Fri May 01 2026

Logo

નાણાકીય વર્ષ 2027 માટે 7.1 ટકા વૃદ્ધિદરનો અંદાજઃ એસ ઍન્ડ પી

2026-03-25 19:45:59
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ આગામી નાણાકીય વર્ષ 2027માં ખાનગી વપરાશ, રોકાણ અને નિકાસમાં વધારો થવા જેવાં મુખ્ય પરિબળોને ધ્યાનમાં લેતા એસ ઍન્ડ પી (સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર્સ) ગ્લોબલ રેટિંગ એજન્સીએ દેશનાં જીડીપી વૃદ્ધિદરનો અંદાજ વધારીને 7.1 ટકાનો મૂક્યો છે, પરંતુ મધ્ય પૂર્વના વિવાદને કારણે એનર્જી અથવા તો ક્રૂડતેલ સહિતનાં ઈંધણના ભાવમાં થયેલા વધારાને કારણે રાજકોષીય દબાણ આવે તેવી શક્યતા પણ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. 

તાજેતરમાં એસ ઍન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે જાહેર કરેલા ત્રિમાસિકગાળાનાં એશિયા-પેસિફિક ઈકોનોમિક કોમેન્ટ્રી અહેવાલમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન ભૂરાજકીય તણાવ અને વેપારને લગતી અનિશ્ચિતતાઓની ભારતમાં કૉમૉડિટીનાં ભાવ, વેપારના વોલ્યૂમ અને મૂડીગત્‌‍ પ્રવાહ પર અસર પડી શકે છે. 

ઈંધણના ભાવ જો ઊંચી સપાટીએ રહે તો સબસિડી ભારણ વધશે, પરંતુ સંપૂર્ણ ભાવવધારો ગ્રાહક પર પસાર થાય તેવી શક્યતા નથી. અમારા મતે આગામી નાણાકીય વર્ષ 2027નાં અંતે દેશનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર વર્તમાન નાણાકીય વર્ષના 7.6 ટકા સામે 7.1 ટકાના સ્તરે રહેશે. તેમ જ વૃદ્ધિ માટેનાં મુખ્ય ચાલક પરિબળમાં ખાનગી વપરાશ, ખાનગી રોકાણમાં સુધારો અને નિકાસમાં વૃદ્ધિ રહેશે. નોંધનીય બાબત એ છે કે એજન્સીએ વર્તમાન નાણાકીય વર્ષ 2026નાં જીડીપી વૃદ્ધિદરનો અંદાજ 0.4 બેસિસ પૉઈન્ટ વધારીને 7.6 ટકાનો મૂક્યો છે, જ્યરે આગામી નાણાકીય વર્ષના જીડીપીનો અંદાજ 0.2 બેસિસ પૉઈન્ટ વધારીને 7.1 ટકાનો મૂક્યો છે. 

એસ ઍન્ડ પીનું માનવું છે કે આગામી નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર હાલની નીચી સપાટીએથી સામાન્યત્‌‍ થઈને 4.3 ટકા આસપાસ રહેશે. જોકે, ક્રૂડતેલના ઊંચા ભાવને કારણે વેપાર ખાધ વધશે, પરંતુ સર્વિસીસ વેપારમાં પૂરાંતની સ્થિતિ ચાલુ ખાતાની ખાધ સ્થિર રાખવામાં મદદરૂપ થશે. એકંદરે એજન્સીના મતે આગામી નાણાકીય વર્ષમાં કેન્દ્રવર્તી બૅન્ક અથવા તો રિઝર્વ બૅન્ક વ્યાજદર યથાવત્‌‍ રાખીને નાણાનીતિમાં તટસ્થ વલણ જાળવી રાખશે. 

વધુમાં એજન્સીએ જણાવ્યું હતું કે મધ્યપૂર્વનાં વિવાદને કારણે ખાસ કરીને જે દેશો મધ્યપૂર્વના દેશો તરફથી ક્રૂડતેલની આયાત પર નિર્ભર હશે તેવાં એશિયા પેસિફિક વિસ્તારોનાં અર્થતંત્રો પર અસર પડશે. સામાન્યપણે ઈંધણના ઊંચા ભાવની ખરીદશક્તિ પર માઠી અસર થતી હોય છે અને સ્થાનિકમાં માગ દબાણ હેઠળ રહેતી હોય છે. ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, મલયેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં ક્રૂડતેલના ઊંચા ભાવને કારણે સબસિડી ખર્ચમાં વધારો થવાથી રાજકોષીય દબાણ વધશે. 

વર્તમાન વર્ષ 2026નાં જૂન અંતના ત્રિમાસિકગાળામાં બે્રન્ટ ક્રૂડના સરેરાશ ભાવ બેરલદીઠ 92 ડૉલર આસપાસ અને વર્ષ 2026માં સરેરાશ ભાવ બેરલદીઠ 80 ડૉલર આસપાસ રહેવાનો અંદાજ એજન્સીએ મૂક્યો છે.