તાજેતરમાં હાઇ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોનું રક્ષણ કરતાં કાયદાનું વ્યાપક અને ઉદાર અર્થઘટન કરવાની જરૂર છે. વરિષ્ઠ નાગરિકોનું સુરક્ષિત સન્માજનક અને શાંતિપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. ન્યાયાધીશે ઉમેર્યું હતું, વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખવાનો અર્થ ફકત નાણાકીય સહાય પૂરી પાડવા પૂરતો મર્યાદિત નથી. તેમાં સલામત રહેઠાણ પૂરું પાડવાનો અને વૃદ્ધ વ્યક્તિ ગૌરવ સાથે સામાન્ય જીવન જીવી શકે તે સુનિશ્ચિત કરવાનો પણ સમાવેશ થાય છે.
ચુકાદામાં હાઇ કોર્ટની આ વાત યોગ્ય જ છે, કારણકે વયસ્ક નાગરિકોને ઘણી વખત આવાં સંજોગોનો સામનો કરવો પડે છે.
શીલાબહેન 70 વર્ષે વિધવા થયાં. પતિના અવસાન સમયે તે સાથે તેમના પુત્ર-પુત્રવધૂ પણ રહેતા હતા. પતિના અવસાન પછી પણ તે બધા સાથે જ રહ્યાં. શીલાબહેન જે ફલેટમાં રહેતા હતા, તે ફલેટ તેમના નામે હતો. પુત્ર-પુત્રવધૂ પણ સારી રીતે સાથે રહેતા હતા તેમાં શીલાબહેનને કોઇ પ્રોબ્લેમ ન હતો.
જોકે લાંબો સમય સંબંધો સારા રહેતા નથી. લોભ અને લાલચને કારણે પરિવારમાં પણ એમ જ બન્યું. દીકરા-વહુના મનમાં લોભ-લાલચ જાગી, શીલાબહેનને એક પુત્રી પણ હતી. દીકરાને થયું આખો ફલેટ મારા નામે જ કરાવી લઉં, કાલે કયાંક મારી બહેન ફલેટમાં ભાગ પડાવવા આવશે તો? દીકરા-વહુના મનમાં આ વિચાર આવતા જ દીકરાએ માને કહ્યું. "મમ્મી, તું આ ફલેટ મારા નામે કરી દે. હું પેપર તૈયાર કરાવું છું. તારા જીવતા જ આ ફલેટ મારા નામે થઇ જાય તો સારું, કારણકે તું ન રહે પછી સોસાયટીવાળા અને સરકાર તરફથી ઘણાં પ્રોબ્લેમ આવી શકે. બહુ બધી ઝંઝટ કરવી પડે, તેથી તારી હયાતીમાં જ જો આ ફલેટ મારા નામે થઇ જાય તો પછી ઉપાધિમાંથી બચી જવાય.”
‘બેટા, હજુ તો હું સાજી સારી છું. ઉતાવળ શું છે ? થોડા સમયમાં જ વીલ બનાવવાની છું. તેમાં ફલેટ તારા નામે લખી દઇશ. પછી કોઇ વાંધો નહીં આવે’ એવું શીલાબહેને કહ્યું, પણ એ વાત દીકરા-વહુને જંચી નહીં. વહુ પોતાના પતિના કાન ભરવા લાગી. મમ્મીને ફલેટમાં દીકરીને ભાગ આપવો છે. તેથી જ તમારા નામે કરવા તૈયાર નથી.
દીકરા-વહુ બન્નેને બહુ ગુસ્સો આવ્યો હતો. દીકરાએ મા સાથે બોલવાનું જ બંધ કરી દીધું. વહુ પણ વાતે વાતે છણકા કરવા લાગી. શીલાબહેનને મહેણાં મારવા લાગી :
‘સાચવીએ અમે છીએ ને ફલેટ પોતાના દીકરાને નામે કરવા માટે તમારો જીવ ચાલતો નથી. કેવી મા છો તમે? દીકરા માટે તો મા જાન આપી દે. તમે એક ફલેટ માટે સાઇન કરતા નથી...’ વગેરે... વગેરે...
શીલાબહેન વહુના આવા વ્યવહારથી ત્રાસી ગયા હતા. ધીરે ધીરે વહુની ચઢામણીથી દીકરો પણ મા સાથે ઝઘડા કરવા લાગ્યો. પુત્ર-પુત્રવધૂનો ત્રાસ બહુ જ વધી ગયો.
