Tue Nov 03 2026

Logo

ભારતમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે અને કેટલા દિવસ ચાલશે પ્રક્રિયા

2026-10-30 21:53:00
Author: Mumbai Samachar Team
ભારતમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે અને કેટલા દિવસ ચાલશે પ્રક્રિયા

Chat GPT Generated Image


ભારતમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર કરવામાં આવી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે શુક્રવારે જાહેર કરેલી સૂચના અનુસાર, ચૂંટણીવાળા વિસ્તારો અને હિમવર્ષા ધરાવતા વિસ્તારોના બાદ કરતાં દેશભરમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 સુધી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 1 માર્ચથી 5 માર્ચ, 2027 સુધી સુધારા રાઉન્ડમાં યોજાશે.

સૂચનામાં જણાવ્યા અનુસાર મણિપુર(આગામી જાહેરાત થાય ત્યાં સુધી), ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, લદ્દાખ તેમજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના હિમવર્ષા ધરાવતા વિસ્તારોને વસ્તી ગણતરીનો સમય અલગ રહેશે. બાકીના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન કામગીરી હાથ ધરવામાં આવશે. 

હવે લોકો જાતે નોંધાવી શકશે પોતાની માહિતી

સૂચનામાં લોકોને પોતાની માહિતી જાતે નોંધાવવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. ઘરે-ઘરે જઈને વસ્તી ગણતરીની કામગીરી શરૂ થાય તેના બરાબર પહેલા એટલે કે 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી,2027 દરમિયાન લોકો પોતાની વિગતો સ્વયં નોંધાવી શકશે. 

2011માં થઈ હતી છેલ્લી વસ્તી ગણતરી

વસ્તી ગણતરી કોઈપણ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. તેના માધ્યમથી દેશની કુલ વસ્તી અને વસ્તી સંબંધિત વિવિધ મહત્વના આંકડા એકત્રિત કરવામાં આવે છે. ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી 2011માં કરવામાં આવી હતી. 2021માં પણ વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી.  

2011માં બે તબક્કામાં થઈ હતી વસ્તી ગણતરી

વર્ષ 2011માં વસ્તી ગણતરીની કામગીરી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2012 દરમિયાન યોજાયો હતો, જેમાં મકાનોની યાદી તૈયાર કરવાની અને રહેઠાણની ગણતરીની કામગીરી કરવામાં આવી હતી. ત્યાર બાદ 1થી 5 માર્ચ, 2011 સુધી સુધારાનો રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો હતો.  

2011ની વસ્તી ગણતરી દેશનો 15મો રાષ્ટ્રીય સર્વે હતો

વસ્તી ગણતરી 2011 એ ભારતના સેશન્સ સંગઠન દ્વારા હાથ ધરવામાં આવેલો 15મો રાષ્ટ્રીય વસ્તી ગણતરી સર્વે હતો. આ કામગીરી દરમિયાન સી. ચંદ્રમૌલી જનગણના કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ હતા. આ સર્વેમાં દેશના 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં  640 જિલ્લાઓ, 497 શહેરો, 5,767 તાલુકાઓ અને 6 લાખથી વધુ ગામોનો સમાવેશ થયો હતો. 

વસ્તી ગણતરીમાં આ માપદંડોનો સમાવેશ થયો હતો 

2011ની ભારતીય વસ્તી ગણતરીમાં અનેક મહત્વપૂર્ણ માપદંડોને આવરી લેવામાં આવ્યા હતા. તેમાં કુલ વસ્તી, વસ્તી વૃદ્ધિ દર, સાક્ષરતા દર, વસ્તીની ગીચતા, લિંગ ગુણોત્તર અને 0થી 6 વર્ષની વયજુથના બાળકોનો લિંગ ગુણોત્તર સામેલ હતો. 2011ના જનગણના અનુસાર, ભારતની કુલ વસ્તી 1,210,854,977 નોંધાઈ હતી. તેમાં 623,724,248 પુરુષો અને 586,469,174 મહિલાઓનો સમાવેશ થતો હતો