ઉત્સવ

નિસર્ગની વિસ્મયકારક ઘટનાઓ ને જંગલનો ઊંડો પરિચય

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

કુદરતની ખરી કરામતોથી આપણે અજાણ છીએ. હિમાલયની તળેટીમાં ફેલાયેલ વિશાળ સાલનાં જંગલોમાં કુદરત અવનવાં કરતબો રોજબરોજ દેખાડે છે. ક્યારેક આપણી આંખો આવાં કરતબોની સાક્ષી બનતી હોય છે, જે વ્યક્તિ કુદરતની વિસ્મયકારક ઘટનાઓને નિહાળે છે તે ખરેખર ખૂબ જ નસીબદાર છે એવું હું ચોક્કસપણે માનું છું. દરેક ઋતુમાં પ્રકૃતિ અલગ અલગ રંગોમાં ખીલી ઊઠે છે એ સાથે સાથે જંગલમાં વસતા જીવો પણ અલગ અલગ કરતબો કરતાં નજરે ચઢે છે. દરેક ઋતુમાં અચૂકપણે જંગલ જવાની મારી આદત જ મને કુદરતના અવનવા નિયમોથી પરિચિત કરાવવા માટે માધ્યમ બની છે અને મારી બા પાસેથી શીખ્યો એ રીતે જ જંગલ પાસેથી હું જીવનનાં ઘણાખરા પાઠ શીખતો આવ્યો છું.

તાજેતરમાં ઉત્તરાખંડનાં જિમ કોર્બેટ નેશનલ પાર્કની મુલાકાત લીધી. આ નેશનલ પાર્ક ક્યારેય પણ મને જૂનો નથી લાગ્યો. અહીં વારંવાર આવવા છતાં હંમેશાં કંઈકને કંઈક નવું મેળવતો જ આવ્યો છું. વસંતથી ગ્રીષ્મ તરફ ધપી રહેલું જંગલ સોનેરી ઓપ ધારણ કરે છે. સૂર્યોદય આછેરાં સૂકાં ઘાસ પર સોનેરી પ્રકાશનો ઢોળ ચઢાવી ને નયન રમ્ય બનાવી દે. નાની નાની ચકલીઓએ ઘાસમાં મધુર ગાન ગાતી ગાતી કૂદમકૂદ કરી મૂકે. હાથીઓનું આખું ઝૂંડ ઘાસમાં મસ્તીથી મહાલતું નજરે પડે. સૂર્યપ્રકાશ અને જંગલનાં વિશાળ વૃક્ષો માં છુપાઈ જવા મથતાં આછેરાં ધુમ્મસ વચ્ચે રીતસરનું દ્વંદ્વ જોવા મળે છે. આ દ્વંદ્વ વચ્ચેથી રસ્તો કરીને દોડી જતા માસૂમ હરણાં ઓ અને વાંદરાઓ મારા મનમાં આનંદનો ઉભરો લઇ આવે. સાલનાં ગગનચુંબી વૃક્ષોનો વાસંતી અસબાબ પ્રાકૃતિક સમૃદ્ધિનો ખરો પરિચય કરાવે. સાલ બારેમાસ લીલાછમ્મ રહેતા વૃક્ષની એક સુંદર પ્રજાતિ છે. વસંતથી ગ્રીષ્મ સુધીનાં સમયમાં પાનખર દરમ્યાન સાલનાં અમુક પાંદડા પીળાશ પકડે છે અને ધીરે ધીરે ખરી પડે છે, પણ સાગનાં વૃક્ષની જેમ બધાં જ પર્ણો એક સાથે નથી ખરી પડતા. અમુક પર્ણો ખરી પડે ત્યાં તો નવાં પર્ણો વૃક્ષની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે તૈયાર જ હોય છે. સવારનાં સૂર્યની રોશની આ કુમળાં પર્ણો ને વધુ સોહામણાં બનાવે છે તો વળી આછેરાં પીળા પર્ણો સાથે પ્રકાશનાં સંયોજન થકી વૃક્ષ પર સોનેરી અસબાબ ઊભો થાય છે. ખરતા પર્ણો ને વસંતનો વાયરો જાણે સાથે લઇ જવા મથી રહ્યો હોય એમ જંગલમાં આમતેમ ઉડાવે છે તો પર્ણો ધરણીનાં ખોળે સોનેરી ચાદર માફક છવાઈ જવા માગતા હોય એમ રસ્તા પર જ જગ્યા લઇ લે છે. આ આખી પ્રક્રિયા દિવસભર સતત ચાલતી રહે છે અને પર્ણોની અદ્ભુત ધૂન દરેક જીવોને મંત્રમુગ્ધ કરી મૂકે છે. સાલનાં વૃક્ષો નીચેથી પસાર થતા અમુક પર્ણો ધીરેથી શરીર પર પડીને સરકે કે જાણે પ્રકૃતિને માધ્યમ બનાવીને મારી બા મારા માથે વ્હાલથી હાથ ફેરવી રહી હોય એવું સ્પષ્ટપણે અનુભવી શકું.

