પૅરાલિમ્પિક્સની જુડોમાં કપિલ પરમારનો ઐતિહાસિક મેડલ
ભારતે આ પહેલાં જુડોમાં ઑલિમ્પિક ગેમ્સનો પણ મેડલ નહોતો મેળવ્યો
પૅરિસ: મધ્ય પ્રદેશના કપિલ પરમારે દિવ્યાંગો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારત માટે નવો ઇતિહાસ રચ્યો છે. તે જુડોમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.
આ પહેલાં ક્યારેય કોઈ ઑલિમ્પિક્સમાં કે પૅરાલિમ્પિક્સમાં ભારતને જુડોમાં ચંદ્રક નહોતો મળ્યો. જોકે આંખની નબળી દ્રષ્ટિની સમસ્યા ધરાવતા કપિલ પરમારે એ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે.
કપિલ પરમારે 60 કિલો (જે-1) વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતી લીધો હતો. તેણે બ્રૉન્ઝ માટેના મુકાબલામાં બ્રાઝિલના એલિલ્ટન ડિ’ઑલિવિરાને આસાનીથી હરાવી દીધો હતો.
પરમારે શરૂઆતથી છેક સુધી હરીફ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને તેને 10-0થી હરાવ્યો હતો.
એ પહેલાં, સેમિ ફાઇનલમાં પરમારનો ઇરાનના એસ. બૅનિટાબા ખૉરામ અબાદી સામે 0-10થી પરાજય થયો હતો.
પરમાર 2022ની એશિયન ગેમ્સમાં આ જ કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે પૅરિસની વર્તમાન સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલમાં વેનેઝુએલાના માર્કો બ્લાન્કોને 10-0થી પરાજિત કરી હતી.
પૅરાલિમ્પિક્સમાં કોના કેટલા મેડલ?
ક્રમ | દેશ | ગોલ્ડ | સિલ્વર | બ્રૉન્ઝ | કુલ |
1 | ચીન | 64 | 51 | 31 | 146 |
2 | બ્રિટન | 33 | 25 | 19 | 77 |
3 | અમેરિકા | 26 | 29 | 14 | 69 |
4 | નેધરલૅન્ડ્સ | 17 | 9 | 5 | 31 |
5 | ફ્રાન્સ | 16 | 18 | 19 | 53 |
15 | ભારત | 5 | 9 | 11 | 25 |