હૉકી ઇન્ડિયાએ શ્રીજેશને અત્યારથી જ જુનિયર ટીમના હેડ-કોચની નોકરી આપી દીધી
પૅરિસ: ગુરુવારે ભારતને ઑલિમ્પિક હૉકીનો સતત બીજો બ્રૉન્ઝ મેડલ મળ્યો એની ખુશાલી સાથે પોતાનો દીકરો અને ભારતીય ટીમનો ગોલકીપર પીઆર શ્રીજેશ આંતરરાષ્ટ્રીય હૉકીમાંથી હવે નિવૃત્તિ લઈને ઘરે પાછો આવી રહ્યો છે એનો તેના પરિવારજનોને બેહદ આનંદ છે.
તેના ફૅમિલી મેમ્બર્સનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષમાં અમે શ્રીજેશને મોટા ભાગે ટીવી પર જ જોયો છે, પણ હવે તે રિટાયર થઈને પાછો આવી રહ્યો છે એટલે છેવટે ઘરમાં તેની સાથે ઘણો લાંબો સમય વીતાવી શકીશું.
જોકે શ્રીજેશનો સાથ તેના પરિવારને બહુ લાંબો સમય નહીં મળે, કારણકે દેશમાં હૉકીની રમતું સંચાલન કરતી સંસ્થા હૉકી ઇન્ડિયાએ તેને ભારતની જુનિયર હૉકી ટીમનો હેડ-કોચ બનાવી દીધો છે.
જોકે શ્રીજેશના પિતા પી. રવીન્દ્રન તથા પરિવારના બીજા સભ્યોને થોડા સમય પહેલાંથી જ શંકા હતી કે શ્રીજેશ ઘરે પાછા આવ્યા બાદ બહુ લાંબો સમય તેમની સાથે નહીં રહે, કારણકે તે કોચિંગની જવાબદારી ઉપાડી લેશે અને થોડા જ દિવસમાં ઘરેથી પાછો રવાના થઈ જશે.
આ પણ વાંચો: ચક દે ઈન્ડિયા : ઑલિમ્પિક હૉકીમાં ભારતનો સતત બીજો બ્રૉન્ઝ
શ્રીજેશ પરિવાર સાથે કેરળમાં કોચી નજીક પલ્લીકરા નામના સ્થળે રહે છે.
શ્રીજેશે એક અખબારી મુલાકાતમાં કહ્યું છે કે ‘24 વર્ષથી મેં ગોલપોસ્ટને જ ઘર જેવું માની લીધું હતું.’
પિતા પી. રવીન્દ્રનની ઇચ્છા હતી કે તેમનો દીકરો ઑલિમ્પિક મેડલ લીધા પછી જ નિવૃત્તિ લે. ખરેખર એવું જ બન્યું. શ્રીજેશે રિટાયરમેન્ટ પૅરિસ જતાં પહેલાં જ જાહેર કરી દીધું હતું અને મેડલ જીતીને જ તે હવે નિવૃત્ત થઈ રહ્યો છે.
શ્રીજેશના મમ્મી દીકરા માટે ઉન્ની અપ્પમ (મીઠા ભાતની વાનગી) બનાવી છે, કારણકે તેને એ ખૂબ ભાવે છે.
શ્રીજેશ 36 વર્ષનો છે. તેણે નાનપણની ક્લાસમેટ અનીશ્યા સાથે લગ્ન કર્યા છે. અનીશ્યા ભૂતપૂર્વ લૉન્ગ જમ્પર અને આયુર્વેદ ડૉક્ટર છે. તેમને એક પુત્રી (અનુશ્રી) અને એક પુત્ર (શ્રીયાંશ) છે.
શ્રીજેશના ગામમાં એક રોડને તેનું નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: હૉકીમાં આ વખતે ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ પાક્કો: ધનરાજ પિલ્લે
શ્રીજેશ નાનપણમાં રનર હતો
ભારતના લેજન્ડરી હૉકી ગોલકીપર પી.આર. શ્રીજેશનું પૂરું નામ પરાટુ રવીન્દ્રન શ્રીજેશ છે. તેને નાનપણમાં દોડવું ખૂબ ગમતું એટલે તેણે રનિંગની તાલીમ લીધી હતી. તે લાંબા કૂદકાની હરીફાઈમાં પણ ભાગ લેતો તેમ જ વૉલીબૉલ પણ રમતો હતો. જોકે 12 વર્ષની ઉંમરે તેને તેની સ્કૂલના કોચે તેની હૉકીની ગેમ જોઈને તેને હૉકીનો ગોલકીપર બનવાની સલાહ આપી હતી અને તેના જીવનમાં પરિવર્તન આવી ગયું હતું. શ્રીજેશ ભારત વતી 336 મૅચ રમ્યો હતો. ઑલિમ્પિક્સના બે બ્રૉન્ઝ, એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ તથા એક બ્રૉન્ઝ, કૉમનવેલ્થ ગેમ્સમાં બે સિલ્વર તેમ જ બીજી નાની-મોટી ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેણે ભારતને ચંદ્રકો અપાવ્યા હતા.
પૅરિસમાં કેવો પર્ફોર્મન્સ હતો?
પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત જે આઠ મૅચ રમ્યું એમાં ગોલકીપર શ્રીજેશે ગોલપોસ્ટ નજીક ઊભા રહીને હરીફ ટીમોના કુલ 62 શૉટનો સામનો કર્યો અને એમાં તેણે 50 વખત ગોલ થતો રોક્યો હતો.
નેધરલૅન્ડ્સ ચૅમ્પિયન, જર્મનીને સિલ્વર
મેન્સ હૉકીની ગુરુવારની ફાઇનલમાં જર્મનીનો નેધરલૅન્ડ્સ સામે 1-1ની ડ્રૉ બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 3-1થી વિજય થયો હતો. જર્મન ટીમ સામે ભારતનો સેમિ ફાઇનલમાં 2-3થી પરાજય થયો હતો. નેધરલૅન્ડ્સની ટીમ સેમિ ફાઇનલમાં સ્પેનને 4-0થી હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. એ જ સ્પેન સામે ભારતે 2-1થી જીતીને બ્રૉન્ઝ જીતી લીધો હતો.