જાંબુ પણ એક એવી પ્રજાતિ છે જેનાં નવાં નક્કોર પર્ણો ગ્રીષ્મ ઉઘડતા જ આખાયે વૃક્ષને સોહામણું બનાવી દે છે. એકદમ કુમળાં પાન અને ફાલની ફોરમ આ વૃક્ષ તરફ કોઈને પણ ખેંચીને લઈ આવે છે. વસંત ઋતુમાં લગભગ બધા જ પ્રકારનાં ઘાસ પર ફૂલ ખીલે છે અને ગ્રીષ્મ તરફ આગળ ધપતા ધપતા એ ફૂલડાં ઓ પર વિવિધરંગી પતંગિયાઓની ફોજ પોતાનું આધિપત્ય જમાવી દે છે. ભમરાઓ અને મધમાખીઓ નું મધૂર ગાન અને નૃત્ય તો કુદરતનાં આ દૃશ્યને વધારે મનોરમ્ય બનાવે છે. કુસુમ અને સાલનાં જંગલો વચ્ચે ફરવાનો અનુભવ એટલે જાણે ઉઘડતા ઉનાળાની ભરપૂર મોજ. આ સમયે હિમાલયનાં જંગલોમાં સાલ નાં વૃક્ષો પર પરિપક્વ એવાં પીળા પાંદડા, નવાં જ ખીલેલાં લીલા પાન અને યુવાનીનાં ઉંબરે ઉભેલા પાંદડા. આ બધી જ અવસ્થા એક સાથે જોઈ શકાય. કુસુમ નાં વૃક્ષો તો જાણે નવોઢા માફક લાલ રંગનું પાનેતર ઓઢીને સજ્જ થયા હોય એમ ઊડીને આંખે વળગે. કુદરતની આ સઘળી કરામત જ તો મને જંગલ તરફ આકર્ષે છે. કુસુમ નાં વૃક્ષોનાં પર્ણો જેમ જેમ બાળ અવસ્થામાંથી યુવા અવસ્થા તરફ વધતા જાય કે લાલમાંથી લીલો રંગ ધારણ કરે. આ લાલ અને લીલા રંગનું મિશ્રણ જોવા આ વૃક્ષ નીચે ઘડી ભર રોકાઈ જાઉં અને જંગલનાં સૂરોને શાંતિથી સાંભળ્યા કરું. આ જ તો સઘળું છે જે આપણને જીવનને સાચા અર્થમાં જીવતા શીખવે છે.

આખુંયે જંગલ એના નિત્ય ક્રમ મુજબ શરૂ થાય છે, સંધ્યા ટાણે જરા ધીમું પડે, નવી ધૂન છેડે, સઘળા જીવો વધારે સચેત થઇ જાય, એક જગ્યાએ ભેગા થઇ જાય અને પોતાનાં અસ્તિત્વને વધારે સમય માટે ટકાવી રાખવાની લડાઈ માટે સજજ બની જાય. વાઘ અને દીપડા જેવા પ્રભાવક જીવો પોતાનાં નાનાં બચ્ચાનાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે શિકાર માટે નીકળે અને જંગલ જીવંત બની જાય. કોઈ પ્રાણીની મરણ ચીસ વાઘ કે દીપડા જેવા પ્રાણીનાં બચ્ચાંની તૃપ્તિનો ઓડકાર બને. કુદરતે દરેક જીવો માટે બહુ સરસ રચના કરીને આ સૃષ્ટિ ને રચી છે. પ્રાણીઓની આ પદ્ધતિ ને આપણે સરળતા થી સમજી શકીએ પણ વૃક્ષોમાં પણ આ પ્રકારનાં ગુણો અને વર્તણૂંક કુદરતે આવરી લીધી છે. ફાઇકસ ફેમિલી એટલે કે વડ અને પીપળા કુળનાં વૃક્ષોની વર્તણૂંક પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવાની લડાઈમાં અદ્ભુત પ્રયત્નો કરતા જોવા મળે. આ કુળના વૃક્ષો જ્યારે જ્યારે નવા સવા ખીલે તો એનામાં એટલી મીઠાશ હોય કે એ કોઈ પણ તૃણાહારી પશુનો ખોરાક બની જ જાય. જીવનની જીવનની શરૂઆત થતાં જ એમનું બાળમરણ થઇ જાય.

