Sun Jul 26 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ચાઈનીઝ એપથી ઈ-રિક્ષા બંધ, સુરક્ષા સામે મોટો ખતરો

2026-07-04 08:46:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

દિલ્લીમાં હમણાં એક અત્યંત ગંભીર ઘટના બની ગઈ. દિલ્લીમાં છેલ્લા કેટલાક સમયથી `ટિર્રીસ' તરીકે ઓળખાતી ત્રણ પૈડાંની ઈલેક્ટ્રિકલ રિક્ષાઓ અચાનક બંધ થઈ જતી. ડ્રાઈવર ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ સ્ટાર્ટ ના થાય. અડધો-પોણો કલાક પછી અચાનક રિક્ષા ચાલુ થઈ જાય. લાંબા સમયથી આ ખેલ ચાલતો પણ રિક્ષા ચાલુ થઈ જાય એટલે રિક્ષામા બેઠેલાં લોકો રિક્ષાવાળાને ને રીક્ષાવાળો બેટરી બનાવનારને બે-ચાર ગાળો દઈને આખી વાતને ભૂલાવી દેતા.

અચાનક કોઈ સોશ્યલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનું ધ્યાન ગયું ને તેણે ખણખોદ કરી તેમાં ખબર પડી કે આ આખો ખેલ તો બીએટી બીએમએસ અને એપોચ લિ-આયન નામની મોબાઈલ એપ દ્વારા થાય છે. ઈલેક્ટ્રિકલ રિક્ષાઓમાં સસ્તી ચાઈનીઝ બેટરીઓ વપરાયેલી હોય છે. આ બેટરીઓની બિલ્ટ-ઇન મેનેજમેન્ટ સિસ્ટમ (બીએમએસ) બ્લુટૂથથી ચાલે છે તેથી આ બેમાંથી કોઈ એપ સાથે સીધી કનેક્ટ થઈ જતી. બેટરીની બિલ્ટ-ઇન મેનેજમેન્ટ સિસ્ટમ (બીએમએસ) કનેક્ટ થાય એટલે એક ક્લિક કરીને પાવર બંધ કરી દેવાય તેથી રિક્ષા રસ્તાની વચ્ચે જ ઊભી રહી જાય.

ઈન્ફ્લુઅન્સરે વીડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો એટલે વાતમાં બીજાને પણ રસ પડ્યો. બીજા પણ ઘણાએ આ પ્રકારના વીડિયો બનાવીને મૂક્યા. આ વીડિયો વાઈરલ થયા એટલે ટીવી ચેનલોને રસ પડ્યો. ચેનલોએ ફેક્ટ ચેક એટલે કે સત્યતાની ચકાસણી કરી તેમાં આ વાત સાચી સાબિત થઈ તેથી તેમણે પણ તેના વીડિયો મૂક્યા તેમાં છેલ્લા એક અઠવાડિયાથી દિલ્લીમાં આ મુદ્દો ગાજતો હતો. વાગતું વાગતું કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યું એટલે કેન્દ્ર સરકારે બંને એપ હટાવવા માટે પ્લે સ્ટોરને ફરમાન કરી દીધું છે.

આ ઘટના અત્યંત શરમજનક કહેવાય કેમ કે આપણી સરકારને તો ચીનાઓએ આવી કોઈ એપ બનાવીને ગૂગલ પ્લે સ્ટોર પર મૂકી દીધી છે ને ભારતમાં આ એપ કામ કરે છે એ વાતની ખબર જ નહોતી. સોશ્યલ મીડિયા અને મીડિયાએ ધ્યાન ના દોર્યું હોત તો કદાચ હજુ ખબર પણ ના પડી હોત. સરકારમાં બેઠેલા લોકો તો ખાલી ને ખાલી થૂંક ઉડાડવામાં હોંશિયાર છે ને ટેકનોલોજીમાં તેમને સાંધાની સૂઝ પડતી નથી તેથી તેમની પાસેથી તો કશી અપેક્ષા ના રખાય પણ આપણી ઈન્ટેલિજન્સ ને સિક્યુરિટી એજન્સીઓને ગંધ સુધ્ધાં ના આવી એ વધારે શરમજનક કહેવાય. ચીન આપણો સૌથી મોટો દુશ્મન છે ને આપણે ત્યાં અંધાધૂંધી ને અરાજકતા સર્જવા માટે જાત જાતના પેંતરા કરે છે ત્યારે એજન્સીઓએ ચીનાઓ પર ચાંપતી નજર રાખવી જોઈએ.

ચીના ખાલી પોતાની એજન્સીઓ મારફતે નહીં પણ કંપનીઓ અને વિદેશમાં રહેતા ચીના મારફતે પણ દાવપેચ ખેલ્યા કરે છે. સાયબર વોરમાં તો ચીના સૌના બાપ છે ને અમેરિકા જેવા દેશોને પણ ફીણ પડાવી દીધું છે એ જોતાં આપણી એજન્સીઓએ ચોતરફ નજર રાખવી જોઈએ પણ આપણી એજન્સીઓને કંઈ ખબર જ ના પડી એ અત્યંત ચિંતાજનક કહેવાય. આપણે ફિલ્મોમાં એજન્સીઓનાં ગુણગાન ગાઈને મહાન બતાવવામાં મશગૂલ છીએ ને અહીં ચીન આપણી મેથી મારી ગયું તેની એજન્સીઓને ખબર સુધ્ધાં ના પડી એ જોતાં એજન્સીઓને ટાઈટ કરવી પડે. 

