મુંબઈઃ ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધને એક મહિનાથી વધારે સમય થઈ ગયો છે. દિવસેને દિવસે સ્થિતિ ભીષણ રૂપ ધારણ કરી રહી છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે, ક્રૂડ ઓઈલના ભાવમાં પણ આગ લાગી છે. હાલ બ્રેંટ ક્રૂડ 107 ડોલર પ્રતિ બેરલ આસપાસ છે. યુદ્ધની સૌથી વધુ અસર ભારતીય શેરબજાર પર પડી છે. માર્ચ મહિનામાં જ બીએસઈના માર્કેટ કેપમાં 51 લાખ કરોડથી વધુ રૂપિયાનો ઘટાડો થયો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક મહિનામાં RIL જેવી ત્રણ કંપનીઓ જેટલો BSE માર્કેટ કેપમાં ઘટાડો થયો છે.
માર્કેટ કેપ ઘટીને 412 લાખ કરોડ
યુદ્ધ શરુ થયા બાદથી સેન્સેક્સ અત્યાર સુધીમાં 12 ટકાથી વધુ તૂટ્યો છે. સેન્સેક્સમાં આશરે 10,000 પોઈન્ટનો ઘટાડો થયો છે. જ્યારે નિફ્ટી પણ ગબડીને 22,500થી નીચે પહોંચી ગયો છે. જે ચિંતાનો વિષય છે. આ ઘટાડાના કારણે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 463 લાખ કરોડથી ઘટીને 412 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે એક જ મહિનામાં 51 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટાડો ક્યાં જઈને અટકશે તેની હાલ કોઈને ખબર નથી.
ક્રૂડના ભાવમાં ભડકાથી શેરબજાર પર અસર
યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેનાથી ભારત જેવા મોટા આયાતકાર દેશો પર દબાણ વધ્યું છે. ક્રૂડ મોંઘું થવાથી કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે અને નફો ઘટી રહ્યો છે. જેની સીધી અસર શેરબજાર પર પડી રહી છે.
વિદેશી રોકાણકારોની વેચવાલી
આ ઉપરાંત રોકાણકારોમાં પેનિક માહોલ છે. વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. રૂપિયો પણ સતત નબળો પડી રહ્યો છે. બજારમાં ઘટાડો માત્ર મોટા શેર્સ પૂરતો જ મર્યાદીત નથી રહ્યો. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ તોતિંગ ઘટાડો થયો છે. બેંકિંગ, ઓટો અને કન્ઝ્યુમર સેક્ટર પણ પ્રભાવિત થયા છે.
ઇરાન અને અમરિકા વચ્ચે યુદ્ધનો નજીકના ભવિષ્યમાં અંત આવવાની ધૂંધળી શક્યતાઓને કારણે બજારનું સેન્ટીમેન્ટ ઘવાયેલું છે અને તેને જોતાં નજીકના તબક્કામાં બજારમાં રિકવરીના સંકેત અંત્યત પાતળા હોવાનું હવે મોટા ભાગના એનાલિસ્ટો માની રહ્યા છે.
યુદ્ધના કારણે સોના-ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થયો છે. યુદ્ધ પહેલા સોના-ચાંદીના ભાવમાં તેજી હતી પરંતુ યુદ્ધના કારણે મોંઘવારી વધવાનો ખતરો ઉભો થયો છે, જેથી આ કિંમતી ધાતુના ભાવ પણ તૂટવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સંકટો દરમિયાન શેરબજારમાં ઘટાડો આવે છે પરંતુ સમય સાથે રિકવરી પણ થાય છે.