નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં બુધવાર ધોધમાર તેજી લઇને આવ્યો અને સેન્સેક્સમાં ૩૦૦૦ પોઇન્ટના ઉછાળા સાથે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૬ લાખ કરોડનો ઉમેરો કરીને ન્યાલ કરી દીધાં. અમેરિકા અને ઈરાન દ્વારા બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ વૈશ્ર્વિક બજારોમાં જોરદાર તેજી અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને પગલે બુધવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી લગભગ ચાર ટકા વધ્યા હતા.
સેન્સેક્સ ૨,૯૪૬.૩૨ પોઈન્ટ અથવા ૩.૯૫ ટકા ઉછળીને ૭૭,૫૬૨.૯૦ની સપાટી પર જ્યારે નિફ્ટી ૮૭૩.૭૦ પોઈન્ટ અથવા ૩.૭૮ ટકા ઉછળીને ૨૩,૯૯૭.૩૫ પર બંધ થયો છે. બુધવારના સત્રના તીવ્ર ઉછાળાથી બીએસઇ-લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ રૂ. ૧૬.૫૯ લાખ કરોડનો ઉમેરા સાથે રૂ. ૪૪૬ લાખ કરોડની સપાટી સુધી પહોંચ્યું છે.શેરબજારમાં જોવા મળેલા ઉછાળાના મુખ્ય પાંચ કારણોમાં ઈરાન-અમેરિકાએ જાહેર કરેલો બે અઠવાડિયાના યુદ્ધવિરામ, બેરલદીઠ ૯૫ ડોલરથી નીચે ઉતરી ગયેલા ક્રૂડ ઓઇલના ભાવ, બોન્ડ યીલ્ડમાં ઘટાડો, વૈશ્ર્વિક બજારોમાં તેજી અને રૂપિયાના ભાવમાં આવેલો ઉછાળો છે.
એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાના બેન્ચમાર્ક કોસ્પીમાં ૬.૮૭ ટકાનો ઉછાળો આવ્યો અને જાપાનના નિક્કી ૨૨૫ ઇન્ડેક્સમાં ૫.૩૯ ટકાનો ઉછાળો આવ્યો. શાંઘાઈના એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સમાં પણ તીવ્ર તેજી જોવા મળી હતી. યુરોપિયન બજારો નોંધપાત્ર ઊંચા મથાળે ટ્રેડિંગ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ ફ્યુચર્સંમાં પણ ત્રણ ટકાથી મોટા ઉછાળા હતા.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી હુમલાઓ બે અઠવાડિયા માટે સ્થગિત કરવાની જાહેરાત કર્યા પછી બુધવારે રૂપિયો ૪૭ પૈસા વધીને ૯૨.૫૯ પર બંધ થયો હતો અને રિઝર્વ બેંકે તટસ્થ વલણ સાથે મુખ્ય બેન્ચમાર્ક દર યથાવત રાખ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચેના બે અઠવાડિયાના યુદ્ધવિરામથી નજીકના ભવિષ્યના બજારના અંદાજમાં ફેરફાર થયો છે. યુદ્ધવિરામ બાદ બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડાથી તેજીના સેન્ટિમેન્ટને ટેકો મળવાની ધારણા છે.
રિઝર્વ બેંકે વ્યાજ દર યથાવત રાખ્યા હોવાની જાહેરાત કરી હોવાથી પમ સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. સરકારે ગયા મહિને આરબીઆઈ માટે નવા ફુગાવાના લક્ષ્યની જાહેરાત કર્યા પછી આ પ્રથમ નાણાકીય નીતિ સમીક્ષા છે. સરકારે આરબીઆઈને માર્ચ ૨૦૩૧માં પૂરા થતા બીજા પાંચ વર્ષ માટે બંને બાજુ બે ટકાના માર્જિન સાથે રીટેલ ઇન્ફ્લેશન ચાર ટકાના સ્તરે જાળવવા જણાવ્યું છે.