Sat Jun 06 2026

Logo

એક સમયે રામનું નામ લેવા પર ગોળીઓ ચાલતી, આજે અયોધ્યા ચમકી રહી છે: CM યોગી

2026-06-06 16:02:50
Author: Devayat Khatana
Article Image

લખનઉ: અયોધ્યા અને રામ જન્મભૂમિ મંદિર પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath)  એક મહત્વની ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પહેલા તો રામના નામના ઉલ્લેખ કરવા પર પણ પ્રતિબંધિત હતો; જો કોઈ તેમનું નામ લે તો ગોળી ચલાવવામાં આવતી હતી. એક સમય હતો કે જ્યારે રામભક્તો અયોધ્યામાં પ્રવેશી શકતા ન હતા. હવે રામભક્ત સિવાય અયોધ્યામાં પ્રવેશી ન શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે એક નવા મોડલ સાથે અયોધ્યા ચમકી રહી છે, જેનાથી દરેક વ્યક્તિ ગૌરવ અનુભવે છે અને પૂર્વજો પણ આશીર્વાદ આપતા હશે.

યોગી આદિત્યનાથ ગોંડા જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા હતા. જનસભામાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ ગોંડાનો વિકાસ તુષ્ટિકરણ અને ભાઈ-ભત્રીજાવાદનો ભોગ બની ગયો હતો. જ્યાં સરયૂ નદીની અસીમ કૃપા હોવી જોઈએ, તે જિલ્લો વિકાસમાં પાછળ ધકેલાતો ગયો. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે ગોંડાના યુવાનો સામે ઓળખનું સંકટ ઊભું થયું હતું અને બહાર જતાં તેમના નામ સાંભળીને જ અન્ય રાજ્યોના લોકો દસ ડગલાં દૂર રહેવા લાગ્યા હતા.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાત કરતા સીએમ યોગીએ જૂના દિવસો યાદ અપાવ્યા કે 2015-16માં ગોંડામાં દુર્ગાપૂજા દરમિયાન પણ રમખાણો કરાવવાનો પ્રયાસ થયો હતો અને માતા દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા દેવામાં આવતું ન હતું. તેમણે આરોપ લગાવ્યો કે 2017 પહેલા સત્તામાં બેઠેલા લોકો તહેવારો પહેલા થતા ઉપદ્રવો રોકવાના બદલે તોફાનીઓને આશ્રય આપતા અને તેમની સામે નતમસ્તક રહેતા હતા, જેના કારણે પ્રદેશમાં મહિનાઓ સુધી કર્ફ્યુ રહેતો હતો અને વિકાસ રુંધાતો હતો.

CM યોગીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે હવે પર્વ અને તહેવારોમાં કોઈ વિઘ્ન નાખી શકશે નહીં. જો કોઈ ઉત્સવના રંગમાં ભંગ પાડવાનો પ્રયાસ કરશે, તો તેનું વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્ય પણ બરબાદ થઈ જશે. ડબલ એન્જિન સરકારની તાકાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જે 500 વર્ષોમાં નહોતું થયું, તે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણ સાથે શક્ય બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અસુરક્ષાના વાતાવરણમાં રોકાણ અને વિકાસ થઈ શકતા નથી, જ્યારે વિકાસના છેલ્લા ક્રમે હોઈએ ત્યારે સન્માન મળતું નથી, પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે.