મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભેળસેળયુક્ત અને અસુરક્ષિત મસાલાના વેચાણ પર અંકુશ મૂકવા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરી હતી . 1 એપ્રિલથી 29 ઑક્ટોબર, 2026 દરમિયાન રાજ્યભરમાં 1,057 તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 11,963.87 ક્વિન્ટલ મસાલાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત ₹19.69 કરોડ છે.
નિયમોનું પાલન કરવા માટે 557 સુધારણા નોટિસ આપવામાં આવી અને 84 ખાદ્ય વ્યવસાયોનાં લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. 23થી 29 ઑક્ટોબર દરમિયાન હાથ ધરાયેલી સાત દિવસની વિશેષ ઝુંબેશમાં જ ₹ 13.60 કરોડનો જથ્થો જપ્ત કરાયો અને 72 લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.
મુંબઈ વિભાગમાં એફડીએએ બૃહન્મુંબઈ વિસ્તારમાં મસાલાના ઉત્પાદન એકમો, પ્રોસેસિંગ સેન્ટરો અને દુકાનોમાં 123 તપાસ કરી હતી. આ દરમિયાન 4,981.10 ક્વિન્ટલ મસાલાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેની કિંમત ₹34.91 લાખ હતી. 54 સુધારણા નોટિસ પણ આપવામાં આવી હતી. સાંતાક્રુઝ પૂર્વની ગૂઝબમ્પ્સ પિકલ્સ, મુંબઈ સેન્ટ્રલની મેસર્સ હિન્દુસ્તાન મસાલા ગ્રાઇન્ડિંગ મિલ્સ, અંધેરી પશ્ચિમની મેસર્સ ન્યૂ બોમ્બે મસાલા શોપ અને ભાંડુપ પશ્ચિમની મેસર્સ અનંતા ફૂડ પ્રોડક્ટનાં લાઇસન્સ અસ્વચ્છ પરિસ્થિતિઓ તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ના શેડ્યૂલ-4ના નિયમોના ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.
કોંકણ વિભાગમાં નવી મુંબઈ, થાણે અને પાલઘર સહિતના વિસ્તારોમાંથી 294.79 ક્વિન્ટલ મસાલાનો જથ્થો જપ્ત કરાયો, જેની કિંમત ₹3.19 કરોડથી વધુ હતી. મહાપે અને તુર્ભેના ટીટીસી એમઆઈડીસી પરિસરમાં આવેલી મેસર્સ ગ્લોબલ ફૂડ્સ ઇન્ડસ્ટ્રીઝ, સાવલા ફૂડ્સ એન્ડ કોલ્ડ સ્ટોરેજ પ્રા. લિ. તથા મેસર્સ નોડ એગ્રો પ્રા. લિ. જેવી પ્રોસેસિંગ અને સ્ટોરેજ કંપનીઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કરાયાં. કલ્યાણની મેસર્સ રાયા ફેમસ મસાલા અને અંબરનાથની મેસર્સ કરવલેકર મસાલે સામે પણ સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોના વારંવાર ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
પુણે વિભાગમાં એફડીએએ જથ્થાબંધ બજારો, ગોડાઉન અને ઉત્પાદન એકમોમાં 359 તપાસ કરી હતી. તેના આધારે 142 સુધારણા નોટિસ આપવામાં આવી અને 1,910.07 ક્વિન્ટલ શંકાસ્પદ મસાલાનો જથ્થો જપ્ત કરાયો હતો, જેની કિંમત ₹3.99 કરોડથી વધુ હતી. કાતરજની મેસર્સ ધનેશ ફૂડ પ્રોડક્ટ્સ, મોશીની મેસર્સ રાજ માંદેશ મસાલે અને કોલ્હાપુરની મેસર્સ દત્તાત્રય એન્ડ કલ્પના મસાલે પ્રા. લિ.નાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં પરીક્ષણ માટે મસાલાના 1,616 નમૂના લેવામાં આવ્યા હતા. પ્રાથમિક અહેવાલોમાં 9 નમૂના ગુણવત્તાના ધોરણોથી નીચા, 6 અસુરક્ષિત અને 18 ખોટા લેબલવાળા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે 1,053 નમૂનાના અહેવાલો હજી બાકી હોવાની જાણકારી એફડીએના અધિકારીઓએ આપી હતી.
રાજ્યના અન્ય વિભાગોમાં પણ એફડીએની મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી હતી. છત્રપતિ સંભાજીનગરમાં 27 લાઈસન્સ સસ્પેન્ડ કરાયાં અને ₹6.42 કરોડથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કરાયો હતો. અમરાવતીમાં 15 લાઈસન્સ સસ્પેન્ડ કરાયાં, જ્યારે નાશિકમાં 7 લાઈસન્સ સસ્પેન્ડ કરવાની સાથે ₹2.82 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. નાગપુરમાં 4 લાઇસન્સ સસ્પેન્ડ કરાયાં હતા અને ₹2.05 કરોડથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઝુંબેશ અગાઉની ખાદ્ય સુરક્ષા કાર્યવાહી બાદ વધુ તીવ્ર બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મુંબઈ, થાણે અને પુણે સહિતના વિસ્તારોમાંથી ભેળસેળની શંકાવાળી મીઠાઈ, દૂધની બનાવટો, પનીર અને મોહનથાળ સહિતના 6,495 કિલો ખાદ્યપદાર્થો જપ્ત કરાયા હતા, જેની કિંમત ₹24.92 લાખ હતી.
એફડીએના કમિશનર તુકારામ મુંઢેએ મસાલાના વેપારીઓને કાચા માલના સ્ત્રોતથી લઈને વેચાણ સુધીની સંપૂર્ણ વિગતો જાળવવા, ખરીદ-વેચાણના રેકોર્ડ રાખવા અને સ્પષ્ટ લેબલ ધરાવતા પેકેટબંધ મસાલાનું જ વેચાણ કરવા આદેશ આપ્યો છે.
તેમણે અસ્વચ્છ વાતાવરણમાં ઉત્પાદન અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ગ્રાહકોને ખુલ્લા મસાલા ખરીદવાનું ટાળવા અને શંકાસ્પદ અથવા લેબલ વગરનાં ઉત્પાદનો અંગે ફરિયાદ કરવાની પણ અપીલ કરાઈ છે.