Tue Nov 10 2026

Logo

વાવાઝોડું મુરાસુની લેન્ડફોલ પ્રક્રિયા થઈ શરૂ, 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મૂશળધાર વરસાદ

2026-11-03 07:44:00
Author: Mayur Patel
વાવાઝોડું  મુરાસુની લેન્ડફોલ પ્રક્રિયા થઈ શરૂ, 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મૂશળધાર વરસાદ

આંધ્ર પ્રદેશના ઓંગોલ નજીક  વાવાઝોડું મુરસુની લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ છે. મુરસુની અસરથી આંધ્ર પ્રદેશના ચિરાલા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. હવામાન વિભાગ સતત વાવાઝોડાના લેન્ડફોલ પર નજર રાખી રહ્યું છે.

હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓડિશા સહિત 5 રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. 19ફ્લાઇટ્સ રદ કરવામાં આવી ચૂકી છે. આ આપત્તિ સામે પહોંચી વળવા માટે ૫ રાજ્યોમાં NDRF ની 37 ટીમો તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત  દરિયાકાંઠાના વિસ્તારોમાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોને સંપૂર્ણપણે પાર કરી લીધા પછી જ વરસાદની તીવ્રતા ધીમે-ધીમે ઓછી થશે. 

 

ઓંગાલાના કલેકટરએ જણાવ્યું કે, અધિકારીઓને વાવાઝોડાની અસર ઓછી થયા બાદ તરત જ વૃક્ષો હટાવવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત નુકસાનગ્રસ્ત વીજળીના થાંભલા અને કેબલોનું સમારકામ તાત્કાલિક ધોરણે કરવા સૂચના આપી છે. વાવાઝોડાની અસરથી પુડ્ડુચેરીમાં મધરાતથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના અંદાજ મુજબ વાવાઝોડું વધારે શક્તિશાળી બનશે.

વાવાઝોડાનું નામ મુરાસુ કેવી રીતે પડ્યું?

મહાસાગરોમાં ઉદ્ભવતા વાવાઝોડાંના નામ રાખવાની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ થાય છે. મહાસાગરોના કિનારે વસેલા દેશોના સૂચન પર વારાફરતી વાવાઝોડાના નામ નક્કી કરવામાં આવે છે. હાલના ચક્રવાતી તોફાનનું નામ મુરાસુ તમિલ ભાષામાંથી લેવામાં આવ્યું છે. મુરાસુ એ એક મોટો ઢોલ કે નગારું હોય છે, જે યુદ્ધના સમયે, ઉત્સવોમાં અથવા તો જોખમની ચેતવણી આપવા માટે વગાડવામાં આવતો હતો. લોકો તેને સરળતાથી યાદ રાખી શકે અને સતર્ક રહે તે હેતુથી આ નામ  પસંદ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે વાવાઝોડા બંગાળની ખાડીમાંથી ઉદ્ભવે છે, પરંતુ તેમનું નામકરણ પ્રાદેશિક ભાષાઓ અનુસાર થાય છે.