આચમન - અનવર વલિયાણી
પોતાના પરિશ્રમ અને ઈશ્ર્વર કૃપાથી મળી જાય તેમાં જ પ્રસન્ન તથા સંતુષ્ટ રહેવાનું શીખવું જોઈએ
એક ઋષિ પોતાના સૌથી પ્રિય શિષ્ય કપિલની સાથે શ્રાવસ્તી નરેશ પાસે ગયા.
-ઋષિને મળીને શ્રાવસ્તીના રાજા ખૂબ જ પ્રસન્ન થયા અને તેમના આદર - સત્કારમાં જોડાઈ ગયા.
* ઋષિ પોતાના શિષ્ય કપિલ સાથે ઘણા દિવસો સુધી રાજમહેલમાં રોકાયા.
* આ સમયગાળા દરમિયાન કપિલ રાજમહેલની એક સેવિકાના રૂપ પર મોહી ગયો.
* તેણે સેવિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો.
* સેવિકાએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. પરંતુ લગ્ન પહેલાં મોંઘાં કપડાં અને ઘરેણાં આપવાની શરત મૂકી.
* સેવિકાની માગણી બહુ મોટી હતી અને કપિલ આ બધી જ વસ્તુઓ તેને આપવામાં અસમર્થ હતો.
- ઘણાં દિવસો વીતવા છતાં કપિલ મોંઘાં કપડાં કે ઘરેણાં લાવી શકયો નહીં
* તે સતત વિચારતો કે આ બધું કેવી રીતે મેળવવું?
* કપિલની મન:સ્થિતિ જાણીને સેવિકાએ આ બધી વસ્તુ મેળવવા માટે એક સરળ ઉપાય જણાવ્યો.
- તેણે કહ્યું કે,
* પ્રાત: કાળે જે વ્યક્તિ સૌથી પહેલાં શ્રાવસ્તી નરેશનું અભિવાદન કરે છે તેને તેઓ બે સુવર્ણ મુદ્રાઓ આપે છે.
- આ ઉપાય જાણી તેના જીવમાં જીવ આવ્યો.
* સવારે પોતાની પહેલાં કોઈ શ્રાવસ્તી નરેશને અભિવાદન કરી જશે તો?
* હું આખી રાત તેમના શયનખંડમાં વિતાવું તો સરળતાથી કોઈની પણ પહેલાં તેમનું અભિવાદન કરી શકું.
- આવું વિચારીને તે રાત્રે જ શ્રાવસ્તી નરેશના શયનખંડમાં પ્રવેશવા જાય છે, પરંતુ દ્વારપાળોએ કપિલને ચોર સમજીને પકડી લીધો.
- સવારે નરેશ સામે કપિલને હાજર કરવામાં આવ્યો ત્યારે કપિલે બધી વાતો જણાવી.
- જેથી પ્રસન્ન થઈને નરેશે તેને મોં માગી વસ્તુઓ આપવાનું વચન આપ્યું.
- કપિલે તેના માટે એક દિવસનો સમય માગ્યો.
- કપિલ વિચારવા લાગ્યો કે બે-પાંચ સુવર્ણમુદ્રાઓ તો બહુ ઓછી છે. તેના કરતાં સો સુવર્ણમુદ્રાઓ માગી લઉં તો! પરંતુ કેટલા દિવસ ચાલશે. તેનાથી તો માત્ર મારાં લગ્ન થશે.
* પત્ની સાથે આગળનું જીવન કેવી રીતે વિતાવીશ?
* આખી રાતના મનોમંથન બાદ તેણે આખું રાજ્ય જ માગી લેવાનું વિચાર્યું.
- બીજા દિવસે તે નરેશ પાસે ગયો અને સમગ્ર રાજ્યની માગણી કરી.
* શ્રાવસ્તી નરેશ નિ:સંતાન હતા.
* તેઓ પોતાના રાજ્યનો કારભાર સંભાળી શકે તેવી વ્યક્તિની શોધમાં જ હતા.
* તેમને રાજ્ય સંભાળવા માટે કપિલ એકદમ યોગ્ય લાગતો હતો. તેથી તેઓ પ્રસન્નતાપૂર્વક પોતાનું રાજ્ય કપિલને આપવા માટે તૈયાર થઈ ગયા.
- અને કહ્યું,
* ‘તેં મારો ઉદ્ધાર કરી દીધો. હું તૃષ્ણારૂપી પાશમાંથી છૂટી ગયો...!’
- આ સાંભળીને કપિલમાં વિવેક જાગ્યો અને તેણે કહ્યું,
- ‘મહારાજ! તમે જે દલદલમાંથી નીકળવા માગો છો, હું તેમાં પડવા માગતો નથી.’
- ત્યાર બાદ મારે કશું જોઈતું નથી. હું સેવિકાના રૂપના મોહમાં પડી ગયો હતો. હવે હું કોઈપણ જાતના મોહમાં પડવા માગતો નથી...!
- ત્યારબાદ શ્રાવસ્તી નરેશની આજ્ઞા લઈને કપિલ પોતાના ગુરુ પાસે ગયો અને બધી જ વાત જણાવી.
- ઋષિએ કહ્યું,
* ‘બેટા, કામનાઓનો ક્યાંય અંત નથી હોતો, તેથી જેટલું પોતાના પરિશ્રમ અને ઈશ્ર્વરકૃપાથી મળી જાય તેમાં જ પ્રસન્ન તથા સંતુષ્ટ રહેવાનું શીખવું જોઈએ...!’