Fri Apr 17 2026

Logo

સ્વામી શિવાનંદ સરસ્વતીનો આધ્યાત્મિક માર્ગ

2026-04-13 11:49:00
Author: Harish Vatavwala
Article Image

સંગમતીર્થ સંત - હરીશ વટાવવાળા

સ્વામી શિવાનંદ સરસ્વતીના પૂર્વસૂરિ શ્રી અપ્પય દીક્ષિતારનું દક્ષિણ ભારતમાં એક જ્યોતિર્મય નામ હતું. તેમણે સંસ્કૃત ભાષામાં 108 ગ્રંથોનું નિર્માણ કર્યું. જેમાં જ્ઞાનના અનેક વિષયોને અનેક પરિમાણીય પાસાંથી તપાસીને નવા જ પરિપ્રેક્ષ્યમાં લઈ આવ્યા અને એટલી જ મિષ્ટ અને પ્રવાહી શૈલીમાં તેનું આલેખન કર્યું. વેદાન્ત વિષયક એમના આવા ગ્રંથોથી એમની મહાન વિદ્વત્તાની ઝલક આપણને સ્પષ્ટ રીતે મળે છે. વેદાન્તના દાર્શનિક મતવાદીઓએ એમનાં અદ્વિતીય અને અનુપમ પુસ્તકોમાંથી પ્રેરણા લીધી છે. એમના અનેક ગ્રંથો પૈકી ‘ચતુર્મત સાર સંગ્રહ’ ગ્રંથ ખૂબ જ જાણીતો અને લોકાદર પામ્યો છે. તેઓએ દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શિવાદ્વૈત મતોનું ખૂબ જ સુંદર અને સરળ રીતે સ્પષ્ટીકરણ અને સરલીકરણ કર્યું છે, જેનું ન્યાય મુક્તાવલી, ન્યાય મુખપાલિકા, ન્યાય મણિમાલા તથા ન્યાય મંજરીનું ‘ચતુર્મત સારસંગ્રહ’માં પ્રતિપાદન કર્યું છે. ‘સિદ્ધાંત લેશ’ નામનો એમનો ગ્રંથ શ્રી શંકરાચાર્યજીના અનુગામીઓના મતમતાંતરનો સાર છે. એવા વિદ્વાન શ્રી અપ્પય દીક્ષિતારના આધ્યાત્મિક કૂળમાં એક ‘દિવ્યાત્માનો આવિર્ભાવ થયો તે સ્વામી શિવાનંદ સરસ્વતી (જન્મ તા. 8-09-1887) અને એમના દ્વારા આધ્યાત્મિક પરંપરાની એક નૂતન દિશાનો ઉઘાડ થયો.

સ્વામી શિવાનંદ સરસ્વતીજી વ્યવહારુ, આધ્યાત્મિક અને દિવ્યજીવનને ઉજાગર કરનાર ખરા અર્થમાં એક આધ્યાત્મિક સંત હતા. જે આધ્યાત્મિક જ્ઞાન એમણે મેળવ્યું તે જીવનમાં ઉતાર્યું. એટલું જ નહિ, એનો લાભ સહુ પામે એથી એમણે એમના અનુભવ દ્વારા આપણી સમક્ષ મૂકયું. આત્મસાક્ષાત્કાર પામેલા આ સંતના હૃદયમાં ઊભરાતો આનંદ આ રત્નકણિકાઓમાં પ્રકટ થાય છે. 'Great Bhuma Experience'  પુસ્તકમાં તેઓ તેમનો અનુભવ વર્ણવતાં લખે છે:

‘અનંત આનંદના વિશાળ મહાસાગરમાં 
હું કૂદી પડ્યો.
શાશ્ર્વત સુખના અસીમ સાગરમાં 
હું તરવા માંડ્યો.
અગાધ શાંતિના સમુદ્રમાં
હું આગળ વધ્યો અને
મારો અહંકાર ઓગળી ગયો
વિચારો શાંત થઈ ગયા,
બુદ્ધિ નિષ્ક્રિય બની ગઈ,
ઈન્દ્રિયો ઈશ્ર્વરમાં એકરસ થઈ ગઈ.
હું દુનિયાનું ભાન ભૂલી ગયો.
મેં જોયું તો
હું પોતે જ
સર્વત્ર હાજર હતો...’

પરમકૃપાળુ પરમાત્માના પરમ પ્રકાશમાં એકાકાર બની ગયા પછી પણ સ્વામી શિવાનંદ એક સામાન્ય માણસની જેમ બધા સાથે વ્યવહાર કરતા હતા. આત્મસાક્ષાત્કાર પામેલા સંતની સુવાસ દિવ્ય જગતમાં ફેલાયા વગર રહેતી નથી. સ્વામી શિવાનંદની લોકો ઉપર તેની ચુંબકીય અસર થઈ, જે માણસો તેમની પાસે આવ્યા તેમણે પોતપોતાની શક્તિ મુજબ પ્રકાશ ગ્રહણ કર્યો. સ્વામી શિવાનંદ સરસ્વતીની ‘મૌન પ્રદેશ’ નામની કવિતામાં ગૂઢ રહસ્યના ધબકારા સંભળાય છે:

‘હું પરમ પ્રકાશ સાથે
એકરૂપ થઈ ગયો.
અમે બે એક છીએ કે અલગ
એ વિચાર જ, અલોપ થઈ ગયો.
જન્મ-મરણના આ ભવસાગરને
પાર કરીને હું સામે તીરે પહોંચ્યો, સદાને માટે.’

