Fri Aug 28 2026

Logo

દિલ્હીમાં સરકારી અધિકારીની દીકરીની ક્રૂરતાપૂર્વક હત્યાઃ પૂર્વ નોકર પર શંકા

2026-04-22 19:32:49
Author: Mumbai Samachar Team
દિલ્હીમાં સરકારી અધિકારીની દીકરીની ક્રૂરતાપૂર્વક હત્યાઃ પૂર્વ નોકર પર શંકા

નવી દિલ્હીઃ દક્ષિણ-પૂર્વ દિલ્હીના પોશ વિસ્તાર કૈલાશ હિલ્સમાં IRS વિભાગના એક વરિષ્ઠ અધિકારીની ૨૨ વર્ષીય પુત્રી તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ હતી. આ ઘટના બાદ પોલીસે મોટા પાયે તપાસ હાથ ધરી છે.

પ્રારંભિક તપાસ અનુસાર યુવતી સાથે બળજબરી કરવામાં આવી હોવાના સંકેતો મળે છે. ત્યાર બાદ મોબાઇલ ફોન ચાર્જિંગ કેબલથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના સમયે માતા-પિતા જીમમાં ગયા હોવાથી પીડિતા ઘરે એકલી હતી. બાદમાં તેનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ, ફોરેન્સિક અને ક્રાઇમ ટીમો હાલ ઘટનાસ્થળની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.

તપાસકર્તાઓને એક ભૂતપૂર્વ નોકર રાહુલ મીણા(૧૯)ની આ ઘટનામાં સંડોવણી હોવાની શંકા છે. જેને લગભગ છ અઠવાડિયા પહેલા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે નોકરીમાંથી કાઢી મૂક્યા પહેલા લગભગ આઠ મહિના સુધી તેણે ઘરમાં કામ કર્યું હતું. તેને કથિત રીતે નાણાંકીય ગેરરીતિની ફરિયાદો બાદ કાઢી મૂકવામાં આવ્યો હતો.

બુધવારે સવારે ૬ વાગ્યાની આસપાસ નજીકના સીસીટીવી કેમેરામાં આરોપી જોવા મળ્યા બાદ આ શંકા વધુ મજબૂત બની હતી. પોલીસનું માનવું છે કે તે પીડિતાના માતા-પિતાના ઘરમાંથી બહાર નીકળવાની કદાચ રાહ જોઇ રહ્યો હતો. મીણા ઘરનો નક્શો અને પરિવારના સભ્યોની દિનચર્યાથી સારી રીતે વાકેફ હતો.

પીડિતાએ આરોપીનો સખત વિરોધ કર્યો હતો, તેથી પીડિતાને કાબૂમાં લેવા આરોપીએ તેના માથા પર લાકડી વડે પ્રહાર કર્યો અને પછી ચાર્જિંગ કેબલથી તેનું ગળું દબાવી દીધું હતું. પીડિતા એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ હતી અને યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરી રહી હતી.

તપાસમાં જાતીય હુમલાના સંકેતો મળ્યા છે, પરંતુ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી જ તેની સત્તાવાર પુષ્ટિ થઇ શકશે. રાહુલ મીણા રાજસ્થાનનો વતની છે અને હજુ પણ ફરાર છે. તેને પકડવા માટે પોલીસની અનેક ટીમો બનાવવામાં આવી છે. પોલીસે પૂછપરછ માટે બે લોકોની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળે છે.