તેહરાન: ગઈ કાલે સોશિયલ મીડિયા પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું મોત નીપજ્યું હોવાની અફાવા શરુ થઇ હતી, આજે ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલએ સ્પષ્ટતા કરી હતી કે વડાપ્રધાન નેતન્યાહૂ સલામત છે. એવામાં આજે રવિવારે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ચીમકી ઉચ્ચારી છે કે નેતન્યાહૂનો કોઈ પણ ભોગે ખાત્મો કરવામાં આવશે.
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે નેતન્યાહૂને "બાળકોની હત્યા કરનાર ગુનેગાર" ગણાવ્યા અને પ્રતિજ્ઞા લીધી કે તેમને "શોધીને મારી નાખવામાં આવશે".
રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે તેના મુખપત્રમાં જણાવ્યું, "જો આ બાળ હત્યારો ગુનેગાર જીવતો હશે, તો અમે તેની શોધ ચાલુ રાખીશું અને તેને પૂરી તાકાત વાપરીને તેને મારી નાખીશું.”
નેતન્યાહૂના મોતની ચર્ચા:
નોંધનીય છે કે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે 76 વર્ષીય બેન્જામિન નેતન્યાહૂ ઘણા દિવસોથી જાહેરમાં દેખાયા નથી. ગઈ કાલે ઇઝરાયલે X પર ર્ક વીડિયો રિલીઝ કર્યો હતો, જેમાં નેતન્યાહૂ પત્રકાર પરિષદ સંબોધતા જોવા મળે છે.
વિડીયોમાં નેતન્યાહૂ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીને મારી નાખવાની પણ ધમકી આપી રહ્યા છે. આ વિડીયોમાં નેતન્યાહૂએ હિબ્રુમાં કહ્યું, "અમે પગલાં લઈ રહ્યા છીએ, તેની હું વિગતો નહીં આપું. અમે શાસનને ઉથલાવી પાડવા માટે પરિસ્થિતિઓ બનાવી રહ્યા છીએ, પરંતુ ઈરાનના લોકો શાસનને ઉથલાવી નાખશે.”
કેટલાક X હેન્ડલ તરફથી દાવો કરવામાં આવ્યો કે આ વિડીયોની એક ફ્રેમ નેતન્યાહૂના જમણા હાથમાં છ આંગળીઓ દેખાઈ રહી છે. જેનાથી એવી અફવાઓ ફેલાઈ હતી કે ફૂટેજ AI દ્વારા જનરેટેડ છે, નેતન્યાહૂનું મૃત્યુ થયું છે.ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે આવી અફવાઓ ફગાવી છે.