Sat Oct 31 2026

Logo

દુબઈથી સોમાલિયા જતાં માંડવીના વહાણ પર ઈરાનનો ડ્રોન હુમલો: ૧૧ ખલાસીનો આબાદ બચાવ, બે ઘાયલ

2026-10-29 21:53:53
Author: Mayur Patel
દુબઈથી સોમાલિયા જતાં માંડવીના વહાણ પર ઈરાનનો ડ્રોન હુમલો: ૧૧ ખલાસીનો આબાદ બચાવ, બે ઘાયલ

ભુજ: આંતરરાષ્ટ્રીય જળસીમામાં ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે કચ્છના ઐતિહાસિક બંદર માંડવીના એક માલવાહક વહાણ પર ઈરાન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાની ચિંતાજનક ઘટના સામે આવી હતી. દુબઈથી માલસામાન ભરીને આફ્રિકાના સોમાલિયા તરફ જઈ રહેલા વહાણને દરિયાઈ માર્ગે નિશાન બનાવવામાં આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદ્ભાગ્યે વહાણમાં સવાર તમામ ૧૩ ખલાસીઓ પૈકી ૧૧ ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે, જ્યારે બે ખલાસીઓને ઈજાઓ પહોંચી છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, માંડવી બંદરની નોંધણી ધરાવતું વહાણ એમ.એન.વી. ૨૧૮૩ દુબઈથી સોમાલિયાની સફર પર નીકળ્યું હતું. ગુરુવારે વહેલી સવારના અરસામાં દરિયાઈ સીમામાં ઈરાન દ્વારા આ વહાણ પર માનવરહિત ડ્રોન વડે ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો. અચાનક થયેલા આ હવાઈ હુમલાથી વહાણને નુકસાન પહોંચ્યું હતું અને સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

હુમલાની ઘટના બાદ તાકીદે શરૂ કરવામાં આવેલી રાહત અને બચાવ કામગીરીમાં કસબ બંદરના સ્થાનિક માછીમારો દેવદૂત બનીને મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક માછીમારોએ સમયસૂચકતા દાખવી વહાણમાં સવાર કુલ ૧૩ ખલાસીઓ પૈકી ૧૧ ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. આ હુમલામાં સામાન્યથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય બે ખલાસીઓને તાત્કાલિક તબીબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ખલાસીઓ સુરક્ષિત હોવાના વાવડ મળતાં વહાણવટા આલમ તેમજ કચ્છમાં રહેતા તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

(ઉત્સવ વૈદ્ય)