IPL 2024સ્પોર્ટસ

IPL-24 : કોલકાતા (KKR) ચોથી વાર ફાઇનલમાં: બેન્ગલૂરુ-રાજસ્થાનની વિજેતા ટીમ સામે શુક્રવારે જીતીને હૈદરાબાદ (SRH) પણ ફાઇનલમાં જઈ શકે

ચાર બૅટર્સના ઝીરોને કારણે હૈદરાબાદનો કોલકાતાને માત્ર 160 રનનો લક્ષ્યાંક: સૌથી મોંઘો ખેલાડી સ્ટાર્ક મૅન ઑફ ધ મૅચ

અમદાવાદ: અહીં મોટેરામાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની 17મી સીઝનની પ્રથમ પ્લે-ઑફ (ક્વૉલિફાયર-વન)માં અગાઉ બે વાર ટાઇટલ જીતી ચૂકેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે ભૂતપૂર્વ ચૅમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદને 38 બૉલ બાકી રાખીને આઠ વિકેટના તોતિંગ માર્જિનથી હરાવીને ચોથી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પૉઇન્ટ્સ-ટેબલમાં 20 પૉઇન્ટ સાથે નંબર-વન પર રહીને પ્લે-ઑફમાં આવેલી શ્રેયસ ઐયરની ટીમે આ નૉકઆઉટ રાઉન્ડમાં પણ પરચો બતાવ્યો હતો. બિગ-હિટર્સવાળી હૈદરાબાદની ટીમને હવે ફાઇનલમાં પહોંચવા હજી એક તક છે. અમદાવાદમાં 22 મે, બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી રમાનારી) બેન્ગલૂરુ-રાજસ્થાન વચ્ચેના મુકાબલામાં જીતનારી ટીમ સામે હૈદરાબાદે શુક્રવારે ચેન્નઈમાં ક્વૉલિફાયર-ટૂ (સાંજે 7.30 વાગ્યાથી)માં રમવું પડશે અને એમાં જીતનારી ટીમ રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી રમાનારી) ચેન્નઈમાં રમાનારી કોલકાતા સામેની ફાઇનલમાં રમશે. એ જોતાં, ફાઇનલમાં ફરી કોલકાતા-હૈદરાબાદ સામસામે આવી શકે.

આ મૅચ બૅટિંગના બે પાવરહાઉસ વચ્ચેની મનાતી હતી અને એમાં બન્ને ટીમના બૅટર્સ તોતિંગ સ્કોર સાથે પોતાને ચડિયાતા પુુરવાર કરવાનો પ્રયત્ન કરશે એવું મનાતું હતું, પરંતુ હૈદરાબાદના બૅટર્સ એમાં નબળા સાબિત થયા હતા. હૈદરાબાદ માત્ર ટૉસ જ જીત્યું હતું. બાકી બધી રીતે કોલકાતાનું જ મૅચમાં સંપૂર્ણ પ્રભુત્વ હતું. કોલકાતાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (4-0-34-3) મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો. કોલકાતાના ખેલાડીઓએ જીત્યા પછી મેદાન પર વિજયી-પરેડ રાખીને હજારો ચાહકોનું અભિવાદન કર્યું હતું.

કોલકાતાએ હૈદરાબાદ તરફથી મળેલા 160 રનના લક્ષ્યાંક સામે માત્ર 13.4 ઓવરમાં ફક્ત બે વિકેટના ભોગે 164 રન બનાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. અગાઉ કોલકાતાની ટીમ બે વાર (2012માં, 2014માં) પ્લે-ઑફના ટૉપ-ટૂમાં પહોંચ્યા બાદ ફાઇનલમાં ગઈ હતી અને ટ્રોફી જીતી ગઈ હતી, જ્યારે આ વખતે એણે નંબર-વન પર રહ્યા બાદ ક્વૉલિફાયર-વન જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

કોલકાતાના ચારેય બૅટરે નાનું-મોટું યોગદાન આપ્યું હતું. આ સીઝનમાં પહેલી જ મૅચ રમનાર અફઘાનિસ્તાનના ઓપનર રહમનુલ્લા ગુરબાઝ (23 રન, 14 બૉલ, બે સિક્સર, બે ફોર) તથા સુનીલ નારાયણ (21 રન, 16 બૉલ, ચાર ફોર) વચ્ચે 44 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ત્યાર બાદ 67મા રને નારાયણની બીજી વિકેટ પડ્યા બાદ વેન્કટેશ ઐયર (51 અણનમ, 28 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) અને કૅપ્ટન શ્રેયસ ઐયર (58 અણનમ, 24 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) વચ્ચે 95 રનની ત્રીજી વિકેટ માટેની અતૂટ ભાગીદારી થઈ હતી. હૈદરાબાદના પૅટ કમિન્સ અને ટી. નટરાજનને એક-એક વિકેટ મળી હતી.

