જામનગર: તાલુકાના વાવડી ગામમાં દુષ્કાળ અને દેવાના ભારણથી ત્રસ્ત એક ૪૭ વર્ષીય ધરતીપુત્રે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, વાવડી ગામના રહેવાસી ખેડૂત હેમંતભાઈ મકવાણા (ઉં.વ. ૪૭) એ ગત રાત્રે પોતાની વાડીએ જઈને ગળેફાંસો ખાઈ લીધો હતો. ચાલુ વર્ષે પંથકમાં દુષ્કાળ જેવી કપરી સ્થિતિ સર્જાતાં ખેતીમાં કોઈ જ ઉત્પાદન થયું ન હતું. સતત નિષ્ફળ ગયેલી ખેતીના કારણે ખેડૂત ભારે આર્થિક સંકળામણમાં આવી ગયા હતા અને માથે દેવાનું ભારણ પણ વધી ગયું હતું.
પરિવારજનોના જણાવ્યા મુજબ, ઘરમાં અનાજના પણ સાંસા હોવાથી આર્થિક લાચારી એવી હદે પહોંચી ગઈ હતી કે પોતાના વહાલા બે બળદને પણ પાંજરાપોળ/ગૌશાળામાં મુકવાની ફરજ પડી હતી. નાનાં બાળકો અને કુટુંબનું ભરણપોષણ કઈ રીતે કરવું તેની સતત ચિંતા અને વધતી જતી માનસિક તાણને પગલે હેમંતભાઈએ અંતિમ પગલું ભરી લીધું હતું.

ઘરના મોભીના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે વાવડી ગામના સરપંચ તથા ગ્રામજનોએ શોક વ્યક્ત કર્યો છે અને નિરાધાર બનેલા આ ગરીબ પરિવારને તાત્કાલિક ધોરણે સરકારી આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી પુરજોશ માંગણી ઉઠાવી છે. સમગ્ર બનાવ અંગે સ્થાનિક તંત્રએ આગળની તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ખેડૂતના આપઘાત મુદ્દે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, ખેડૂતે આર્થિક સંકડામણના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું તે દુઃખદ છે. હું દરેક ખેડૂતને કહેવા માંગુ છું કે આવું પગલું ના ભરો, સરકાર તો આપણી વાત સાંભળતી નથી પણ તમારી એક ભૂલથી આખો પરિવાર લાચાર થાય છે. અમે સરકારને સતત વિનંતી કરી રહ્યા છીએ કે ખેડૂતોને સહાય કરો, દુષ્કાળ જાહેર કરો ત્યારે સરકારે દુષ્કાળ તો જાહેર કર્યો અને એમાં પણ એવી જાહેરાત કરી જેનાથી ખેડૂતોને કોઈ ફાયદો થાય નહીં.
સરકારને નતમસ્તક થઈને વિનંતી કરીએ છીએ કે ખેડૂતો સામે જુઓ, મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકારે ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે તો તમને અહીંયા ગુજરાતમાં કેમ ખેડૂતની મુશ્કેલી નથી સમજાતી.