પરમકૃપાળુ પરમાત્માના પરમ પ્રકાશમાં ઓગળી ગયેલા સ્વામી શિવાનંદ સરસ્વતીએ આધ્યાત્મિક જીવન જીવવાની એક નવી જ દિશાનો ઉઘાડ કર્યો.

જ્યારે વેદાન્તનો અભ્યાસુ આધ્યાત્મિક સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે ત્યારે તેનો જીવ શિવ થઈ જાય છે. પ્રભુ સાથે એકરૂપ થયો હોવા છતાં જ્યાં સુધી તેનું પ્રારબ્ધ ભોગવાઈને પૂરું ન થાય ત્યાં સુધી તે દેહને ધારણ કરે છે. પ્રારબ્ધ પૂરું થતાંની સાથે જ તે દેહરૂપી આવરણનો ત્યાગ કરે છે. જીવનમુક્ત પ્રભુ સાથે એકાકાર થાય છે. તે બે વચ્ચે પછી કશો ભેદ રહેતો નથી. જીવનમુક્ત શાંતિ, જ્ઞાન અને આનંદ એ તેના ગુણધર્મ નથી, પરંતુ તેના આધ્યાત્મિક શરીરનાં આ ત્રણ મૂળ તત્ત્વો છે. શિવાનંદની આધ્યાત્મિકતત્ત્વ વિશેની આ સમજ હતી.

ધ્યાન, જ્ઞાન અને શાંતિની સાથે સાથે પૂજા, ભક્તિની પણ એટલી જ આવશ્યકતા છે. વેદાન્તીઓ ધ્યાનને મહત્ત્વ આપે છે પણ પૂજા પણ એટલી જ મહત્ત્વની છે. ચોવીસે ચોવીસ કલાક ભગવાનનો વિચાર કર્યા કરવાનો છે. માનસીપૂજા તો વ્યક્તિના મનમાં સતત ચાલુ જ રહેવી જોઈએ.

સ્વામીજી કહે છે: ‘તમારી સામે કૉફીનો કપ આવે તો તેને કૉફી તરીકે કે એક વસ્તુ તરીકે નહીં, પણ તેને પ્રભુ તરીકે જુઓ. નાસ્તાની પ્લેટમાં મુકાયેલી વાનગીમાં પણ પ્રભુનાં દર્શન કરો. તેમાં પ્રભુની હાજરી અનુભવો. આ ભાવનાને કેળવો.’ તેઓ માનતા કે, ઈશ્ર્વરના દર્શન કરવા માટે સાધકે છેવટે તો ધ્યાનનો જ આધાર લેવો પડે છે.

માયા વિશે સ્વામીજી કહે છે: ‘.... માયા પાસે બે શક્તિ છે. આવરણ શક્તિ અને વિસ્તરણ શક્તિ. આવરણ શક્તિ વડે તે તમારા મૂળ જ્ઞાન ઉપર, મૂળ બુદ્ધિશક્તિ ઉપર પડદો નાખે છે અને તેને ઢાંકી રાખે છે. વિસ્તરણ શક્તિ વડે તે મન ચાહે ત્યાં ઘૂસી શકે છે. તે જ્ઞાન તરફ ધસી જાય છે અને તેમાં વિક્ષેપ ઊભો કરે છે. તેમાં ખલેલ પહોંચાડે છે. માયા બાહ્ય જગતમાં દેખાતા વિવિધ વિષય પદાર્થો તરફ મનને ખેંચી જાય છે. પરિણામે પ્રભુ સાથે એકરૂપની ભાવનાને ભૂલી જઈએ છીએ અને બહાર દેખાતું જગત જ સાચું જગત છે એમ માનીએ છીએ. માયા સત્યને સંતાડે છે અને જે અસત્ય છે તેમાં સત્યનો ભાસ ઊભો કરે છે.’

જે સાધકો તેમની ઈન્દ્રિયો ઉપર કાબૂ રાખી શકતા ન હોય અને જેનામાં સદ્ગુણોનો અભાવ હોય તેમને સ્વામીજી આશ્રમના મહાત્માઓના સતત સંપર્કમાં રહેવાની સલાહ આપતા. મહાત્માઓના સંસર્ગમાં તેમના જીવનનું નવઘડતર થયું. આ પ્રક્રિયા પૂરી થાય પછી તેઓ તેમને ઊંડું ધ્યાન ધરવા માટે એકાન્તમાં મોકલી આપતા. આ એકાન્તનવાસ દરમિયાન જો કોઈ સાધક એદી અને આળસુ બની જતો જણાય તો તેઓ તેને ત્યાંથી તરત ઉઠાવીને નિષ્કામ સેવાપ્રવૃત્તિઓમાં જોડી દેતા. ધ્યાનમાં આગળ વધતા સાધકોને તેઓ એકાન્તમાં જ રહેવાની સૂચના આપતા અને બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત અને શ્રી અરવિંદ ઘોષનો દાખલો આપી પ્રોત્સાહિત કરતા. 

 (ક્રમશ:)