સાશા
ભારતીય ક્રિકેટમાં ક્યારેય પ્રતિભાઓની તંગી નથી જોવા મળી. આપણે ત્યાં એવા એવા બૅટ્સમેનો થઈ ગયા જેમણે દુનિયાના દરેક ખૂણે અને દરેક પ્રકારના બોલરની બોલિંગ પર રાજ કર્યું છે. તેમણે પોતાની ટેક્નિકથી બોલર્સની દરેક તરકીબનો જડબાતોડ જવાબ આપ્યો છે. એ જ રીતે, આપણે ત્યાં કપિલ દેવ, અનિલ કુંબલે અને રવિચન્દ્રન અશ્વિન જેવા બોલર પણ થઈ ગયા જેમની સામે દુનિયાના સૌથી પ્રભાવશાળી બૅટ્સમેનો પણ પાણી ભરતા હતા.
એ જ પ્રમાણે, દેશમાં સૌરવ ગાંગુલી અને મહેન્દ્રસિંહ ધોની જેવા કૅપ્ટનો થઈ ગયા જેમણે ભલભલા હરીફ (પાકિસ્તાન જેવા દુશ્મન દેશ)ની ટીમના હાથમાંથી જીત આંચકી લીધી હતી. તો પછી સવાલ એ છે કે આવા ખેલાડી દેશની ક્રિકેટ ટીમો માટે સિલેક્ટર જેવા પદ માટે કેમ ઉપલબ્ધ નથી થતા?
ક્રિકેટ જગતની નજર હંમેશાં આ દિગ્ગજો પર જ રહેતી હોય છે, પણ આ દિગ્ગજોમાંથી કોઈ પણ ખેલાડી સિલેક્ટરના રૂપમાં કે ચીફ સિલેક્ટરના રૂપમાં નથી જોવા મળતો. ભૂતકાળમાં અજિત આગરકર, પ્રજ્ઞાન ઓઝા, શ્યામ સુંદર દાસ, અજય રાત્રા, આર. પી. સિંહ વગેરે ખેલાડીઓ ઓછા ચર્ચામાં રહ્યા હતા, પરંતુ તેઓ સિલેક્શન કમિટીમાં જોવા મળ્યા છે.
અહીં જે સવાલ કરવામાં આવ્યો છે એને ફરિયાદના રૂપમાં જોઈશું તો એ ઠીક નહીં કહેવાય. ખરો પ્રશ્ન એ છે કે ભારતીય ક્રિકેટમાં સિલેક્ટર બનવા માટેની યોગ્યતા ખરેખર કઈ છે? આ પદ પર નિયુક્ત વ્યક્તિની પ્રક્રિયા કેટલી પારદર્શક છે અને દેશના મહાન ખેલાડીઓના કૌશલ્યનો આ સ્તર પર થઈ રહ્યો છે? આવું પૂછવા પાછળનો આશય એ પૂછવાનો છે કે દેશના ગ્રેટ પ્લેયર્સની કુશળતાનો તેમની નિવૃત્તિ પછી મળી રહ્યો છે ખરો? વાસ્તવમાં મહાન ખેલાડી હોવું અને એક સારા સિલેક્ટર બનવું, આ બન્ને બાબતને એક ત્રાજવે ન તોળી શકાય. બન્નેમાં સંતુલન ન પણ જોવા મળે.
સૌથી પહેલાં તો આપણે પાયામાં જે અંતર છે એ સમજવું પડશે. સચિન તેન્ડુલકરની બૅટિંગમાં અસાધારણ સમજદારી હતી. એનો અર્થ એ નથી કે ભારતીય ટીમ માટે 15 ખેલાડીઓ પસંદ કરવામાં પણ તે સિલેક્ટરોની તુલનામાં અસાધારણ સાબિત થાય. વ્યક્તિગત મહાનતા અલગ વાત છે અને દેશ માટે શ્રેષ્ઠ 15 પ્લેયર પસંદ કરવા અલગ છે.
દેશના કોઈ પણ ફૉર્મેટ માટેના 15 ખેલાડીનું સિલેક્શન તેમની અલગ-અલગ વિશેષતાઓમાં સર્વશ્રેષ્ઠ હોવાના આધારે થતું હોય છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીના વર્તમાન ફૉર્મને કે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોમાંના દેખાવને, ફિટનેસને તેમ જ આઇપીએલમાં તેણે કરેલા પર્ફોર્મન્સને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે.
જોકે બની શકે કે કોઈ ખેલાડીને 15, 16 કે 17 ખેલાડીની સ્ક્વૉડમાં સ્થાન મળે, પરંતુ તેને પ્લેઇંગ-ઇલેવનમાં જગ્યા ન પણ મળે. સ્પિનર વરુણ ચક્રવર્તી ઘણા મહિનાઓથી ટી-20માં વર્લ્ડ નંબર-વન બોલર છે, પરંતુ તેને ન્યૂ ઝીલૅન્ડ સામેની વર્તમાન સિરીઝ સહિત છેલ્લી ઘણી મૅચોમાં (સ્ક્વૉડમાં હોવા છતાં) નથી રમવા મળ્યું. જસપ્રીત બુમરાહે થોડા દિવસ પહેલાં જ ટેસ્ટના વર્લ્ડ નંબર-વનની રૅન્ક ગુમાવી, પણ એનો અર્થ એવો નથી કે તેને દરેક મૅચમાં રમવા મળ્યું હતું. તેની ફિટનેસ તથા વર્કલૉડ મૅનેજમેન્ટ તેના સિલેક્શન માટે સૌથી મહત્ત્વના મુદ્દા બન્યા છે.
હવે ફરી મહાન ખેલાડીઓને સિલેક્ટરના રૂપમાં જોવા મળે કે નહીં એની વાત પર પાછા આવીએ. સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી ટીમની પસંદગી જો પોતાના યુગમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરી ચૂકેલા ખેલાડીઓ દ્વારા થાય તો જરૂરી નથી કે એ ટીમ સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે જ. વાસ્તવમાં કોઈ પણ ખેલાડી માનસિક તણાવની સ્થિતિમાં ટીમ માટે કેટલો ઉપયોગી થાય છે, આ પ્રેશરનો સામનો કરવાની તેનામાં કેવી તાકાત છે અને તે કેવું પરિણામ આપી શકે છે એ પણ મહત્ત્વનાં પરિબળો મનાય છે.
સિલેક્ટર બનવાની વાત કરીએ તો ઘણા ખેલાડીઓ એવા થઈ ગયા જેમનો વ્યક્તિગત રેકૉર્ડ દેશ અને દુનિયાના સ્તરે ભલે શાનદાર ન રહ્યો હોય એમ છતાં ભવિષ્ય માટે સારા ખેલાડી પસંદ કરવાની તેનામાં બહુ સારી સૂઝબૂઝ હોય છે.
મહાન ક્રિકેટરો સારા સિલેક્ટર બની શકે કે નહીં? એ સવાલનો એક જવાબ એ પણ છે કે ટીમનું સિલેક્શન વ્યક્તિગત સફળતા કરતાં બુદ્ધિમાન હોવું વધુ આવશ્યક છે. આ બુદ્ધિમતા એટલે ટીમ માટે સારી વ્યૂહરચના તૈયાર કરવામાં માહિર હોવું અને સાથી સિલેક્ટરોને ટીમ પસંદગીની બાબતમાં સતત પ્રોત્સાહન આપતા રહેવું. એ જોતાં, કોઈ મહાન ખેલાડી સારો સિલેક્ટર કે ચીફ સિલેક્ટર પણ બની શકે એ જરૂરી નથી. ખરો સિલેક્ટર એને કહેવાય જેનો નાનો નિર્ણય પણ ટીમને વ્યવસ્થિત બનાવે, સ્પર્ધાત્મક બનાવે તેમ જ સમય આવે ત્યારે હરીફ ટીમને યેનકેન પ્રકારેણ હરાવી દેવા માટે સક્ષમ હોય.
કોઈ ખેલાડી ક્યાં અને કેટલી આંતરરાષ્ટ્રીય મૅચો રમ્યો એ સિલેક્શન માટે એક પ્રકારનો આધાર મનાય છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે દેશ-દુનિયાના અલગ-અલગ હિસ્સાઓમાં રમાતી મૅચોમાં કેટલી અભિરૂચી રાખે છે અને તમામ દેશોના ખેલાડીઓની પ્રતિભાઓ પર નજર રાખે છે. ખેલાડીઓના સિલેક્શન માટેના પરિમાણની વાત કરીએ તો અમુક ખેલાડી એવા હોય છે જેઓ મામૂલી મોકો મળે ત્યારે ત્યારે સારું પ્રદર્શન ન કરી શકે, પરંતુ ખાસ તક મળતાં તે એમાં પોતાનો જીવ રેડી દેતો હોય છે.
પ્રજ્ઞાન ઓઝાને આ જ કારણસર 19મી ઑક્ટોબરે ચીફ સિલેક્ટર ઘોષિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેનામાં બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના પ્રમુખ બનવાની કાબેલિયત પણ છે એવી ચર્ચા થઈ રહી છે. જોકે અહીં મુદ્દો એ છે પ્રજ્ઞાન ચીફ સિલેક્ટર તરીકેની જવાબદારી કેવી રીતે પાર પાડશે. અજિત આગરકરના કાર્યકાળમાં ભારત 2024નો વિશ્વ કપ તેમ જ 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું. એ ઉપરાંત પણ બીજી ઘણી મોટી સફળતાઓ ટીમ ઇન્ડિયાએ મેળવી હતી.
અહીં ફરી સવાલ ઉપસ્થિત થાય છે કે સિલેક્ટરોની ખુરસીમાં કોણ? એ નક્કી કરવા માટેની પ્રક્રિયામાં દેશના સૌથી અનુભવી અને સૌથી સફળ ખેલાડીઓ કેમ નથી જોવા મળતા? સુનીલ ગાવસકર, સચિન તેન્ડુલકર, (ભૂતપૂર્વ બીસીસીઆઇ-પ્રમુખ) સૌરવ ગાંગુલી તેમ જ ધોની જેવા ઑલટાઇમ-ગ્રેટ ખેલાડીઓ સિલેક્શનની જવાબદારીથી દૂર કેમ ભાગતા હશે?
ગાવસકરે તેમના યુગમાં સૌથી ખતરનાક ફાસ્ટ બોલિંગનો સામનો કર્યો હતો, સચિન બદલતી પિચો તેમ જ તમામ પ્રકારના બોલર્સની અને કોઈ પણ પરિસ્થિતિમાં અવ્વલ દરજ્જાનું રમ્યો હતો, ગાંગુલીને દેશના શ્રેષ્ઠ કૅપ્ટનોમાં ગણાવામાં આવે છે અને ધોનીએ બૅટિંગ, વિકેટકીપિંગ તથા કૅપ્ટન્સીની ત્રણ જવાબદારી વચ્ચે ટીમને અનેક સિદ્ધિ અપાવી હતી તેમ જ પોતે પણ ઘણા વિક્રમો રચ્યા હતા.
જોકે જરૂરી નથી કે આ જ મહાન ખેલાડીઓને સિલેક્ટર બનાવવામાં આવે તો તેઓ ખેલાડી જેવો જ સર્વોત્તમ પર્ફોર્મન્સ સિલેક્ટર તરીકે આપે. કારણ એ છે કે તેમણે ભિન્ન તબક્કા અને અલગ પ્રકારની ક્રિકેટમાં અસાધારણ પ્રદર્શન કર્યું હતું. વર્તમાન ક્રિકેટ અને એના પ્રત્યેનો અભિગમ ઘણો અલગ છે. એટલે જ, મહાન ખેલાડીઓ કરતાં ખૂબ ઓછું રમ્યા હોય અને ખાસ કંઈ ચર્ચામાં ન હોય એવા ખેલાડીઓ સારા સિલેક્ટર બની શકે છે, જ્યારે મહાન પ્લેયર સારા પસંદગીકાર ન પણ બની શકે.
બીજો ખાસ મુદ્દો એ પણ છે કે શું દરેક મહાન ખેલાડીને શું સિલેક્ટર બનવામાં રુચિ હોય છે ખરી? તે કોઈ પ્રકારનો બિઝનેસ સંભાળતા હોય અથવા માત્ર કૉમેન્ટરી બૉક્સમાં કે સલાહકાર કે માર્ગદર્શકની ભૂમિકાથી જ સંતુષ્ટ હોય અને વર્ષો સુધી રમ્યા બાદ હવે માત્ર ફૅમિલી-લાઇફ માણવા માગતા હોય.