Wed Sep 30 2026

Logo

એશિયન ગેમ્સમાં માત્ર આઠ દિવસ બાકી છે, ભારત હજી ફક્ત ચાર ગોલ્ડ મેડલ જીતી શક્યું છે

Nagoya   2026-09-26 19:44:20
Author: Ajay Motiwala
એશિયન ગેમ્સમાં માત્ર આઠ દિવસ બાકી છે, ભારત હજી ફક્ત ચાર ગોલ્ડ મેડલ જીતી શક્યું છે

Image Credit PTI


નાગોયા (જાપાન): 20મી એશિયન ગેમ્સ (Asian Games)માં ભારતનો પર્ફોર્મન્સ આ વખતે સારો નથી. આઠ દિવસ થઈ ગયા છે, હવે માત્ર આઠ દિવસ બાકી રહ્યા છે અને શનિવાર સાંજ સુધીમાં ભારતીયોની ઝોળીમાં માત્ર ચાર ગોલ્ડ મેડલ આવ્યા હતા. નવાઈની વાત એ છે કે 2022ની 19મી એશિયન ગેમ્સમાં 28 ગોલ્ડ મેડલ, 38 સિલ્વર, 40 બ્રૉન્ઝ સહિત કુલ 106 ચંદ્રક સાથે ચોથા નંબર પર હતું, જ્યારે શનિવારે સાંજે ભારતીયો છેક દસમા સ્થાને હતા.

 

એક વાતની ખુશી એ છે કે કબડ્ડીના ખેલાડીઓએ ઉપરાઉપરી બે ગોલ્ડ મેડલ અપાવીને દેશને મેડલ-ટેબલમાં ટૉપ-ટેનમાં લાવી દીધું હતું. શનિવાર સાંજ સુધીમાં ભારત ચાર ગોલ્ડ, 12 સિલ્વર, 14 બ્રૉન્ઝ સહિત કુલ 30 મેડલ જીતીને 10મા સ્થાને હતું.

પુરુષોની ગોળા ફેંક હરીફાઈમાં તેજિન્દરપાલ સિંહ તૂર લોખંડનો ગોળો 20.64 મીટર દૂર ફેંકીને બીજા સ્થાને રહ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. ઇરાનનો મોહમ્મદરેઝા તયેબીસ ભારતના ટોચના શૉટ પૂટર તૂર (Toor)નો 20.75 મીટરનો એશિયન રેકૉર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તયેબીસે ગઈ કાલે ગોળો 20.81 મીટર દૂર ફેંક્યો હતો. તૂર અગાઉની બન્ને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કબડ્ડી (Kabaddi)ની રમતમાં ભારતના ખેલાડીઓ એશિયામાં છવાઈ ગયા છે, કારણકે શનિવારે મહિલાઓ પછી પુરુષોની કબડ્ડી ટીમે પણ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારતની આ બન્ને કબડ્ડી ટીમનો ફાઇનલમાં ઇરાન સામે રોમાંચક વિજય થયો હતો. ઇરાન સામેની રોચક ફાઇનલમાં ભારતની મેન્સ ટીમે 40-34થી જીત હાંસલ કરીને આ રમતોત્સવમાં ચૅમ્પિયનપદ જાળવી રાખ્યું હતું. ભારતે મેન્સ કબડ્ડીમાં કુલ નવ સુવર્ણ ચંદ્રક જીત્યા છે. શનિવારે બપોરે મહિલાઓની ભારતીય કબડ્ડી ટીમે ઇરાનને 37-34થી પરાજિત કરી હતી. પુરુષોની કબડ્ડી મૅચ ખૂબ જ રોચક હતી. એક તબક્કે બન્ને ટીમ 20-20ની બરાબરીમાં હતી, પરંતુ ભારતે પકડ જમાવી લીધી હતી અને ધીમે-ધીમે સ્કોરનો તફાવત વધારીને છેવટે મુકાબલો 40-34થી જીતી લીધો હતો.

2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં ઇરાને ચૅમ્પિયનપદ મેળવ્યું એ પહેલાં ભારતના કબડ્ડી ખેલાડીઓ લાગલગાટ સાત વખત ગોલ્ડ મેડલ જીત્યા હતા. જોકે 2022ની હાન્ગઝોઉ એશિયાડમાં ભારતે ફરી ટાઇટલ મેળવ્યું અને આ વખતે એ જાળવી રાખ્યું છે. 2018માં ભારતની મહિલા ટીમ પણ ઇરાન સામે ફાઇનલ હારી ગઈ હતી, પરંતુ આ વખતે ઇરાનને જ પરાજિત કરીને વિક્રમજનક ચોથો ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

શનિવાર સાંજ સુધીમાં ભારતીયો કબડ્ડીના બે ગોલ્ડ અને તૂરના એક સિલ્વર સહિત કુલ સાત ચંદ્રક જીત્યા હતા. તૂર કેટલીક ઈજામાંથી બહાર આવ્યો હોવાથી અને જાપાનમાં ભેજવાળા હવામાનને કારણે પૂરતી પ્રૅક્ટિસ નહોતો કરી શક્યો.