નિસર્ગમાં દરેક સમસ્યાનું કોઈને કોઈ નિવારણ તો હોય જ. આપણે ત્યાં કહેવત છે કે ભીંત ફાડીને પીપળો ઉગ્યો, એ કહેવત પણ આ જ ઘટનાનો જ વૈજ્ઞાનિક તર્ક છે. ક્યારેક ક્યારેક આપણે કોઈ અવાવરૂ કૂવામાં નજર માંડીએ તો ઓછામાં ઓછાં બે પાંચ પીપળા કે વડ છેક અંદર પથ્થરનાં પોલાણમાં પરાણે જગ્યા શોધીને પણ ખીલેલાં જોવા મળે છે. આ કુળનાં વૃક્ષોનાં ફળમાં બીજનું પ્રમાણ પણ વધારે હોય છે એટલે વિવિધ માધ્યમથી એનું સરળતાથી સ્થાળાંતર શક્ય બને છે. પીપળો, વડ, અંજીર, ટીમરૂ વગેરે પ્રકારનાં વૃક્ષોનો સમાવેશ આ કુળમાં થાય છે. આ પ્રકારનાં વૃક્ષોનાં ફળ એટલે કે ટેટામાં બીજનું પ્રમાણ પણ વધારે હોય છે અને ઘણા પક્ષીઓનો મુખ્ય ખોરાક પણ એ જ ફળો હોય છે. કોઈ પક્ષી દ્વારા કે પવન દ્વારા આ કુળનાં વૃક્ષોનાં બીજ કોઈ પણ વિશાળ વૃક્ષની મૃત ડાળ કે થડનાં પોલાણમાં નાની અમથી જગ્યામાં પણ પોતાનું સ્થાન જમાવી લે છે. સમય જતા અહીંયા ઉડીને માટી ભેગી થાય કે સૂકા પાંદડાનું કમ્પોસ્ટ તૈયાર થાય. વરસાદ પડતા જ થોડા જ દિવસોમાં આ બીજ ખીલી ઊઠે અને પોતાનાં અસ્તિત્વની શરૂઆત કરી દે. સાલનાં વૃક્ષનાં થડનો વ્યાસ ખૂબ જ વિશાળ હોય છે પરિણામે એની કોઈને કોઈ ડાળમાં આ પ્રકારની જગ્યા સરળતાથી મળી રહે. ધીરે ધીરે આ વૃક્ષ વધતું જાય અને પોતાનાં થડ સાલનાં વૃક્ષમાં ઉપરથી ભરડો લઈને છેક નીચે સુધી લઇ આવે. વર્ષો સુધી ચાલતી આ પ્રક્રિયામાં યજમાન વૃક્ષમાંથી જ પોતાનું પોષણ મેળવે અને એક સમય એવો આવે કે યજમાન વૃક્ષ સંપૂર્ણ પણે નવા વૃક્ષમાં ભળી જાય અને પોતાનું જીવન સંકેલી લે. આખુંયે વૃક્ષ પોતાનાં મૂળ સાથે નવા વૃક્ષનાં પોષક તત્વો તરીકે ખપી જાય. અમુક અમુક વૃક્ષો પર તો એક કરતા વધારે પ્રજાતિનાં વૃક્ષો એક સાથે વિકસતા જોવા મળે. કુદરતમાં દરેક જીવોને અસ્તિત્વ ટકાવી રાખવા માટે વિસ્મય પમાડે એવી રચના કરી છે.

હિમાલયની તળેટીમાં આવેલા જિમ કોર્બેટ નેશનલ પાર્ક, પીલીભીત ટાઇગર રિઝર્વ, દૂધવા નેશનલ પાર્ક, કિશનપુર વન્યજીવ અભ્યારણ્ય જેવા સ્થળો એ આ પ્રકારનાં અસંખ્ય વૃક્ષો નજર સમક્ષ તરવરે. આપણે ત્યા ગીર નેશનલ પાર્કમાં પણ સાગનાં વૃક્ષોનાં પોલાણમાં આવાં ઘણાં વૃક્ષો ઊભાં છે. આપણા સામાજિક વિશ્ર્વમાં પણ આ પ્રકારનાં લોકો જોવા મળે જ જેમાં કોઈ કોઈને આર્થિક રીતે શોષણ કરીને ખત્મ કરી મૂકે તો કોઈ કોઈને શારીરિક રીતે મજબૂરીનો ફાયદો ઉઠાવીને શ્રમ કરાવીને તેનું અસ્તિત્વ છીનવી લે. કુદરતનાં વિશ્ર્વમાં આ પ્રકારની ઘટનાઓ સહજ અને હકારાત્મક ઢબે ભજવાય છે પણ આપણે આવી ઘટનાઓને નકારાત્મકરૂપ આપતા હોઈએ છીએ. આ બધું જોઈને લાગે કે માનવી ક્યાકને ક્યાંક સંવેદના ચૂક્યો છે. વધારે બુદ્ધિમાન જીવ સંકુચિત વિચારસરણી વાળા બની જાય એવું પણ શક્ય બને. જંગલ એક અદ્ભુત પાઠશાળા છે જો સમજીને, અનુભવીને જંગલનાં કુદરતી નિયમોને આપણા જીવનમાં કેળવીએ તો….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza