ડેજેઓનઃ દક્ષિણ કોરિયા (South Korea)માં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાથી દસ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે 59 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયાના મધ્ય શહેર ડેજેઓન (Central city Daejeon)માં એક ઓટો પાર્ટ્સ ફેક્ટરી (Auto Parts Factory) માંથી 10 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. આ આગ વિસ્ફોટના કારણે લાગી હોવાની પણ આશંકા છે. આગના કારણે હજી પણ ચાર લોકો લાપતા છે, તેમની શોધ શરૂ કરી દેવામાં આવી છે.
આ દુર્ઘટના અંગે દક્ષિણ કોરિયન સરકારે શું કહ્યું?
આ ઘટના અંગે દક્ષિણ કોરિયન સરકારે પણ સત્તાવાર જાણકારી આપી છે. સરકારે કહ્યું કે, આ દુર્ઘટનામાં 25 લોકો ગંભીર રીતે ઘાયલ છે. જોકે, તેમની સ્થિતિ અંગે હજી કોઈ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી. આગને કાબૂમાં લેવા માટે 500થી પણ વધારે ફાયર કર્મીઓ, પોલીસ અને કટોકટી કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યાં છે. આગ એટલી વિકરાળ હતી કે, ફેક્ટરીની એક આખી ઈમારત બળીને ખાખ ગઈ છે. આગમાંથી બચવા માટે લોકો ઈમારતથી કૂદ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ઘટનાસ્થળ પરથી ખૂબ જ પ્રતિક્રિયાશીલ રસાયણો મળી આવ્યા
આગની આ ઘટનામાં ગુમ થયેલા કામદારોની શોધવા માટે અધિકારીઓએ આ વિસ્તારને ઠંડો કરવા અને સલામતી તપાસ હાથ ધરવા માટે માનવરહિત અગ્નિશામક રોબોટ્સ તૈનાત કર્યા છે. અગ્નિશામકોએ ઘટનાસ્થળની તપાસ કરી ત્યારે, તેમને ત્યાથી 100 કિલોગ્રામથી વધુ અત્યંત પ્રતિક્રિયાશીલ રસાયણો મળી આવ્યાં હતાં.
શનિવાર સવાર સુધીમાં 28 લોકોને હોસ્પિટલ ખસેડાયા
નુકસાનની વાત કરવામાં આવે તો, શનિવાર સવાર સુધીમાં 28 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 4 લોકોની હાલત વધારે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આગને કાબુમાં લેવા માટે આશરે 120 વાહનો અને સાધનો - જેમાં વિમાન, માનવરહિત વોટર કેનન વાહન (Unmanned Water Cannon Vehicle) અને મુશ્કેલ ભૂપ્રદેશ માટે રચાયેલ બે અગ્નિશામક રોબોટ તૈનાત કરવામાં આવ્યાં છે.