નેશનલ

મોદીએ જમ્મુમાં કર્યું ₹ ૩૨,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારે વરસાદ વચ્ચે જમ્મુમાં એએમ સ્ટેડિયમમાં હજારો લોકોની ઉપસ્થિતિમાં રૂ. ૩૨,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરી આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૩૭૦ બેઠક પર વિજય અપાવવાની અપીલ કરી હતી. ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે અગાઉ કાશ્મીરમાં ક્યારેક ક્યારેક બંધ અને હડતાળને કારણે સન્નાટો જોવા મળતો હતો, પરંતુ હવે રાત્રે પણ ચહલપહલ દેખાય છે. આજે શ્રીનગરથી સંગલદાન અને સંગલદાનથી બારામુલ્લા માટે ટ્રેન
ૉચાલી રહી છે. એ દિવસો દૂર નથી જ્યારે દેશવાસીઓ ટ્રેનમાં બેસીને સીધા જ કાશ્મીર પહોંચી શકશે. આજે કાશ્મીરને પહેલી ઈલેક્ટ્રીક ટ્રેન મળી છે. હવે જમ્મુ-કાશ્મીરમાં બે વંદે ભારત ટ્રેનની સુવિધા આપવામાં આવી છે.
બંધારણની કલમ ૩૭૦ પ્રદેશના વિકાસમાં સૌથી મોટો અવરોધ હતો એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે આ અવરોધને ભાજપ સરકારે હટાવી દીધો છે.
આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૩૭૦ અને એનડીએને ૪૦૦થી વધુ બેઠક અપાવવાની મોદીએ જનતાને હાકલ કરી હતી.
એક સમય હતો જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સ્કૂલોને સળગાવી દેવામાં આવતી હતી, પરંતુ હવે સ્કૂલોને શણગારવામાં આવી રહી છે એવા દિવસો આવ્યા છે.
અગાઉ ગંભીર બીમારીની સારવાર માટે દિલ્હી જવું પડતું હતું, પરંતુ હવે જમ્મુમાં જ એઈમ્સ તૈયાર થઈ ગઈ છે.
અબ્દુલ્લા અને મુફ્તિ પરિવાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પરિવારવાદનો શિકાર થયું છે, પરંતુ હવે આ પ્રદેશ પરિવારવાદની પકડમાંથી મુક્ત થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરને દાયકાઓ સુધી વંશવાદ સહન કરવો પડ્યો હતો. એક સમય હતો જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી દરરોજ બૉમ્બ, બંદૂક, અપહરણ અને અલગતાવાદના સમાચાર આવતા હતા, પરંતુ હવે જમ્મુ-કાશ્મીર વિકસિત થવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.
મોદીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૧૩માં મેં ભાજપની લલકાર રેલીમાં ભાગ લીધો હતો ત્યારે સવાલ ઉઠાવ્યો હતો કે જમ્મુમાં આઈઆઈટી અને આઈઆઈએમ જેવી શૈક્ષણિક સંસ્થાઓ કેમ નથી બની શકતી? અમે એ વચન પૂરું કર્યું છે અને આજે જમ્મુમાં આઈઆઈટી અને આઈઆઈએમ છે અને એટલે જ લોકો મોદીને ગેરંટી એટલે કે ગેરંટી પૂરી થવાની ગેરંટી છે.
સમારોહને સંબોધન કરતા અગાઉ મોદીએ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્ષ ૨૦૧૯માં આની શિલારોપણ વિધિ પણ મોદીએ જ કરી હતી.
મોદીએ જમ્મુમાં અંદાજે રૂ. ૩૨,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકોર્પણ અને શિલારોપણ વિધિ પણ કરી હતી.
મોદીએ જમ્મુ ઍરપોર્ટના નવા ટર્મિનલ ભવન અને ‘કૉમન યુઝર ફૅસિલિટી’ પેટ્રોલિયમ ડેપોની શિલારોપણ વિધિ પણ કરી હતી.
મોદીએ કાશ્મીરમાં પહેલી ઈલેક્ટ્રીક ટ્રેન અને સંગલદાન-બારામુલ્લા સ્ટેશન વચ્ચેની ટ્રેનસેવાને લીલીઝંડી દેખાડી હતી. બનિહાલ-ખારી-સંબર-સંગલદાન વચ્ચે ટ્રેનસેવા શરૂ થવાને કારણે પ્રવાસીઓને સરળ અને આનંદદાયક પ્રવાસ કરવા મળશે. અગાઉની સરકારે ક્યારેય દેશના સૈનિકોનું સન્માન નહોતું કર્યું. વન રૅન્ક, વન પેન્શનને મામલે કૉંગ્રેસ સરકાર ૪૦ વર્ષ સુધી સૈનિકો સમક્ષ ખોટું બોલતી રહી. ભાજપ જ છે જે વન રૅન્ક વન પેન્શન લાવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
દિલ્હી-અમૃતસર-કતરા એક્સપ્રેસ વેનું કામ ચાલુ હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે આ એક્સપ્રેસ વે તૈયાર થઈ ગયા બાદ જમ્મુ-કાશ્મીર પહોંચવાનું વધુ સરળ બનશે. સમગ્ર વિશ્ર્વ જમ્મુ-કાશ્મીરની સુંદરતા, પરંપરા, મહેમાનગતિ માણવા અહીં આવવા ઉત્સુક છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં દેશવિદેશના પર્યટકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ગયા વરસે જમ્મુ-કાશ્મીરમાં બે કરોડ કરતા પણ વધુ પર્યટકો આવ્યા હતા. છેલ્લાં એક દાયકામાં માતા વૈષ્ણોદેવીના દર્શને આવેલા ભક્તોની સંખ્યા ગયા વરસે સૌથી વધુ રહી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કાશ્મીર આવનારાં લોકો સ્વિટ્ઝરલૅન્ડને ભૂલી જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…