વિશ્વભરમાં કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરો વચ્ચે પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલી અલ નીનોની સ્થિતિ હવે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. વૈજ્ઞાનિકો આ સ્થિતિને ‘સુપર અલ નીનો’ તરીકે ઓળખાવી રહ્યા છે અને એક રિપોર્ટમાં આ પરિસ્થિતિને કારણે કેટલા અંદાજિત મૃત્યુ થશે એને લઈને ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમારી આંખો પણ પહોળી થશે...
યુનિવર્સિટી ઓફ શિકાગોની પ્રતિષ્ઠિત ‘ક્લાઈમેટ ઈમ્પેક્ટ લેબ’ દ્વારા વિકસાવવામાં આવેલા ‘અલ નીનો હીટ મોર્ટાલિટી ટ્રેકર’ અનુસાર, કાળઝાળ ગરમી અને હીટવેવના કારણે આગામી છ મહિનામાં (ઑક્ટોબર, 2026થી માર્ચ, 2027) સમગ્ર વિશ્વમાં 3 લાખ 73 હજારથી વધુ લોકોના મોત થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
આ જીવલેણ કુદરતી ઘટનાનો સૌથી મોટો ફટકો ‘ગ્લોબલ સાઉથ’ના વિકાસશીલ દેશોને પડશે. રિપોર્ટ અનુસાર, દુનિયાભરમમાંથી નાઈજીરિયામાં 56,000 મૃત્યુ બાદ ભારતમાં આશરે 55,000 લોકો ગરમીના કારણે મોતને ભેટવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
1950 પછીની સૌથી ભીષણ ‘અલ નીનો’ સ્થિતિ
આ વર્ષે પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં થયેલો અસામાન્ય વધારો વર્ષ 1950 પછીનો સૌથી તીવ્ર માનવામાં આવે છે. યુએનની હવામાન સંસ્થાના જણાવ્યા મુજબ, અલ નીનોની આ સ્થિતિ વર્ષ 2027ની શરૂઆત સુધી યથાવત રહી શકે છે. જેના કારણે દુનિયાના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિ અને પૂર તો ભારત સહિતના ઘણા દેશોમાં ભયંકર દુષ્કાળ અને રેકોર્ડબ્રેક તાપમાન નોંધાઈ શકે છે.
ભારતમાં માર્ચ મહિનામાં સર્જાશે સૌથી મોટું સંકટ
ટ્રેકર અનુસાર, ભારતમાં ઑક્ટોબરથી માર્ચ દરમિયાન સંભવિત ૫૫,૦૦૦ મોતમાં સૌથી મોટો હિસ્સો માર્ચ ૨૦૨૭ દરમિયાન નોંધાવાની શક્યતા છે, જ્યારે ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું પહોંચી જશે. ખુલ્લામાં મજૂરી કરતાં શ્રમિકો, ખેડૂતો, વૃદ્ધો, બાળકો અને જ્યાં કૂલિંગ સુવિધાઓ (એસી/પંખા કે પાણી) નો અભાવ છે તેવા પછાત વર્ગના લોકો પર લૂ અને ડીહાઈડ્રેશનનું સૌથી મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
વૈશ્વિક સ્તરની વાત કરીએ જૂન, 2026થી માર્ચ, 2027ના સમયગાળા દરમિયાન દુનિયાભરમાં કુલ 8.85 લાખથી વધુ લોકો અસામાન્ય ગરમીના લીધે જીવ ગુમાવી શકે છે, જેમાંથી 4.85 લાખ લોકોના મૃત્યુ અગાઉના મહિનાઓમાં થઈ ચૂક્યા હોવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે.
કયા દેશો બનશે હીટવેવના હોટસ્પોટ્સ?
નાઈજીરિયા: આશરે 56,000 અંદાજિત મૃત્યુ સાથે યાદીમાં પ્રથમ ક્રમે.
ભારત: આશરે 55,000 સંભવિત મૃત્યુના આંકડા સાથે બીજા ક્રમે.
ઈન્ડોનેશિયા: અંદાજે 29,000 મૃત્યુ.
બ્રાઝિલ: અંદાજે 19,000 મૃત્યુ.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આ આંકડા મોડલ આધારિત અંદાજ છે. સમયસર અગમચેતીના પગલાં, હીટ એક્શન પ્લાન, પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્ય સુવિધાઓ વધારવામાં આવે તો હજારો લોકોના જીવ બચાવી શકાય તેમ છે.