ચીની એપ્સની હરકતે આપણી એજન્સીઓની પોલ તો ખોલી જ પણ આપણી બીજી નબળાઈને પણ છતી કરી દીધી. આપણે વિચારવું જોઈએકે, ચીનની એપ્સ આ રીતે આપણે ત્યાં ચાલતી રિક્ષાઓની બેટરીને કઈ રીતે કંટ્રોલ કરી શકે છે? કેમ કે આ બેટરી મેઈડ ઈન ચાઈના છે. આપણે ચાઈનીઝ બેટરી વાપરવી પડે છે કેમ કે આપણે ઈલેક્ટ્રિક રિક્ષાઓ માટેની બેટરી બનાવી શકતા નથી. થોડી ઘણી બનતી હશે તો એ ચીનની લિથિયમ-આયન બેટરીઓની સરખામણીમાં બહુ મોંઘી હોય છે તેથી શટલિયાં મારતી ઈલેક્ટ્રિક રિક્ષાઓ બનાવનારાને પરવડે જ નહીં. 

ભારતના મોટા ભાગના લિથિયમ-આયન બેટરી ઉત્પાદકો ચીનથી માલ મગાવીને અહીં એસેમ્બલ કરીને પોતાનો ઠપ્પો લગાવી દે છે તેથી વાસ્તવમાં ભારત  ઈલેક્ટ્રિક વાહનોની બેટરીઓ માટે ચીન પર જ નિર્ભર છે. આપણે ચીન-અમેરિકાને પછાડી દેવાના ફડાકા મારીએ છીએ પણ આ કડવી વાસ્તવિકતા છે. 

ચીના પોતાની બેટરીઓની  બિલ્ટ-ઇન મેનેજમેન્ટ સિસ્ટમ (બીએમએસ)ને બ્લુટૂથથી જોડી શકાય એવી બનાવે છે કે જેથી ગમે તે સમયે બેટરી કેટલી ચાર્જ થયેલી છે, સેલના વોલ્ટેજ, બેટરી ગરમ તો નથી થઈને એ બધું દૂરથી સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર મોનિટર કરી શકાય. ચીનમાં જ બેટરી વપરાવાની હોય તો કશો વાંધો નથી પણ આ જ વાત ભારત માટે મોટી આફત બની શકે છે. બલકે લોકોની સુરક્ષા અને જાન-માલ સામે મોટો ખતરો બની શકે છે ને તેને રોકવામાં ના આવે તો ભવિષ્યમાં ચીના ચીનમાં બેઠાં બેઠાં એક બટન દબાવીને અંધાધૂંધી ને અરાજકતા સર્જી દે એવા દિવસો આવી જશે.

આપણે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી બચવા માટે મોટા પાયે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છીએ.  વાહનોમાં ચીનની બેટરીઓ વપરાયેલી હોય તો આ વાહનોને અચાનક રસ્તા પર ઠપ્પ કરી દેવા ચીન માટે ચપટીનો ખેલ છે પણ ચીનમાં ના બનેલી બેટરીની બિલ્ટ-ઇન મેનેજમેન્ટ સિસ્ટમ (બીએમએસ)ને હેક કરીને ચીના હાહાકાર મચાવી શકે.

આપણે ત્યાં ચીનથી જંગી પ્રમાણમાં માલ ઠલવાય છે. ચીનનાં બેટરી ઓપરેટેડ માંડીને ઈલેક્ટ્રિક હોમ એપ્લાયન્સીસ સુધીની ઢગલો ચીજો આપણે વાપરીએ છીએ. આ ચીજોને ઠપ્પ કરીને ચીન કેવો કાળો કેર વર્તાવી શકે છે એ વિચારી જુઓ. ચીન એક ડગલું આગળ વધે તો શું કરી શકે એ પણ વિચારી જુઓ. આપણાં ઘરોમાં રહેલી ચાઈનીઝ ચીજોમાં  બ્લાસ્ટ કરાવીને એ લાશોના ઢગ ખડકી શકે. 

ચીને ચાઈનીઝ બનાવટનાં હોમ એપ્લાયન્સીસમાં પહેલેથી કેમેરા ગોઠવીને યુકેના મંત્રીઓ સુધ્ધાંની જાસૂસી કરાવી હતી ને બ્લાસ્ટ પણ કરાવ્યા છે. ચીના ભારતમાં પણ આ બધું કરી શકે છે. આપણા મંત્રીઓ કે મહત્ત્વનાં લોકોના વીડિયો ઉતારીને બ્લેકમેઈલ કરવાનાં કૃત્યો પણ કરી શકે, ભારતમાં બધું ઠપ્પ પણ કરી શકે ને બ્લાસ્ટ પણ કરાવી શકે. કોઈને આ વાતો અતિશયોક્તિભરી લાગશે પણ આ બધું થઈ શકે છે.

આ સ્થિતિથી બચવાનો ઉપાય શું? એક જ ઉપાય છે. ચીનના માલથી વેગળા રહેવું. કોઈ પણ પ્રકારનો ચીનનો માલ ખરીદવો નહીં કે ચીનનો માલ વપરાયો હોય એવી ચીજો પણ ખરીદવી નહીં. સરકાર આપણને બચાવશે એવી આશાએ બેસી રહેવાના બદલે આટલું તો આપણે કરી જ શકીએ ને?