Fri Oct 16 2026

Logo

ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ:  નાહુરથી ઐરોલી વચ્ચે બનશે કેબલ સ્ટે ફ્લાયઓવર

2026-09-20 08:20:00
Author: Sapna Desai
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ:  નાહુરથી ઐરોલી વચ્ચે બનશે કેબલ સ્ટે ફ્લાયઓવર

ફ્લાયઓવરના બાંધકામની ગુણવત્તા પર  વીજેટીઆઈ રાખશે નજર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સુરક્ષા અને ગુણવત્તા સુનિશ્ર્ચિત કરવાના ભાગરૂપે મુંબઈ મહાનગરપાલિકાએ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર નિર્માણાધીન સેક્ધડ લેવલના કેબલ-સ્ટે ફ્લાયઓવરનું સ્વતંત્ર ઓડિટ કરવા માટે મુંબઈની વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ)ની નિમણૂક કરી છે. ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટના ફેઝ-ફોરમાં  નાહુર અને ઐરોલી ટોલ નાકાને જોડતા હાલના ફ્લાયઓવરની ઉપર એક નવો ફ્લાયઓવર બનાવવામાં આવવાનો છે. 

ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટના ચોથા તબક્કામાં બે મુખ્ય ભાગોનો સમાવેશ થાય છે. પાર્ટ ‘એ’માં હાલના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની ઉપર ૧,૩૩૦ મીટર લાંબો સેક્ન્ડ લેવલનો  કેબલ-સ્ટે ફ્લાયઓવર બનાવવાનો સમાવેશ થાય છે. આ ફ્લાયઓવરમાં ૧૮૦ મીટરનો સ્પાન, બંને બાજુ પાંચ લેન માટે ૪૦.૬ મીટરની પહોળાઈ અને ત્રણ લેન ધરાવતો ૨૪.૪ મીટર પહોળો વાયાડક્ટ (પુલનો ભાગ) હશે.  આ બ્રિજ  વર્તમાન ટ્રાફિક જામની સમસ્યા હળવી કરશે. એ સાથે નાહુર અને ઐરોલી ટોલ નાકા વચ્ચેના ૧,૬૦૦ મીટરના હાલના રસ્તાઓમાં પણ સુધારણા કરવામાં આવશે.
"
ફેઝ વન, ટૂ અને થ્રીનું કામ પૂર્ણ થયા બાદ  ચોથા ફેઝના  ભાગ ‘ઇ’ માં મુલુંડ ખાતે ઈસ્ટર્ન એક્સપ્રેસવે અને જીએમએલઆર જયાં મળશે એ સ્થળે એલિવેટેડ ઇન્ટરચેન્જ (ક્લોવરલીફ લૂપ્સ) બનાવવામાં આવશે. આ ઇન્ટરચેન્જમાં રેમ્પનો સમાવેશ થશે અને તે કુલ ૨,૪૦૦ મીટરની લંબાઈમાં વિસ્તરેલો હશે, જેની ડિઝાઈન ભવિષ્યમાં ટ્રાફિક જૅમ અટકાવવા માટે કરવામાં આવી છે. વધુમાં અવિરત જોડાણ સુનિશ્ર્ચિત કરવા માટે ૩,૬૦૦ મીટર લાંબા કાયમી ‘એટ-ગ્રેડ’ બાયપાસ રસ્તાઓ વિકસાવવામાં આવશે.

પાલિકા પ્રશાસન દ્વારા સ્થાયી સમિતિને રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં જણાવાયું છે કે વર્તમાન પ્રોજેક્ટમાં  નિર્ધારિત કામગીરી ઉચ્ચતમ ગુણવત્તાનાં ધોરણો મુજબ પૂર્ણ થાય અને ટકાઉ માળખાગત સુવિધાનું નિર્માણ થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે સ્વતંત્ર ત્રીજા પક્ષની એજન્સી દ્વારા વધુ અસરકારક અને વ્યાપક ટેક્નિકલ ઈન્સ્પકેશન કરવું આવશ્યક છે. નિષ્પક્ષ અને કાર્યક્ષમ મૂલ્યાંકન માટે પાલિકા ‘થર્ડ પાર્ટી ક્વોલિટી એશ્યોરન્સ’ ની કામગીરી હાથ ધરવામાં આવશે. પાલિકા આ ટૅક્નિકલ  ઓડિટ માટે સર્વિસ  ફી તરીકે  ૬.૦૯ કરોડ રૂપિયાની ચુકવણી કરશે. 

ગોરેગામ-મુલુંડ લિંક રોડ ૧૨.૨૦ કિમી લાંબો છે અને  ચાર ફેઝ (તબક્કા)માં વહેંચાયેલો છે અને ફેબ્રુઆરી ૨૦૨૯ સુધીમાં તે પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટમાં ૪.૭૦ કિમી લાંબી ટ્વિન ટનલનો પણ સમાવેશ થાય છે, જેનો વ્યાસ ૧૪.૨૦ મીટર છે અને સંજય ગાંધી નેશનલ પાર્કના ડુંગરાળ  વિસ્તારની નીચેથી પસાર થતી વખતે તે ૧૩ મીટર સુધી સાંકડી થાય છે. આ ટનલ સંપૂર્ણપણે ભૂગર્ભમાં રહેશે. એકવાર કાર્યરત થયા પછી ગોરેગામ-મુલુંડ લિંક રોડ પૂર્વ-પશ્ર્ચિમના જોડાણમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. મુંબઈના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટાડશે અને પશ્ર્ચિમ ઉપનગરથી મુલુંડ, થાણે અને નવી મુંબઈ સુધી ઝડપી જોડાણ પૂરું પાડશે. મુસાફરીનો સમય અંદાજે ૯૦ મિનિટથી ઘટીને માત્ર ૨૦ મિનિટ થઈ જવાની અપેક્ષા છે, જેનાથી સમય અને ઈંધણ બંનેની નોંધપાત્ર બચત થશે.