Thu Apr 30 2026

Logo

બંગાળમાં પરિણામ પહેલા સ્ટ્રોંગરૂમ વિવાદ, TMC-BJPના કાર્યકર્તાઓ આવી ગયા આમને સામને

2026-04-30 22:15:17
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં બન્ને તબક્કાનું મતદાન ખતમ થઈ ચૂક્યું છે. મતદાતાઓના મત સ્ટ્રોંગ રૂમમાં સીલ થયા છે પણ બાહર હજુ પણ અંજપાભરી સ્થિતિ છે. તૃણમૂલ નેતાઓનો આક્ષેપ છે કે, કૉલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં રાખવામાં આવેલા સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ થયો છે. કૃણાલ ઘોષ અને શશિ પાંજા જેવા નેતાઓ હવે ધરણા પર ઊતર્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા તાપસ રાય પણ સ્ટ્રોંગની બાહર પોતાના સમર્થકો સાથે પહોંચી ગયા છે. 

આમને સામને પાર્ટીના કાર્યકર્તા

ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. સ્ટ્રોંગ રૂમની સામે હંગામો થઈ રહ્યો છે. વાવડ એવા પણ મળી રહ્યા છે કે, મમતા બેનર્જી પણ આ ધરણામાં સામેલ થઈ શકે છે. એવો આરોપ છે કે, ભાજપ અને ચૂંટણી પંચના અધિકારીઓ સંબંધિત પાર્ટીઓના પ્રતિનિધિની હાજરીમાં બેલેટ બોક્સ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મામલે કૃણાલ ઘોષ કહ્યું હતું કે, તમે ચૂંટણીપંચની લાઈવ સ્ટ્રિમિંગ અને સીસીટીવી કેમેરા જોઈ શકો છો કે, કેટલાક લોકો અંદર કામ કરી રહ્યા છે. આપણો કોઈ જ ઉમેદવાર અંદર નથી. તેઓ અમને અંદર જવા પણ દેતા નથી. હવે બીજા ઉમેદાવારો સાથેની વાતચીતમાં અમે અન્ય કોઈ ઉમેદવારીની જવાબદારી શા માટે લઈએ. 

કડક સુરક્ષા બંદોબસ્ત

પાંજાએ કહ્યું હતું કે,અમે આ મુદ્દે ચિંતા છે. કોઈ જ પ્રકારની હેરાફેરી ન થવી જોઈએ. જે પ્રક્રિયા અંદર થાય છે એને દેખાડવામાં શા માટે આવતી નથી? બુધવારે પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન ખતમ થયું હતું.મતદાન બાદ EVM ખુદીરામ અનુશીલન કેન્દ્રના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા. ઘોષે કહ્યું કે, બપોરે 3.30 વાગ્યા સુધી સ્ટ્રોંગ રૂમ સામે કોઈ પાર્ટીના સમર્થકો અને કાર્યકર્તાઓ હતા. એ પછીના સમયમાં એ તમામ લોકોને દૂર કરી દેવામાં આવ્યા હતા. આ માહોલ વચ્ચે અચાનક એક ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો.જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સ્ટ્રોંગ રૂમ સાંજે ચાર વાગ્યે ફરી ખુલી જશે. એ પછી પાર્ટીના કાર્યકર્તાઓને ફોન કરવામાં આવ્યો હતો. એ પછી અમને કોઈ રીતે અંદર જવા દેવામાં આવ્યા ન હતા. 

સ્ટ્રોંગરૂમ પર રહેશે નજર

તારીખ 4 મેના રોજ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી છે. મત ગણના માટે બંગાળમાં જુદા જુદા સ્થળ પર 77 કાઉન્ટિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.મમતા બેનર્જીએ પોતાની પાર્ટીના કાર્યકર્તા અને સમર્થકોને પહેલાથી જ સતર્ક રહેવા માટે સૂચના આપી હતી. સ્ટ્રોંગરૂમ પર નજર રાખવા માટે આદેશ કર્યા છે જેથી કરીને કોઈ છેડછાડ ન કરે. ભાજપના નેતા તાપસ રોયે કહ્યું હતું કે, સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવા માટે બે વ્યક્તિઓને જવાબદારી સોંપવામાં આવી છે. ટીએમસી અફવાઓ ફેલાવી રહી છે, અહીંયા ત્રણ લેયર્સમાં સિક્યોરિટી છે અને જવાબદારી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.