Thu Apr 30 2026

Logo

એરપોર્ટના રનવે પર અચાનક આવી ગયો વાંદરોઃ પાઈલટની સૂઝબૂઝથી ટળ્યો અકસ્માત

2026-04-30 20:39:42
Author: Mumbai Samachar Team
Article Image

લખનઊઃ લખનઊ એરપોર્ટ પર રનવે પર અચાનક એક વાનર આવી જતા એક અકસ્માત થતા થતા રહી ગયો હતો. ઇન્ડિગો ફ્લાઇટના પાઇલટે સમજદારી દાખવીને ઇમરજન્સી બ્રેક લગાવતા તેમાં સવાર તમામ 132 મુસાફરનો બચાવ થયો હતો. 

આ ઘટનાથી એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બન્યાના લગભગ દોઢ કલાક બાદ પ્રોટોકોલ અને નિરીક્ષણ પછી ઇન્ડિગોના પાઈલટે સુરક્ષિત રીતે ઉડાન ભરી હતી. જોકે, સમયસર બ્રેક લગાવવામાં ન આવી હોત તો મોટી દુર્ઘટના ઘટી હોત.

બનાવ અંગે અધિકારીએ કહ્યું હતું કે આ ઘટના આજે સવારે 8:55 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ઇન્ડિગો ફ્લાઇટ (6E-6521) લખનઊના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક-ઓફ માટે રનવે પર દોડી રહી હતી ત્યારે અચાનક ઉછળકૂદ કરતો એક વાંદરો તેની સામે આવી ગયો. 

આ જોઈને પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો અને 135 મુસાફરો અને ક્રૂના જીવ બચી ગયા હતા. મળતી માહિતી મુજબ ફ્લાઇટ રાયપુર જવાની હતી. "ફોલો મી" વાહન સાથે તહેનાત સુરક્ષા કર્મચારીઓએ તરત જ વાંદરાને રનવે પરથી ભગાડી દીધો. જોકે, વાંદરો લગભગ એક કલાક સુધી રનવે  અને તેની આસપાસ ફરતો રહ્યો.

બધી જરૂરી તપાસ પૂર્ણ કર્યા પછી અને વાંદરાને ભગાડ્યા બાદ, ફ્લાઇટ સવારે 10:05 વાગ્યે રાયપુર માટે રવાના થઈ. અચાનક બ્રેક મારવાથી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ગભરાઈ ગયા હતા. એરપોર્ટ પર પણ ભારે હોબાળો મચી ગયો હતો. નાગરિક ઉડ્ડયન વિભાગે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.