મુંબઈઃ સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારના રોજ ભારતીય શેરબજારની વધારા સાથે શરૂઆત થઈ હતી. સવારે 9.36 કલાકે સેન્સેક્સ 879.59 પોઈન્ટ અથવા 1.19 ટકાના ઉછાળા સાથે 75,086.93 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 280.75 પોઈન્ટ વધીને 23,282.90 પર પહોંચ્યો હતો. બજારમાં વ્યાપક તેજી જોવા મળી હતી, જેમાં 446 શેરના ઘટાડા સામે 1,846 શેરોમાં ઉછાળો નોંધાયો હતો.
ગઈકાલે બજારમાં લગભગ એક વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને નબળા વૈશ્વિક સંકેતોને કારણે સેન્સેક્સ 2,496 પોઈન્ટ અને નિફ્ટી 775 પોઈન્ટ તૂટ્યો હતો. આ ભયાનક ઘટાડા બાદ આજે બજારમાં આ સુધારો જોવા મળ્યો છે.

બજારમાં કેમ થયો સુધારો
મુખ્ય અર્થતંત્રો દ્વારા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દ્વારા શિપિંગ રૂટ સુરક્ષિત કરવા અને સપ્લાય વધારવાના પ્રયાસોને પગલે ક્રૂડ ઓઈલના ભાવ $119ની ઊંચી સપાટીથી ઘટીને $105 પ્રતિ બેરલની આસપાસ આવતા વૈશ્વિક સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. આનાથી ગુરુવારના કડાકા બાદ વૈશ્વિક બજારોને સ્થિર થવામાં મદદ મળી છે. એશિયન બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, જ્યારે યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા હોવા છતાં નીચલા સ્તરેથી રિકવરી દર્શાવી હતી.
વધનારા-ઘટનારા શેર
ટાટા સ્ટીલ, એસબીઆઈ, કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, પાવરગ્રીડ, એનટીપીસી, ટાઈટન, રિલાયન્સ, એક્સિસ બેંક, અદાણી પોર્ટના શેરમાં વધારો થયો હતો. જ્યારે નેસ્લે ઈન્ડિયા, બજાજ ફાયનાન્સ, શ્રીરામ ફાયનાન્સ, એચડીએફસી બેંકના શેરમાં ઘટાડો થયો હતો.