હૉકીમાં આ વખતે ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ પાક્કો: ધનરાજ પિલ્લે
હરમનપ્રીતની ટીમે વર્લ્ડ નંબર-ટૂ ઇંગ્લૅન્ડને હરાવ્યા પછી કઈ ત્રણ ફરિયાદ નોંધાવી?
પૅરિસ: હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતે રવિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં પાંચમી રૅન્કવાળા ભારતે વર્લ્ડ નંબર-ટૂ ગ્રેટ બ્રિટનને ક્વૉર્ટર ફાઇનલમાં 1-1ની ડ્રૉ બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવી દીધું અને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો એ જોઈને ભારતના હૉકી-લેજન્ડ ધનરાજ પિલ્લેએ ‘પીટીઆઇ ભાષા’ને આપેલી મુલાકાતમાં હર્ષના આસું સાથે કહ્યું હતું કે ‘હું મારી આંખોમાંથી આસું આવતા રોકી નહોતો શક્યો. છેલ્લા ઘણા વર્ષોમાં મને આટલો જોરદાર પર્ફોર્મન્સ ક્યારેય નહોતો જોવા મળ્યો. મને હવે ખાતરી છે કે આ ભારતીય ટીમ 44 વર્ષે દેશને ફરી હૉકીનો ગોલ્ડ મેડલ અપાવી શકે એમ છે. ભારતીયો શું રમ્યા છે! હું આ મૅચ જોઈને આસું અટકાવી નહોતો શક્યો. ખૂબ ખુશ થઈ ગયો. ગોલકીપર શ્રીજેશ દીવાલની જેમ ગોલપોસ્ટ પાસે ઊભો હતો અને ઘણા ગોલ થતા તેણે રોક્યા હતા. બીજા બધા ખેલાડીઓ પણ બેમિસાલ રમ્યા.’
રવિવારે બ્રિટન સામેની મૅચમાં શરૂઆતમાં જ અમિત રોહિદાસને ફાઉલનું કારણ આપીને રેડ કાર્ડ બતાવાયું હતું અને પછી 42 મિનિટ સુધી ભારતીયો 11ને બદલે 10 ખેલાડીઓ સાથે રમ્યા હતા. ભારતીય ટીમે અમ્પાયરિંગની ગુણવત્તાની બાબતમાં ઑલિમ્પિક્સના સત્તાધીશો સમક્ષ ત્રણ મુદ્દે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. ખરાબ અમ્પાયરિંગને કારણે ભારત હારી શકતું હતું, એવું હૉકી ઇન્ડિયાએ ફરિયાદમાં જણાવ્યું છે.
ભારતની ત્રણ ફરિયાદ આ મુજબની છે: (1) વીડિયો અમ્પાયરે વારંવાર રિવ્યૂ લીધા હતા. ભારતીય પ્લેયર (અમિત રોહિદાસ)ને રેડ કાર્ડ બતાવાયું એના પરથી રિવ્યૂ સિસ્ટમ પરથી વિશ્ર્વાસ ઘટ્યો છે. (2) શૂટઆઉટ દરમ્યાન ગોલપોસ્ટની પાછળથી એક ગોલકીપરને કોચિંગ અપાયું હતું. (3) શૂટઆઉટ દરમ્યાન એક ગોલકીપરે વીડિયો ટેબ્લેટનો ઉપયોગ કર્યો હતો.