42.195 કિલોમીટરની મૅરથનમાં સાવન બારવાલ નામના ભારતીય લશ્કરના જવાને બે કલાક, 11 મિનિટ, 37 સેક્નડના ટાઇમિંગ સાથે બીજા નંબર પર આવીને એશિયન ગેમ્સનો સિલ્વર મેડલ જીતી લીધો હતો. તેનો આ નૅશનલ રેકૉર્ડ છે અને ભારત માટે આ ઐતિહાસિક મેડલ છે, કારણકે 44 વર્ષે ભારતને મૅરથનમાં ચંદ્રક (અને એ પણ સિલ્વર) મળ્યો છે. 1982માં દિલ્હીના એશિયાડમાં હોસુર કુક્કપ્પા બ્રૉન્ઝ જીત્યા હતા.

સ્ક્વૉશમાં જોશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમારની જોડી મિક્સ્ડ-ડબલ્સની સેમિ ફાઇનલ હૉન્ગ કૉન્ગની હરીફ જોડી સામે હારી જતાં માત્ર બ્રૉન્ઝ જીતી શકી હતી. સ્ક્વૉશમાં જ અનાહત સિંહ તથા અભય સિંહે તેમની ફાઇનલમાં પહોંચીને ભારત માટે ઓછામાં ઓછા બે સિલ્વર મેડલ પાક્કા કર્યા હતા.

મહિલાઓની 400 મીટર દોડમાં પ્રાચી ચૌધરી 53.21 સેક્નડના ટાઇમિંગ સાથે ત્રીજા નંબરે રહીને બ્રૉન્ઝ જીતી હતી. શૂટિંગમાં મહિલાઓ માટેની 50 મીટર રાઇફલ થ્રી-પી સ્પર્ધામાં ભારતની આશી ચોક્સી, તિલોત્તમા સેન અને વિદર્સા વિનોદની ટીમે સિલ્વર મેડલ જીતી લીધો હતો. ભારતને હજી ઍથ્લેટિક્સમાં તેમ જ હૉકી, બૅડમિન્ટન અને બૉક્સિંગમાં ચંદ્રકો મળી શકશે.

શૂટિંગમાં ઐતિહાસિક ગોલ્ડ મેળવ્યો વિક્રમ સાથે!

એશિયન ગેમ્સમાં શુક્રવારે ભારતને બીજો ગોલ્ડ મેડલ નિશાનબાજો કમલજીત સિંહ અને સુરુચિ ઇન્દર સિંહની જોડીએ અપાવ્યો હતો. વધુ નવાઈની વાત એ છે કે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતે પહેલી જ વખત 10 મીટર ઍર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે અને એ પણ વિક્રમજનક સ્કોર સાથે! કમલજીત અને સુરુચિની જોડીએ 10 મીટર ઍર પિસ્તોલ મિકસ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં 484.6ના હાઈએસ્ટ અને એશિયન રેકૉર્ડવાળા સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સાઉથ કોરિયાની જોડીએ 478.00ના સ્કોર સાથે રજતચંદ્રક અને ઈરાનની જોડીએ 415.08ના સ્કોર સાથે કાંસ્યચંદ્રક મેળવ્યો હતો.

ભારત હૉકીની સેમિમાંઃ અન્ય મુકાબલા વિશે પણ જાણો...

મેન્સ હૉકીમાં ભારતે શનિવારે જાપાનને 2-0થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અભિષેકે 15મી મિનિટમાં અને કૅપ્ટન હરમનપ્રીત સિંહે 40મી મિનિટમાં ગોલ કર્યો હતો. બૅડમિન્ટનમાં પી. વી. સિંધુએ તાઇપેઇની ચિઉ પિન-ચિઆન સામે બીજા રાઉન્ડની મૅચ 21-19, 21-14થી જીતી ગઈ હતી. જોકે લક્ષ્ય સેનનો પરાજય થયો હતો, પરંતુ આયુષ શેટ્ટી અને ઉન્નતિ હૂડા પોતપોતાની સિંગલ્સની સેક્નડ રાઉન્ડની મૅચ જીતી ગયા હતા. ટેબલ ટેનિસમાં ભારતના માનુષ શાહ અને યશસ્વિની ઘોરપડેનો સિંગલ્સના ત્રીજા રાઉન્ડના મુકાબલામાં પરાજય થયો હતો.