ તરીકે પરત કરવામાં આવશે. ₹2.5 લાખ સુધીની માસિક ટેક્સ જવાબદારી ધરાવતા લઘુ અને મધ્યમ ઉદ્યોગો હવે માત્ર ત્રણ કામકાજના દિવસોમાં GST નંબર મેળવી શકશે.

 GST રિટર્ન ફાઈલિંગની શિસ્તમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્યમાં GST કલેક્શનમાં 12% નો વધારો જોવા મળ્યો છે અને નોંધાયેલા કરદાતાઓની સંખ્યા વધીને 13.96 લાખ થઈ ગઈ છે. ગ્રીન ગ્રોથ ના વિઝનને ટેકો આપવા માટે, સરકારે ઇલેક્ટ્રિક વાહનો  માટે ટેક્સ રિબેટ વધુ એક વર્ષ માટે લંબાવી છે. આ 5% રિબેટ  નાગરિકોને વધારાની ₹210 કરોડની રાહત આપશે અને ઇકો-ફ્રેન્ડલી પરિવહનને પ્રોત્સાહન આપશે.

વર્ષ 2026-27 માટે અંદાજિત ₹1,184 કરોડની નેટ સરપ્લસ (પુરાંત) સાથે, રાજ્ય સરકાર ગુજરાતના ઝડપી વિકાસને જાળવી રાખવા અને વિકાસના લાભો દરેક નાગરિક સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે.