Tue Nov 10 2026

Logo

જમ્મુ કાશ્મીરમાં તહેવાર પહેલા ખાસ ઑપરેશન શરૂ, દિવસ-રાત થઈ રહ્યું છે સઘન પેટ્રોલિંગ...

2026-10-30 19:33:31
Author: Mumbai Samachar Team
જમ્મુ કાશ્મીરમાં તહેવાર પહેલા ખાસ ઑપરેશન શરૂ, દિવસ-રાત થઈ રહ્યું છે સઘન પેટ્રોલિંગ...

PTI File


શ્રીનગરઃ સમગ્ર દેશમાં ફેસ્ટિવલની સીઝન શરૂ થઈ રહી છે. પણ પાડોશી દેશ પાકિસ્તાન આ તહેવારના દિવસોમાં શાંતિભંગ કરવાની ફિરાકમાં હોય એવું ચિત્ર જમ્મુ-કાશ્મીરમાંથી જોવા મળ્યું છે. પાકિસ્તાનના નાપાક ઈરાદા અનેકવાર ઉઘાડા પડ્યા છે. જમ્મુ કાશ્મીર રાજ્યમાં રહેલી સિક્યોરિટી એજન્સીઓએ તહેવારના દિવસો શરૂ થાય એ પહેલા સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે. સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી વધારાની સૈન્ય ટુકડીને જવાબદારી સોંપવામાં આવી છે. 

શું છે આ ખાસ ઑપરેશન?
જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીકના જિલ્લાઓમાં એન્ટી ટનલ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘુસણખોરી, ડ્રોન અને હથિયારોની ખેપ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ વિષયલક્ષી તમામ ઈનપુટ માટે પોલીસની ટીમને ખાસ તાલિમ આપીને જે તે સ્પોટની જવાબદારી સોંપવામાં આવી છે. પેટ્રોલિંગ અને સર્ચ ઑપરેશન વધારી દેવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન તહેવારની સીઝનમાં કંઈક મોટું કરવાનું કાવતરૂ ઘડી રહ્યો છે. કાશ્મીર તેનો ટાર્ગેટ હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને જંગલ વિસ્તાર અને પહાડી પ્રદેશનો ઉપયોગ કરીને કંઈક તોફાન કરવાની ફિરાકમાં છે. આતંકીઓ ટનલના માધ્યમથી ભારતમાં આવી શકે છે. હિમવર્ષા પહેલા LOC પાસે તૈયાર થયેલા લૉચપેડમાં આતંકીઓની હાજરીને ગંભીરતાથી લેવામાં આવી છે. 

શું કહે છે કાશ્મીર પોલીસ?
બીજી તરફ ભારતીય સૈન્યને પણ એલર્ટ રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.  દિવસ અને રાત્રિના સમયે સર્ચ ઑપરેશન કરવામાં આવી રહ્યું છે. જ્યારે દિવસના સમયે વાહનવ્યવહાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, ખાસ સાધનોથી સજ્જ પોલીસ અને સુરક્ષાકર્મીઓની મોટી સંખ્યા સરહદી વિસ્તારોમાં સઘન તપાસ કરી રહી છે, જેમાં ખાસ કરીને ગીચ ઝાડીઓ અને જંગલવાળા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ અભિયાનમાં સામેલ એક પોલીસ અધિકારીએ જણાવ્યું, સરહદ પારથી બનાવવામાં આવેલી સુરંગોને શોધી કાઢવા માટે એક 'એન્ટી-ટનલ' (સુરંગ-વિરોધી) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ શોધખોળ કામગીરીમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંભવિત આતંકવાદી ઘૂસણખોરીના ખતરાને ધ્યાનમાં રાખીને આ તપાસ દરરોજ હાથ ધરવામાં આવી રહી છે.