Sat Apr 18 2026

Logo

મુંદ્રા ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ: ₹9 કરોડની દવાઓના કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ...

2026-02-24 19:07:06
Author: Mayur Patel
Article Image

ભુજઃ કચ્છ જિલ્લાના મુંદ્રા બંદરેથી તાજેતરમાં પકડવામાં આવેલી પ્રતિબંધિત દવાના પ્રકરણમાં મોટાં ઇન્ટરનેશનલ ડ્રગ ટ્રાફિકિંગ  રેકેટનો ઘટસ્ફોટ થતા ચકચાર પ્રસરી જવા પામી છે. યુનાઇટેડ કિંગડમ (યુ.કે) સાથે લિંક ધરાવતા આ રેકેટમાં મુંદરા અદાણી પોર્ટના સીબર્ડ સીએફએસ (કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન) ખાતેથી કસ્ટમ્સની સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોની વિંગ અને દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અંદાજે ૯ કરોડ રૂપિયાની કિંમતની ૧૮ લાખથી વધુ સાયકોટ્રોપિક ગોળીઓ જપ્ત કરી હતી. 

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ગત વર્ષે ઓક્ટોબરમાં ૫૪,૦૦૦ જેટલી પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ સાથે પકડેલા મોહમ્મદ આબિદ નામના શખ્સની રિમાન્ડ દરમ્યાન પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, નિકાસકાર વિષ્ણુ દત્ત શર્માએ ઘરગથ્થુ સામાનની આડમાં કચ્છના મુંદરા અદાણી બંદર પરથી એક કન્ટેનરમાં ટ્રામાડોલ સહિતની પ્રતિબંધિત દવાઓના ૩૨થી ૩૩ જેટલા બોક્સ યુક્તિપૂર્વક છુપાવીને મુંદરા કસ્ટમ્સના નાક નીચેથી યુનાઇટેડ કિંગડમ મોકલ્યું હતું. જે બાદ હરકતમાં આવી ગયેલી ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક કસ્ટમ્સ અધિકારીઓ સાથે સંકલન સાધ્યું હતું અને આ શિપમેન્ટ યુનાઇટેડ કિંગ્ડમમાં ડિલિવર થાય તે પહેલા જ તેને ભારત પરત બોલાવી લેવામાં આવ્યું હતું. 

આ કન્ટેનર મુંદ્રા બંદરના અત્યંત વ્યસ્ત ટી-૩ ટર્મિનલ પર પહોંચતા જ તેને સીબર્ડ સીએફએસ ખાતે ખસેડાયું હતું. જ્યાં ગત ૧૬મી ફેબ્રુઆરીના રોજ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર, ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતો અને કસ્ટમ્સ એસઆઇટીની હાજરીમાં વેરહાઉસ પર દરોડો પાડી આ જંગી જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

આ કન્ટેનરમાંથી ૪૫૩ કિલોગ્રામની કુલ ૧૫,૭૫,૮૦૦ અલ્ટ્રાઝોલમ ગોળીઓ, કુલ ૧,૩૫,૬૦૦ જેટલી ૩૬ કિલોગ્રામ ટ્રામાડોલ (અફીણમાંથી બનતી ગોળીઓ), ૩૦,૦૦૦ નંગ જેટલી ૧૧.૩૪૦ કિલો વજનની ઝોલ્પીડેમ ગોળીઓ, ૫૨,૦૦૦ નાઈટ્રાઝેપામ ગોળીઓ સાથે દિલ્હીની જપ્તી સહિત કુલ ૫૨૮,૪૦૨ કિલોગ્રામ વજન ધરાવતી ૧૮,૪૭,૪૦૦ પ્રતિબંધિત નશીલી ગોળીઓ મળી આવી હતી. અલબત્ત, મુંદરા કસ્ટમ વિભાગે હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર યાદી બહાર પાડી નથી, પરંતુ દિલ્હી પોલીસના અહેવાલ મુજબ આ એક આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ છે જેની કડીઓ હજુ વધુ ઊંડાણપૂર્વક તપાસવામાં આવી રહી છે. 

દરમ્યાન, આ કેસમાં પકડાયેલા પાંચ આરોપીઓમાં મોહમ્મદ આબિદ સ્થાનિક વિતરણ સંભાળતો હતો. જાવેદ ખાન કસ્ટમ્સ હાઉસ એજન્ટ તરીકે દસ્તાવેજીકરણ અને ક્લિયરન્સ પ્રક્રિયામાં મદદ કરતો હતો, સુનિલ કુમાર વેરહાઉસ અને ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડતો હતો, જયારે માસ્ટર ગ્રેજ્યુએટ એવો વિષ્ણુ દત્ત શર્મા વર્ષોથી આયાત-નિકાસના વ્યવસાયમાં હોવાથી કાયદેસરના માલની આડમાં ગેરકાયદે ડ્રગ્સ છુપાવવામાં માહિર હતો. આ ઉપરાંત વિકાસ સિંહ કુરિયર સર્વિસ દ્વારા નેટવર્કનું સંકલન કરતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અફીણમાંથી બનાવાતી ટ્રામાડોલ ટેબ્લેટનું વર્ગીકરણ ઓપીઓઈડ ડ્રગ્ઝ તરીકે કરાયેલું છે. સામાન્ય રીતે આ દવા કામચલાઉ ધોરણે અસહ્ય પીડામાંથી છુટકારો આપવા માટે ઉપયોગમાં લેવાય છે.આ દવા મગજની સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમ પર સીધી અસર કરે છે. ટ્રામાડોલની દવા લેવાથી કલાકો સુધી ઊંઘ આવતી નથી તેથી મધ્ય પૂર્વના ખતરનાક આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા ટ્રેઈન્ડ આતંકીઓ આ 'ફાઇટર ડ્રગ્સ'નો વ્યાપક ઉપયોગ કરે છે. આફ્રિકાના નાઈજીરીયા, ઘાના વગેરે જેવા ગરીબ દેશોમાં સિન્થેટીક (રસાયણોના સંયોજનોથી બનાવેલી કૃત્રિમ દવા) ટ્રામાડોલની ખૂબ ઊંચી માંગ છે.

માદક દ્રવ્યોની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતાં નાર્કોટિક્સ ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીઝ એક્ટ ૧૯૮૫ અંતર્ગત એપ્રિલ ૨૦૧૮થી આ દવાની ભારતમાં આયાત અને નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયેલો છે.

(ઉત્સવ વૈદ્ય)