એક દિવસ તો ઝઘડા દરમિયાન દીકરો માને મારવા દોડયો. શીલાબહેન ડરી ગયાં. પછી ફરી એકવાર બોલાચાલી થઇ ત્યારે તો ઝઘડતા ઝઘડતા ગુસ્સામાં દીકરાએ શીલાબહેનને ધકકો મારી દીધો. શીલાબહેન પડી ગયાં તેમને પગમાં સારું એવું વાગી ગયું હતું. પગ ઊંચો થતો ન હતો. ઊભા તો થઇ જ શકાતું ન હતું. દીકરો-વહુ તો પોતાના રૂમમાં ચાલી ગયા. શીલાબહેન રડતાં હતાં કામવાળીને દયા આવી તેણે કહ્યું, ‘દાદીલા ફોન કરુન સાંગા...દીકરીને ફોન કરીને વાત તો કરો...’ શીલાબહેને દીકરીને ફોન જોડયો. રડતાં રડતાં હકીકત જણાવી. થોડી જ વારમાં દીકરી-જમાઇ આવી ગયા.
શીલાબહેનને ડોકટર પાસે લઇ ગયા. ફ્રેકચર હતું. પગે પ્લાસ્ટર આવ્યું. બે મહિના પછી પ્લાસ્ટર ખોલવાનું હતું. આવી પરિસ્થિતિમાં શીલાબહેન પોતાના ઘેર તો જઇ જ શકે તેમ ન હતા. ત્યાં તેમનું કોણ ધ્યાન રાખે? તેથી દીકરી શીલાબહેને પોતાને ઘેર લઇ ગઇ. માની સેવા શુશ્રૂષા કરી, બે મહિના પછી પ્લાસ્ટર ખોલ્યું. તો પણ હજુ શીલાબહેનને ચાલવામાં તકલીફ પડતી હતી. તેથી દીકરી-જમાઇએ હમણાં ઘેર જવા ના પાડી. એકદમ સારું થઇ જાય પછી જ ઘેર મૂકી જઇશું એમ કહ્યું.
આટલું બધું શીલાબહેન સાથે થયું છતાં દીકરો-વહુ માને જોવા માટે પણ આવ્યા નહીં. શીલાબહેન વિચારતા હતા ઘેર જઇને શું કરીશ? આ લોકોએ તો વેર બાંધ્યું છે. પણ પોતાને ઘેર તો જવું જ પડે ને? એટલે સાજા થઇ ગયા બાદ શીલાબહેન પોતાના દીકરી, જમાઇ સાથે ઘેર ગયા. બેલ મારી, પણ દરવાજાની અંદર લાગેલા કેમેરાથી વહુએ આ લોકોને જોઇ લીધાં અને દરવાજો ન ખોલ્યો તે ન જ ખોલ્યો.
આમ તો સામાન્ય રીતે શીલાબહેન પાસે પોતાની ચાવી રહેતી, પણ તે દિવસે વાગ્યું હતું અને ઉતાવળમાં દીકરી-જમાઇ સાથે નીકળી ગયા હતા. તેથી ચાવી તો પોતાના ઘરમાં પર્સમાં જ રહી ગઇ હતી.અંતે કંટાળીને શીલાબહેન અને દીકરી-જમાઇ પાછા ઘેર ગયા. ઘેર જઇને દીકરીએ પોતાના ભાઇને ફોન કર્યો તો ઊંચકયો નહીં, મેસેજ કર્યો જવાબ આપ્યો નહીં. આનો અર્થ તો એવો થયો કે માને ઘરમાં આવવા દેવી નથી. માના પોતાના જ ઘરમાં મા ન જઇ શકે એ કેવું?
જમાઇએ વકીલની સલાહ લીધી અને દીકરા-વહુ સામે કેસ કર્યો. કોર્ટે માતાના માલિકીનો ફલેટ ખાલી કરવા માટે દીકરા-વહુને આદેશ આપ્યો. શીલાબહેન કોર્ટમાં વિનંતી કરી હતી કે દીકરા-વહુને ઘરમાંથી બહાર કાઢવામાં આવે, જેથી પોતે શાંતિથી રહી શકે કોર્ટના નિર્ણય સામે પુત્ર-પુત્રવધૂએ હાઇ કોર્ટમાં અરજી કરી હતી. બધા પાસાઓ પર વિચાર કર્યા બાદ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. ફલેટ માતાને નામે હોવાથી તેને તે મિલકતમાં રહેવાનો સંપૂર્ણ અધિકાર છે. પુત્ર-પુત્રવધૂને ફલેટ ખાલી કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો હતો.
ત્રાસ આપતા સંતાનોને ખોટી મમતા બતાવાને બદલે કે એને તાબે થવાને બદલે તેમને દરવાજો દેખાડી દેવો એ જ યોગ્ય છે.