ભારતે મેડલના નવા રેકૉર્ડ સાથે પૅરાલિમ્પિક્સ પૂરી કરી, જાણો કોણ કયો ચંદ્રક જીત્યું…
પૅરિસ: ભારત માટે પૅરિસ પૅરાલિમ્પિક્સ સૌથી સફળ રહી. રવિવારે ભારતીય ઍથ્લીટોએ 29 મેડલના નવા વિક્રમ સાથે આ રમતોત્સવ પૂરો કર્યો હતો. આ 29 મેડલમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રૉન્ઝ છે. આ પહેલાં, પૅરાલિમ્પિક્સમાં ભારતનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ 2021માં ટોક્યોમાં હતો જેમાં ભારતીયો કુલ 19 મેડલ જીત્યા હતા.
આ વખતની પૅરાલિમ્પિક્સમાં ભાગ લેનાર કેટલાક ચંદ્રક-વિજેતાઓ ભારત પાછા આવી ગયા છે અને બાકીના આવી રહ્યા છે.
એક રીતે પૅરિસની જુલાઈની સમર ઑલિમ્પિક્સમાં ભારતીયો એક સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ સાથે કુલ માત્ર છ મેડલ જીતી શક્યા હતા. જોકે દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતીયો સાત ગોલ્ડ સહિત કુલ 20 ચંદ્રક જીત્યા છે.
છેલ્લી બે પૅરાલિમ્પિક્સમાં ઍથ્લીટ્સ-પ્લેયર્સે ભારતને કુલ 48 મેડલ અપાવ્યા. બીજી રીતે કહીએ તો 2021ની સાલથી ભારતના દિવ્યાંગ સ્પર્ધકો દેશનું નામ વધુ રોશન કરી રહ્યા છે. જોકે ઍથ્લીટ્સની સંખ્યા પણ વધી છે. ટોક્યોમાં 54 સ્પર્ધક ભારતના હતા, જ્યારે આ વખતે ભારતથી 84 સ્પર્ધક પૅરિસ ગયા હતા.
2021ની ટોક્યો પૅરાલિમ્પિક્સ પહેલાં ભારત પાસે પૅરાલિમ્પિક્સના કુલ ફક્ત ચાર ગોલ્ડ મેડલ હતા, જ્યારે હવે એકલા પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતીયો સાત-સાત ગોલ્ડ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ભારતીયો પાંચ ગોલ્ડ જીત્યા હતા.
કોણ શેમાં કયો ચંદ્રક જીત્યું?
ક્રમ નામ રમત મેડલ
1 અવનિ લેખરા શૂટિંગ ગોલ્ડ
2 મોના અગરવાલ શૂટિંગ બ્રૉન્ઝ
3 પ્રીતિ પાલ 100 મીટર દોડ બ્રૉન્ઝ
4 મનીષ નરવાલ શૂટિંગ સિલ્વર
5 રુબિના ફ્રાન્સિસ શૂટિંગ બ્રૉન્ઝ
6 પ્રીતિ પાલ 200 મીટર દોડ બ્રૉન્ઝ
7 નિષાદ કુમાર ઊંચો કૂદકો સિલ્વર
8 યોગેશ કથુનિયા ડિસ્કસ થ્રો સિલ્વર
9 નિતેશ કુમાર બૅડમિન્ટન ગોલ્ડ
10 થુલાસીમાથી મુરુગેસન બૅડમિન્ટન સિલ્વર
11 મનીષા રામદાસ બૅડમિન્ટન બ્રૉન્ઝ
12 સુહાસ યથિરાજ બૅડમિન્ટન સિલ્વર
13 શીતલ/રાકેશ તીરંદાજી બ્રૉન્ઝ
14 સુમિત અંતિલ ભાલાફેંક ગોલ્ડ
15 નિથ્યા સિવાન બૅડમિન્ટન બ્રૉન્ઝ
16 દીપ્તિ જીવંજી 400 મીટર દોડ બ્રૉન્ઝ
17 મરિયપ્પન થાંગાવેલુ ઊંચો કૂદકો બ્રૉન્ઝ
18 શરદ કુમાર ઊંચો કૂદકો સિલ્વર
19 અજીત સિંહ ભાલાફેંક સિલ્વર
20 સુંદર ગુર્જર ભાલાફેંક બ્રૉન્ઝ
21 સચિન ખિલારી ગોળાફેંક સિલ્વર
22 હરવિન્દર સિંહ તીરંદાજી ગોલ્ડ
23 ધરમબીર ક્લબ થ્રો ગોલ્ડ
24 પ્રણવ સૂરમા ક્લબ થ્રો સિલ્વર
25 કપિલ પરમાર જુડો બ્રૉન્ઝ
26 પ્રવીણ કુમાર ઊંચો કૂદકો ગોલ્ડ
27 હૉકાતો સેમા ગોળાફેંક બ્રૉન્ઝ
28 સિમરન શર્મા 200 મીટર દોડ બ્રૉન્ઝ
29 નવદીપ સિંહ ભાલાફેંક ગોલ્ડ