Fri May 01 2026

Logo

સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ટીનમાં રૂ. 47નો ઉછાળો, અન્ય ધાતુઓમાં ધીમો સુધારો

2026-04-10 19:53:13
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો સફળ થવાના આશાવાદ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. બેના ઘટાડા અને નિકલમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં કિલોદીઠ રૂ. એકથી 47 સુધીનો સુધારો જોવા મળ્યો હતો. જેમાં મુખ્યત્વે ટીન અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 47 અને રૂ. 11 વધી આવ્યા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીન, કોપર વાયરબાર અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 47 વધીને રૂ. 4978, રૂ. 11 વધીને રૂ. 1259 અને રૂ. પાંચ વધીને રૂ. 285ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. 826, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. 1188, રૂ. 1183, રૂ. 333 અને રૂ. 198, કોપર આર્મિચર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. 1177 અને રૂ. 755 અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. 361ના મથાળે રહ્યા હતા. 

જોકે, આજે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં નિરસ માગ અને વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. બેના ઘટાડા સાથે રૂ. 1098ના મથાળે અને ખપપૂરતી માગને ટેકે નિકલના ભાવ કિલોદીઠ રૂ. 1638ના મથાળે ટકેલા રહ્યા હતા.