ઉત્સવ

લો, ‘આનો’ ભાવ વધે છે, છતાં નથી કોઇ ધરણા કરતું કે નથી કોઈ પૂતળા બાળતું !

વ્યંગ -ભરત વૈષ્ણવ

આપણે નાની વાતાને મોટું સ્વરૂપ આપીએ છીએ. લગભગ રજનું ગજ જેવું… કાગનો વાઘ કહી શકો કે વા વાયો ને નળિયું ખસ્યું.. ટાઇપ મીડિયમ કલાસ જેવી મેન્ટાલિટી અનુસાર આપણે ડુંગર ખોદીએ અને ઉંદર કાઢીએ છીએ. નાની બાબતોને મહત્ત્વ આપીને જિંદગી તબાહ કરીએ છીએ…

ધારો કે તમારી પાસે ટુ વ્હીલર કે ફોર વ્હીલર છે તો પેટ્રોલના ભાવ વધે એટલે વાહન ગમે તે કિંમતે ફટકારીને ઘોડું ગધેડું ખરીદીને ઓફિસ જવાના છો? જો જવાબ નકારમાં હોય તો પેટ્રોલના ભાવ વધારાની હાયહાયને બાયબાય કરોને , યાર. તમારે દરરોજ સવાર, બપોર, સાંજે પેટ્રોલ સાથે દવા ગળવાની છે? પેટ્રોલના ભાવ વધારા વિશે સરદારજી જેવો એટિટયુડ રાખવો. સરદારજી કહે કે સિતેરની સાલમાં સો રૂપિયાનું પેટ્રોલ બાઇકમા ભરાવતો હતો અને આજે પણ બાઇકમાં સો રૂપિયાનું પેટ્રોલ ભરાવું છું. ભાવ કયા વધ્યા છે? સબ ચંગા સી!

સિંગતેલના ભાવ વધે એટલે વગર તેલે હોળી પ્રગટે. ઠીક છે સિંગતેલના ડબ્બે રૂપિયો રોડો હજારની માત્રામાં વધે એટલે જીવ બાળવાનો ? સિંગતેલનો તમારો વપરાશ કેટલો? બે ડબ્બા કે વધીને ચાર ડબ્બા . સિંગતેલના ભાવમાં ડબ્બે ૧૦૦૦ રૂપિયા વધે એટલે ચાર ડબ્બે ૪૦૦૦ વઘ્યા. મહિનાના ૩૩૩ વધ્યા?રોજના ૧૦ રૂપિયા વધ્યા ? ૧૦ રૂપિયા એટલે અડધી ચાના પૈસા. આટલા મામૂલી ભાવ વધારા માટે જીવ બાળવાનો? સિંગતેલના ભાવ વધે તો હનુમાનજી મહારાજે ચિંતા કરવાની હોય. તેમને ચડાવવા તેલ જોઇએ છે! તમારા ઘરમાં સ્વિમિંગ પુલ હોય તો ૩૦૦૦-૪૦૦૦ લિટર સિંગતેલ ભરી તેમાં તમે સ્વિમિંગ કરવાના હોવ તો સિંગતેલના ભાવ વધવાની ચિંતા કરો… બોસ. તેલના ભાવ વધે તો ઘીનો ઉપયોગ વધારો. અન્યથા તેલનો ઉપયોગ ઘટાડી કોલોસ્ટ્રોલ, ડાયાબિટીસ, સ્ટ્રોકથી બચો. સરકાર પારકાના છોકરાને જતિ કરે છે. તેમાં સહયોગ કરો.

તમને ખબર છે કે ,નહીં તેની ખબર નથી. કેસરની કિંમત કેટલી હોય છે? હું કેસર કેરીની વાત કરતો નથી. દાને દાને પે કેસર કે જુબાં કેસરીની વાત કરૂં છું. આપણે તો કેસરના નામે શેના તાંતણા ચાવીએ છીએ એની મને ખબર નથી. કદાચ મકાઇ ડોડાના રેશમી તાંતણા હોઇ શકે. અસલી કેસરની કિંમત પાંચ લાખ રૂપિયા હોય છે. હું ટન ,ક્વિન્ટલ કે મણની વાત કરતો નથી. એક કિલો કેસરની કિંમત રૂપિયા પ લાખ હોય છે એક બે હજારની ભૂલચૂક ભૂલી જવી. હવે વિચારો કેસરની કિંમતમાં રૂપિયા ૨૦ કે ૩૦ હજારનો મામૂલી વધારો થાય તો આપણા કેટલા ટકા? યેસ, આપણે કેસરનો હલવો કે કેસરફેણી તો કરવી નથી.

આજ રીતે, આપણે લીંબુના ભાવ ત્રણસો રૂપિયે કિલો થાય એટલે રમેશ પારેખની કવિતામાં વરસાદથી નાયક નાયિકા આકળવિકળ થાય તેમ આકળવિકળ થઈએ છીએ. અઠવાડિયે અડધું લીંબુ વાપરતા ન હોય એ લોકો ઉછળી ઉછળીને ભાવ વધારા વિશે ભદ્દા ભાષણ કરે. માનો કે રોજ છાશમાં લીંબુ નિચોવીને પીતા ન હોય. લીંબુ સસ્તા હોય તો તાંસળી ભરીને લીંબુરસનું સેવન કરતા હોય તેવો તાલ કરે છે.

લસણ-ડુંગળી તામસિક ભોજન છે. નાણામંત્રી વિરક્ત મહિલા છે. આહારમાં લસણડુંગળીનો ઉપયોગ કરતા નથી. જે ગામે જવું ન હોય તેનો રસ્તો શું કામ પૂછવો જોઇએ એવી સલાહ જ્ઞાનીજનો અજ્ઞાનીજનોને આપી ગયા છે. જે લોકો લસણડુંગળી ખાતા ન હોય એ લોકો લસણ ડુંગળીના ભાવ વધારાને શા માટે આપે? ચાહે તે નાણામંત્રી હોય !તેનાથી શો ફરક પડે છે? તમે ડુંગળીનો શીરો બનાવવાના છો? તો ડુંગળીના ભાવ વધારાથી ચિંતા કરવાની હોય!

દસ રૂપિયે વેચાતા ટમેટાંનો ભાવ વધીને ચાર સો થાય એટલે શું થયું! શું તુલસીદાસ ચંદનનાં બદલે ટમેટા ઘસીને રઘુવીરને તિલક કરશે? જયારે રામ શબરીની ઝૂંપડીએ જશે ત્યારે શબરી બોરને બદલે ટમેટા ચાખીને એંઠા ટમેટા ધરાવશે? કૃષ્ણને મળવા સુદામા જશે ત્યારે તાંદુલને બદલે ટમેટાની પોટલી લઇને જશે? દ્રૌપદી સ્વયંવરમાં મત્સ્યવેધને બદલે ટમેટાંવધનું આયોજન કરશે? દુર્યોધન એમ કહેશે કે ટમેટાની ચીરી જેટલી જમીન પણ પાંડવોને નહીં આપું? કૃષ્ણ ભગવાન પાર્થને કહેશે કે ચડાવો ટમેટા. હવે તો યુધ્ધ એ જ કલ્યાણ! ટમેટા સિવાય કોબીજ નાંખીને ચના જોર ગરમ ખાઇ લેવાના! આનાથી વધારે કયો ભોગ આપવાનો છે?

ડુંગળીના ભાવ વધે એટલે હોબાળો. આદુંના ભાવ વધે એટલે બહાલ. મરી મસાલાના ભાવ વધે એટલે હલ્લાબોલ. પેટ્રોલના ભાવ વધે એટલે કકળાટ.ગેસ સિલિન્ડરના ભાવ સાડા ચારસો થયા કે હાલના મહિલા મંત્રી ગેસનો ખાલી બોટલો લઇ સડક પર ઊતરેલાં . લોકોને બે ગેસ બોટલ જોઇને મજા પડેલી!

અર્થશાસ્ત્ર ફુગાવા માટે લાલ જાજમ બિછાવે છે અને એકવીસ તોપની સલામી આપે છે. મંદીમાં ભાવોનું સતત સંકોચન થાય! શરૂમા સારું લાગે, પરંતુ પછી ગળામાં હાડકું ફસાયું હોય કે ગળે ઘંટીનું પડ બાંધ્યું હોય તેવું લાગે! ભાવે વધવાનો ફૂલ ગુલાબી કકળાટ( કયાં લગી કાળો કકળાટ શબ્દ સહન કરવાનો?) કરવા છતાં ફલેટ, બંગલા, કાર, એસી, ફ્રીઝનું વેચાણ વધે છે! ભાવ વધારો થવા છતાં લોકો દેખાદેખીમાં તાણીતૂંસીને દેવું કરીને ઘી પીવા ઉપરાંત ઘૂમ ખરીદી કરે છે!

આપણે ત્યાં એક વસ્તુના ભાવો વધ્યા હોય છતાં દેશ બંધનું એલાન આપ્યું હોય -વિરોધ પ્રદર્શન થયા હોય તો અમને જાણ કરજો. જે વસ્તુના ભાવ વધ્યા હોય તેને દૂધ, શાકભાજી, બટેટાની જેમ રોડ પર ફેંક્યા હોય કે ઢોરને ખવડાવી હોય તેવું બન્યું હોય તો કહેજો! લોકોએ વિરોધનો હરફ ઉચ્ચાર્યો હોય કે બોસ તેનો બોયકોટ કર્યો હોય તો કહેજો…. મીણબત્તી રેલી,ધરણા, દેખાવ,રેલી, પ્રદર્શન તો બાજુએ રહ્યા, પરંતુ, તેની ખરીદી ઓછી કરી હોય તો કહેજો!

વેલ, આ વસ્તુ કેસર કરતાં પણ મોંઘી છે. તમે માથું ખંજવાળશો,નખ કરડશો તો પણ જવાબ નહીં આપી શકો એની મને ખબર છે! ચાલો, હું તેનું નામ કહી દઉં…. તેનું નામ સોના-ચાંદી છે ! સોના-ચાંદી ક્વિન્ટલ, મણ, રતલ, પાઉં, કિલો, શેરના ભાવે તોલાતું નથી. માત્ર દસ ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ હાલમાં ૭૪ હજાર રૂપિયા છે…એક સો ગ્રામના ૭૪ લાખ થયા…..આટલા રૂપિયામાં તો ટુ બીએચકે ફલેટ આવે!

એક કિલો સોનાના ૭ કરોડ ૪૦ લાખ થયા… એટલા રૂપિયામાં ફાઇવ કે સિકસ બેડરૂમનો બંગલો અમદાવાદમાં મળે!

સોનાના ભાવમાં આ તોતિંગ ભાવ વધારા થવા છતાં, કોઇના પેટનું પાણી કે વ્હિસ્કી હલતી નથી. આઝાદી મળી ત્યારે સોનાનો ભાવ ટ્રિપલ ફિગરમાં એટલે કે માત્ર સો રૂપિયા હતો કેમ કાનમાં ધાક પડી ગઇને?!

મે ૨૦૦૬માં સોનાના ભાવ ૧૦ હજાર રૂપિયા પ્રતિ ગ્રામ હતો. અને આજે ૬૮ હજાર રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ચુક્યો છે એટલે આમ જોઈએ તો સોનું ૫૮ હજાર રૂપિયા મોઘું થયુ છે.

અમે એક અનર્થશાસ્ત્રી છીએ. તમે તાંબાના પતરા પર કે સોનાના પતરા પર ડંકે કી ચોટ પર લખી રાખજો કે એક તોલા સોનાનો ભાવ લાખ રૂપિયા થઇ જશે તેવી અમારી નિરાધાર આગાહી છે. એક કિલો સોના માટે કેવળ દસ કરોડ રૂપિયા ચૂકવવાનો દમ દેખાડજો….એવું થાય એ પહેલાં, એક નંબર બે નંબર કે દસ નંબરનું જેટલું નાણું હોય તો જેટલું ખરીદી શકાય તેટલું સોનું ખરીદ કરી લેજો. પછી કહેતા નહીં કે તમે કહ્યું નહીં !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!