ચક દે ઈન્ડિયા: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત હૉકીની સેમિ ફાઇનલમાં, હવે મેડલથી એક જ ડગલું દૂર
પૅરિસ: ભારતની મેન્સ હૉકી ટીમે અહીં સુપર સન્ડે ઉજવ્યો હતો. ભારતીયો પૅરિસ ઑલિમ્પિક્સમાં ગ્રેટ બ્રિટન સામેની ક્વૉર્ટર ફાઇનલમાં 1-1ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી ગયા હતા. ભારત સતત બીજી ઑલિમ્પિક્સમાં સેમિ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે.
ભારતીય ટીમ ઑલિમ્પિક્સના વધુ એક મેડલથી એક જ ડગલું દૂર છે. ભારત મંગળવાર, છઠ્ઠી ઑગસ્ટની સેમિ ફાઇનલમાં જીતી જશે તો એક મેડલ પાક્કો થઈ જશે. જો ભારત સેમિમાં હારશે તો બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં રમવું પડશે.
પીઢ ગોલકીપર અને આ ઑલિમ્પિક ગેમ્સ પછી ઇન્ટરનૅશનલ હૉકીમાંથી નિવૃત્ત થનારો પીઆર શ્રીજેશ ફરી એકવાર આ મૅચનો હીરો બની ગયો હતો. તેણે મુખ્ય મૅચમાં અને પછી પેનલ્ટી શૂટઆઉટમાં અનેક વાર ગોલ થતો રોક્યો હતો.
60 મિનિટની મુખ્ય મૅચમાં કૅપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કરીને ભારતને 1-0થી સરસાઈ અપાવી ત્યાર બાદ લી મૉર્ટને ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો.
આ પણ વાંચો: Paris Olympics 2024: ઈમાને ખલીફ પછી વધુ એક વિવાદાસ્પદ બોક્સરે જીત સાથે શરૂઆત કરી
છેક સુધી બન્ને ટીમે સામસામા આક્રમણમાં ગોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બન્નેની સંરક્ષણની મજબૂત દીવાલને કારણે મૅચમાં વધુ એક પણ ગોલ નહોતો થઈ શક્યો. ભારતના એક ખેલાડીને રેડ કાર્ડ બતાવાતાં લગભગ 42 મિનિટ સુધી ભારતીય ટીમ કુલ 11ને બદલે 10 ખેલાડીથી રમ્યું હતું.
પેનલ્ટી શૂટઆઉટમાં ભારત વતી સુકાની હરમનપ્રીત સિંહ, સુખજીત સિંહ, લલિત ઉપાધ્યાય અને રાજ કુમારે ગોલ કર્યો હતો. બ્રિટન વતી માત્ર જેમ્સ ઑલ્બેરી અને ઝાકેરી વૉલેસે ગોલ કર્યો હતો. જોકે કૉનર વિલિયમસન તથા ફિલ રૉપર ગોલ કરવામાં નિષ્ફળ ગયા હતા.
ભારતે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ગ્રેટ બ્રિટનને હરાવીને જ બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો અને આ વખતે ભારતે એને પરાજિત કરીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી છે.
રેડ કાર્ડ મળ્યા પછી પણ ભારત જીત્યું
ભારત અને બ્રિટન વચ્ચેની આ મૅચમાં જોરદાર રસાકસી થઈ હતી, પરંતુ 17મી મિનિટે વિવાદ થયો હતો. 17મી મિનિટે ટીમના ખેલાડી અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. એટલે બાકીની રમત ટીમ ઈન્ડિયાએ 11ને બદલે 10 ખેલાડીથી રમવી પડી હતી.
કહેવાય છે કે અમિતની હૉકી સ્ટિક બ્રિટનના વિલ કૈલનનના ચહેરા પર લાગી હતી. એ વખતે જર્મનીના રેફરીએ માન્યું કે અમિતે જાણી જોઈને તેના ચહેરા પર સ્ટિક મારી હતી, જેથી તેને રેડ કાર્ડ આપ્યું હતું. આમ છતાં ટીમ ઈન્ડિયાએ પણ દલીલ કરી હતી કે અમિતે જાણી જોઈને એમ કર્યું નહોતું. છેવટે ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં જીતીને બ્રિટનને આલિમ્પિકમાંથી બહાર કરી દીધું હતું.