Tue Apr 21 2026

Logo

પાલઘરમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયો વિસ્ફોટ: એકનું મૃત્યુ, પાંચ મહિલા જખમી

2026-04-21 20:49:55
Author: Yogesh D Patel
Article Image

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મૃતકના શરીરના અવયવો દૂર સુધી ફંગોળાયા

પાલઘર: પાલઘર જિલ્લામાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં મંગળવારે વિસ્ફોટ થતાં એક જણનું મૃત્યુ થયું હતું, જ્યારે પાંચ મહિલા ઘાયલ થઇ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મૃતકના શરીરના અવયવો દૂર સુધી ફંગોળાયા હતા, જેને બાદમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી અપાયા હતા. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને બે જણની  ધરપકડ કરી હતી.

તમિળનાડુમાં રવિવારે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 23 લોકોના જીવ ગયા હતા અને અનેક જણ ઇજા પામ્યાની ઘટનાના બે દિવસ બાદ પાલઘરમાં દુર્ઘટના બની હતી. પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે કહ્યું હતું કે વાડા તાલુકાના કોન્સાઇ ગામમાં એક જૂના ફાર્મહાઉસમાં બનાવેલા શૅડમાં કામચલાઉ ફટાકડા બનાવતા યુનિટમાં મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો.

યુનિટમાં એ સમયે 35 જેટલા કામદારો હાજર હતા, જેમાં મોટા ભાગની મહિલાઓ હતી અને તેઓ ‘ટ્વિન બોમ્બ’ બનાવી રહ્યા હતા. કેમિકલ મિક્સિગંની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો, જેમાં ભાવેશ દિલીપ વાવરે (35) નામના કામદારનું એક કામદારનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે મોનિકા સચિન પડવલે (30) 80 ટકા દાઝી ગઇ હતી અને તેને બાદમાં મુંબઈની હોસ્પિટલમાં ખસેડાઇ હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ઘટનામાં અન્ય ચાર મહિલા પણ ઘાયલ થયા હતા, જેમને સારવારાર્થે વાડા ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આમાંથી અમુકને બાદમાં વધુ સારવાર માટે ભિવંડીની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તથા અન્ય હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

વિસ્ફોટ બાદ અગ્નિશમન દળના જવાનો તથા પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતું. વિસ્ફોટ બાદ લાગેલી આગને અગ્નિશમન દળ દ્વારા ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી.

અધિકારીના જણાવ્યા અનુસાર ઘાયલોમાં મોનિકા સચિન પડવલે (30), મોનિકા મહેન્દ્ર જાધવ (30), જાગૃતિ જગદીશ ગવાતે (27), પ્રતિભા પ્રદીપ પવાર (30) અને મોનિકા મોહન વાર્ડી (25)નો સમાવેશ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે 10 એપ્રિલથી કાર્યરત આ યુનિટમાં કાચો માલ બહારથી લવાયો હતો અને જામઘર, કોન્સાઇ, પલસાઇ અને અલમાન સહિતના નજીકનાં ગામના કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા.

આ યુનિટ પાસે જરૂરી લાઇસન્સ હતું કે નહી અને ત્યાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું હતું કે નહીં તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણે શેડના માલિક સહ ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરીે બે જણની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ત્રીજા આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે. (પીટીઆઇ)