Tue Nov 10 2026

Logo

અમરેલીના કુકાવાવ-વડિયામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ, જાણો બે કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ...

2026-10-30 22:43:00
Author: Mayur Patel
અમરેલીના કુકાવાવ-વડિયામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ, જાણો બે કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ...

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના પરિણામે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સાંજે 8 થી 10ના સમયગાળામાં રાજ્યના 9 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો.  અમરેલીના કુકાવાવ વડિયામાં સૌથી વધુ 1.42 ઇંચ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢના વિસાવદરમાં 1.34 ઇંચ, જૂનાગઢના ભેંસાણમાં 0.87 ઇંચ, રાજકોટના જેતપુરમાં 0.39 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 0.39 ઇંચ, રાજકોટના ઉપલેટામાં 0.24 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં 0.08 ઇંચ, અમરેલીમાં 0.08 ઇંચ, અમરેલીના બગસરામાં 0.08 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્રણ તાલુકામાં એક ઇંચથી વધારે કમોસમી વરસાદ નોંદાયો હતો. અમરેલીના કુકાવાવ વડિયામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.  જૂનાગઢના વિસાવદરમાં 1.34 ઇંચ, રાજકોટના જેતપુરમાં 1.22 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના ભેંસાણમાં 0.98 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 0.71 ઇંચ, રાજકોટના ગોંડલામાં 0.59 ઇંચ, રાજકોટના ઉપલેટામાં 0.55 ઇંચ, ગીર સોમનાથના ગીર ગઢડામાં 0.55 ઇંચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે.

જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પૂરી થયા બાદ તાપમાનમાં ફરી બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. રાહતની વાત એ છે કે લઘુત્તમ તાપમાનમાં હાલ મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, હાલ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભની અસર પણ યથાવત્ છે. આ તમામ હવામાન પ્રણાલીઓ વચ્ચે ગુજરાતમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.