નિધિ ભટ્ટ
અરવલ્લી પર્વતમાળામાં અજમેરની પાસેથી નાગ પર્વતમાંથી નીકળનારી લૂની નદી એક માત્ર નદી છે જે થારના મરુસ્થલમાંથી પસાર થાય છે. આ ભારતની એવી સૌથી મોટી નદી છે જે સમુદ્ર સુધી પહોંચતી નથી, પરંતુ કચ્છના રણમાં વિલીન થઈ જાય છે. રણની પાસે વહેનારી એક માત્ર નદી છે. એની આસપાસની પરિસ્થિતિક તંત્ર અતિશય સંવેદનશીલ અને અનોખી છે.
લૂની નદીનું ઉદ્ગમ સ્થાન અરવલ્લી પર્વતમાળાના અજમેરની પાસે છે. એની લંબાઈ કુલ 495 કિલોમીટર છે અને આ મોસમી નદી છે.
લૂની નદીની સૌથી વિશેષ વાત એ છે કે નદીની શરૂઆત મીઠા પાણીથી થાય છે અને અંત ખારા પાણીનો હોય છે. એથી એ દુનિયાની ખાસ નદી છે. જે મીઠી અને ખારી પણ છે. આ નદીનો મુખ્ય વહેણ રાજસ્થાનમાં છે અને અંતિમ ભાગ ગુજરાતમાં છે. મુખ્યત્વે વરસાદ પર આધાર રાખનારી આ નદીમાં જુલાઈથી સપ્ટેમ્બર સુધી પાણીનો પ્રવાહ રહે છે. શરૂઆતનો પ્રવાહ તેજ હોય છે એને કારણે અનેક વખત પૂર પણ આવે છે. જોધપુર અને બાડમેરની વચ્ચે આ નદીનો પ્રવાહ ધીમો પડે છે. ખેતી માટે આ નદી ખૂબ અગત્યની છે.
જાલોરથી કચ્છની વચ્ચે એનું પાણી ખારું બની જાય છે, કેમ કે આ નદી મેદાન અને દલદલવાળા પ્રદેશોમાંથી પસાર થાય છે.
આ નદી ભલે ગંગા અને યમુનાની જેવી સાંસ્કૃતિક અને સભ્યતાનું મૂલ્ય ન ધરાવતી હોય, પરંતુ એના કિનારે કેટલીક માનવીય સભ્યતાનો વિકાસ થયો છે. અજમેર, પાલી, જોધપુર, બાડમેર અને જાલોરની નજીકથી આ નદી પસાર થાય છે.
લૂની નદી 35 હજારથી 38 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે. એની સહાયક નદીઓમાં જવાઈ, બાંડી અને સૂકડીનો સમાવેશ થાય છે. ચોમાસામાં જ આ નદીમાં પાણી ભરેલું રહે છે. બાકીના સમયમાં એ સૂકી જ હોય છે.
છેલ્લા થોડા દાયકાઓથી દેશની અન્ય મહત્ત્વપૂર્ણ નદીઓમાં માનવીય હસ્તક્ષેપ જોવા મળ્યું છે. ઠીક એ રીતે જ લૂની નદી પર પણ માનવીય હસ્તક્ષેપ થયું છે. લોકોએ ભૂ-જળનો વધારે પડતો ઉપયોગ કર્યો, ખનન તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે આ નદીને મૃત:પ્રાય અવસ્થામાં પહોંચાડી દીધી છે.
આ જ કારણ છે કે લૂની નદીની આસપાસ મરુસ્થલીય વિસ્તાર વધ્યો છે.
રણ પ્રદેશની સૌથી અગત્યની નદી છે. એથી જ એને થારની જીવનરેખા કહેવામાં આવે છે. આ નદી પર વન્યજીવો જેવા કે ચિંકારા, ડેઝર્ટ ફોક્સ અને ડેઝર્ટ નીલ ગાય પણ અવલંબે છે.
ચોમાસાની ઋતુમાં આ નદીની આસપાસ ભારે સંખ્યામાં પ્રવાસી પંખીઓ આવે છે.
સાથે જ લૂની નદી મોટા પાયે ઘાસના મેદાનોનું પણ નિર્માણ કરે છે. વરસાદ દરમિયાન અસ્થાયી જળાશય પણ બને છે. એથી જ લૂની નદી જૈવ વિવિધતાની સાથે ખેતીની પેદાશ માટે પણ મહત્ત્વની છે.