કોલકાતાની ઇનિંગ્સના છેલ્લા પાંચ બૉલમાં ચાર સિક્સર ફટકારવામાં આવી હતી. નીતિશ રેડ્ડીની ઓવરના આખરી બૉલમાં વેન્કટેશે છગ્ગો માર્યા પછી ટ્રેવિસ હેડની ઓવરના પ્રથમ બૉલમાં શ્રેયસે સિક્સર, બીજા બૉલમાં ફોર, ત્રીજા બૉલમાં સિક્સર અને ચોથા બૉલમાં સિક્સર ફટકારીને મૅચ વહેલી પૂરી કરી નાખી હતી.

એ પહેલાં, હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ એના ટૉપ-ઑર્ડરે ટીમનું નામ બોળ્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની આ મૅચમાં નવો તોતિંગ સ્કોર કે નવા વિક્રમો જોવા મળશે એવી સંભાવના હતી, પરંતુ હૈદરાબાદની ટીમ 19.3 ઓવરમાં 159 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

હૈદરાબાદના ચાર બૅટરે ઝીરોમાં વિકેટ ગુમાવી હતી. એક ઘડીએ 39 રનમાં ચાર વિકેટ પડી ચૂકી હોવાથી એવું લાગતું હતું કે આ સીઝન દરમ્યાન 277 રનનો અને પછી 287 રનનો આઇપીએલ-રેકૉર્ડ નોંધાવનાર હૈદરાબાદની ટીમ 100 રન પણ કદાચ પૂરા નહીં કરી શકે. જોકે પહેલાં વનડાઉન બૅટર રાહુલ ત્રિપાઠી (પંચાવન રન, 35 બૉલ, એક સિક્સર, સાત ફોર) તથા વિકેટકીપર હિન્રિચ ક્લાસેને (32 રન, 21 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને છેલ્લે કૅપ્ટન પૅટ કમિન્સે (30 રન, 24 બૉલ, બે સિક્સર, બે ફોર) કોલકાતાના બોલર્સને જોરદાર લડત આપીને પોતાની ટીમને 159 રનનું સન્માનજનક ટોટલ અપાવ્યું હતું.
હૈદરાબાદની ખરાબ શરૂઆતમાં ટ્રેવિસ હેડ બીજા બૉલે ઝીરોમાં, અભિષેક શર્મા ચોથા બૉલે ત્રણ રનના પોતાના સ્કોરે, નીતિશ રેડ્ડી દસમા બૉલે નવ રનના પોતાના સ્કોરે અને શાહબાઝ અહમદ પહેલા બૉલે ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. હૈદરાબાદની પહેલી ચારમાંથી ત્રણ વિકેટ આઇપીએલના સૌથી મોંઘા 24.75 કરોડ રૂપિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે લીધી હતી.

વનડાઉન બૅટર રાહુલ ત્રિપાઠીએ ટીમનો ધબડકો અટકાવવાની ઘણી કોશિશ કરી હતી અને હિન્રિચ ક્લાસેન સાથે તેણે પાંચમી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી, પરંતુ 11મી ઓવરમાં 101 રનના ટીમ-સ્કોર પર ક્લાસેનની વિકેટ પડતાં ફરી ધબડકો શરૂ થયો હતો. ત્રિપાઠી બૅકવર્ડ પૉઇન્ટ પર રસેલની અફલાતૂન ફીલ્ડિંગ બાદ રન દોડવાની ઉતાવળમાં અને ગેરસમજને કારણે રનઆઉટમાં વિકેટ ગુમાવી બેઠો હતો. કાશ્મીરના અબ્દુલ સામદે 12 બૉલમાં બે સિક્સરની મદદથી 16 રન બનાવ્યા હતા, પરંતુ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે લેવામાં આવેલો ઑલરાઉન્ડર સનવીર સિંહ અને ભુવનેશ્ર્વર કુમાર પણ ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠા હતા.

રાહુલ-ક્લાસેનની ભાગીદારી પછી માત્ર કૅપ્ટન પૅટ કમિન્સે કોલકાતાના બોલર્સને જોરદાર લડત આપી હતી. કમિન્સની વિકેટ છેલ્લી હતી અને શ્રીલંકાનો વિજયકાંત વિયાસકાંત 16 મિનિટ સુધીની બૅટિંગમાં બનાવેલા સાત રને અણનમ રહ્યો હતો.

કોલકાતાના બોલર્સમાં સ્ટાર્કને ત્રણ તેમ જ સ્પિનર વરુણ ચક્રવર્તીને બે વિકેટ અને વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલને એક-એક વિકેટ મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress